
પાપકર્મોનાં પરિણામો અને સદાચારપૂર્ણ જીવનનો આધ્યાત્મિક સંદેશ
ભારતીય સનાતન ધર્મપરંપરામાં મનુષ્યજીવનને અત્યંત મૂલ્યવાન માનવામાં આવ્યું છે.આ જીવન માત્ર ભૌતિક સુખ-સુવિધાઓ પ્રાપ્ત કરવા માટે જ નહીં પરંતુ સત્ય, ધર્મ, સદાચાર, પરોપકાર અને આત્મ કલ્યાણના માર્ગે આગળ વધવા માટે મળેલી અમૂલ્ય તક છે.આપણા ધર્મગ્રંથો મનુષ્યને સતત સદકર્મો કરવાની અને દુષ્કર્મોથી દૂર રહેવાની પ્રેરણા આપે છે.
ગરૂડ પુરાણ સારોદ્ધારના પાંચમા અધ્યાય ‘પાપચિહ્નનિરૂપણ’માં પાપકર્મો, તેમના પરિણામો અને વિવિધ યોનિઓમાં જન્મ લેવાની ધાર્મિક માન્યતાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. આ અધ્યાયના પ્રારંભમાં ગરૂડજી ભગવાનને પૂછે છે કે કયા પાપથી કેવાં ચિહ્નો ઉત્પન્ન થાય છે અને જીવ કંઈ-કંઈ યોનિઓમાં જન્મ લે છે. ભગવાન તેના ઉત્તરમાં વિવિધ કર્મો અને તેમનાં પરિણામો સમજાવે છે. આ વર્ણનોનો મુખ્ય સંદેશ એ છે કે મનુષ્યે પોતાનાં કર્મો પ્રત્યે જાગૃત રહીને સત્ય અને ધર્મના માર્ગે જીવન જીવવું જોઈએ.
ચોરીનાં કર્મો અને તેમનાં પરિણામો..
ગરૂડ પુરાણ સારોદ્ધારના પાંચમા અધ્યાયના શ્લોક ૧૨થી ૧૪માં વિવિધ વસ્તુઓની ચોરી કરનારને કંઈ યોનિ પ્રાપ્ત થાય છે તેનું વર્ણન મળે છે. શ્લોક-૧૨માં અન્નની ચોરી કરનારને ઉંદર, ધાન્યની ચોરી કરનારને તીડ, પાણીની ચોરી કરનારને ચાતક પક્ષી અને ઝેરની ચોરી કરનારને વીંછીની યોનિ પ્રાપ્ત થવાનો ઉલ્લેખ છે. શ્લોક-૧૩માં શાકભાજી અને પાંદડાંની ચોરી કરનારને મોર, સુગંધિત પદાર્થોની ચોરી કરનારને છછુંદર, મધની ચોરી કરનારને માખી, માંસની ચોરી કરનારને ગીધ અને મીઠાની ચોરી કરનારને કીડીની યોનિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શ્લોક-૧૪ અનુસાર સોપારી-ફળ અને ફૂલની ચોરી કરનારને વનવાસી વાંદરા તથા જૂતાં-ઘાસ અને કપાસની ચોરી કરનારને ઘેટાની યોનિ પ્રાપ્ત થવાનું વર્ણન છે. આ વર્ણનોનો નૈતિક બોધ એ છે કે બીજાની સંપત્તિ પર અન્યાયી રીતે અધિકાર જમાવવો અયોગ્ય છે.અન્ન અને પાણી જેવી જીવનોપયોગી વસ્તુઓની ચોરી કરવી એ બીજાના અધિકારોનું ઉલ્લંઘન છે. મનુષ્યે પ્રામાણિકતાથી જીવનનિર્વાહ કરવો અને બીજાના પરિશ્રમનું સન્માન કરવું જોઈએ.
ગુરૂનું અપમાન અને જ્ઞાન પ્રત્યેની જવાબદારી..
ગરૂડ પુરાણ સારોદ્ધારના શ્લોક-૧૯થી ૨૧માં ધાર્મિક કર્તવ્ય, યોગ્ય વ્યક્તિને વિદ્યા ન આપવી, ગુરૂની સેવા ન કરવી અને ગુરૂનું અપમાન કરવા જેવાં આચરણોનું વર્ણન છે. શ્લોક-૨૦માં યોગ્ય પાત્રને વિદ્યા ન આપનાર માટે બળદની યોનિનો ઉલ્લેખ છે. ગુરૂની સેવા ન કરનાર શિષ્ય માટે ગાય કે ગધેડાની યોનિનું વર્ણન મળે છે. શ્લોક-૨૧માં ગુરૂનું અપમાન કરનાર વ્યક્તિને નિર્જન અને જળવિહોણા પ્રદેશમાં બ્રહ્મરાક્ષસ તરીકે જન્મ લેવાની માન્યતા દર્શાવવામાં આવી છે.ભારતીય સંસ્કૃતિમાં ગુરૂને જ્ઞાન અને વિવેકના માર્ગદર્શક તરીકે સન્માન આપવામાં આવે છે.ગુરૂ પ્રત્યે આદર રાખવો,
જ્ઞાનનો સદુપયોગ કરવો અને યોગ્ય વ્યક્તિને વિદ્યા આપવી એ ઉત્તમ માનવીય ગુણો છે.જ્ઞાનને માત્ર ધન કમાવવાનું સાધન ન માનતાં તેનો ઉપયોગ સમાજના કલ્યાણ માટે કરવો જોઈએ, શિક્ષણ અને સંસ્કાર દ્વારા જ વ્યક્તિના જીવનમાં સાચો વિકાસ થાય છે.
વચનભંગ-છેતરપિંડી અને વિશ્વાસઘાત..
શ્લોક-૨૨માં બ્રાહ્મણને દાન આપવાનું વચન આપ્યા પછી દાન ન આપનારને શિયાળની યોનિ પ્રાપ્ત થવાનો ઉલ્લેખ છે, એ જ શ્લોકમાં સજ્જનોનો અનાદર કરનાર માટે પણ પ્રતિકૂળ પરિણામનું વર્ણન કરવામાં આવ્યું છે. શ્લોક-૨૩માં મિત્ર સાથે વિશ્વાસઘાત કરનાર માટે પર્વતીય ગીધ તથા ખરીદ-વેચાણમાં છેતરપિંડી કરનાર માટે ઘુવડની યોનિનો ઉલ્લેખ મળે છે. આ વર્ણનોનો મહત્વપૂર્ણ સંદેશ એ છે કે વચન અને વ્યવહારમાં પ્રામાણિકતા હોવી જોઈએ.વેપારમાં છેતરપિંડી કરવી, મિત્રનો વિશ્વાસ તોડવો કે દાન આપવાનું વચન આપીને જાણીજોઈને પાછા હટી જવું એ નૈતિક દ્રષ્ટિએ અયોગ્ય છે.વિશ્વાસ માનવીય સંબંધોનો આધાર છે.સત્યનિષ્ઠ વ્યક્તિ પોતાના શબ્દોનું મૂલ્ય સમજે છે અને શક્ય હોય ત્યાં સુધી આપેલું વચન પાળે છે.
પારિવારિક સંબંધોમાં સદાચાર..
ગરૂડ પુરાણ સારોદ્ધારના શ્લોક-૨૬ અને ૨૭માં પારિવારિક સંબંધોમાં અયોગ્ય વર્તન કરનાર માટે વિવિધ યોનિઓનું વર્ણન મળે છે.
શ્લોક-૨૬ અનુસાર સાસુ-સસરાનું અપમાન કરનાર અને સતત ઝઘડા કરનાર સ્ત્રીઓને જળો તથા પતિને ધમકાવનાર સ્ત્રીને જૂ-ની યોનિ પ્રાપ્ત થવાનો ઉલ્લેખ છે. શ્લોક-૨૭માં પોતાના પતિને છોડીને અન્ય પુરૂષના સંબંધમાં જનાર સ્ત્રી માટે ચામાચીડિયું, ગરોળી
કે બે મુખવાળી સાપણની યોનિનું વર્ણન કરવામાં આવ્યું છે. આ વર્ણનોને સમજતી વખતે પારિવારિક જીવનમાં પરસ્પર આદર-વિશ્વાસ અને જવાબદારીનું મહત્વ ધ્યાનમાં રાખવું જોઈએ.પતિ-પત્ની બંનેએ એકબીજાની લાગણીઓ અને સ્વાભિમાનનું સન્માન કરવું જોઈએ, કોઈપણ સંબંધમાં અપમાન-હિંસા કે છેતરપિંડીને યોગ્ય ઠેરવી શકાય નહીં.સુખી પરિવારનું નિર્માણ પ્રેમ, સહનશીલતા, સંવાદ અને પરસ્પર સમજણથી થાય છે.
અનૈતિક સંબંધો અને ગંભીર દુષ્કર્મો..
શ્લોક-૨૯ અને ૩૦માં તપસ્વિની સાથે અનૈતિક સંબંધ રાખનાર, અપરિપક્વ વયની કન્યા સાથે સંબંધ બાંધનાર તથા ગુરૂ-રાજા અને મિત્રની પત્ની પ્રત્યે અનૈતિક ઇચ્છા રાખનાર માટે વિવિધ યોનિઓનું વર્ણન છે.
શ્લોક-૩૫માં બ્રહ્મહત્યા કરનાર માટે ગધેડા-ઊંટ અને ભેંસની યોનિ તથા નશાકારક પદાર્થોનું સેવન કરનાર માટે વરૂ-કૂતરા અને શિયાળની યોનિનો ઉલ્લેખ મળે છે. શ્લોક-૩૬માં સોનાની ચોરી કરનાર માટે કીડા-જંતુ અને પતંગાની યોનિ તથા ગુરૂની પત્ની સાથે
અનૈતિક સંબંધ રાખનાર માટે ઘાસ-ઝાડી અને વનસ્પતિની યોનિનું વર્ણન છે. શ્લોક-૩૭માં પરસ્ત્રીનું અપહરણ,અમાનત હડપ કરવી અને બ્રાહ્મણની સંપત્તિની ચોરી કરવા જેવા કર્મો માટે બ્રહ્મરાક્ષસની યોનિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ વર્ણનોનો વ્યાપક નૈતિક સંદેશ એ છે કે મનુષ્યે પોતાની ઇચ્છાઓ પર વિવેકપૂર્ણ નિયંત્રણ રાખવું જોઈએ. પોતાની વાસનાઓની પૂર્તિ માટે બીજાના જીવન, પરિવાર, સન્માન કે અધિકારોને નુકસાન પહોંચાડવું ગંભીર અન્યાય છે.
ધર્મના નામે સ્વાર્થ અને આડંબર..
શ્લોક-૧૯માં અયોગ્ય વ્યક્તિઓ માટે યજ્ઞ કરાવનાર બ્રાહ્મણને ગામના સૂવરની યોનિ પ્રાપ્ત થવાનો ઉલ્લેખ મળે છે. શ્લોક-૩૨ અને ૩૩માં મૃતકના અગિયારમા દિવસના ભોજન સાથે સંબંધિત માન્યતા તથા ધનપ્રાપ્તિ માટે દેવપૂજા કરવાના આચરણનું વર્ણન છે.ધાર્મિક વિધિઓનો મૂળ હેતુ આત્મશુદ્ધિ-સદાચાર અને લોકકલ્યાણ છે. જો કોઈ વ્યક્તિ ધર્મનો ઉપયોગ માત્ર સ્વાર્થ-લોભ કે દેખાડા માટે
કરે તો તે ધર્મની ભાવનાથી દૂર જાય છે.સાચી ભક્તિ માત્ર પૂજા-પાઠ સુધી સીમિત નથી. જીવનમાં સત્ય, દયા, કરૂણા, નમ્રતા અને નિઃસ્વાર્થ સેવાનો સ્વીકાર કરવો પણ એટલો જ જરૂરી છે.
કર્મફળનો અચૂક સિદ્ધાંત..
ગરૂડ પુરાણ સારોદ્ધારના પાંચમા અધ્યાયના શ્લોક-૫૭માં કર્મફળનો સિદ્ધાંત સ્પષ્ટ રીતે રજૂ કરવામાં આવ્યો છે. અવશ્યમેવ ભોક્તવ્યં કૃતં કર્મ શુભાશુભમ્ નાભુક્તં ક્ષીયતે કર્મ કલ્પકોટિશતૈરપિ મનુષ્યે કરેલાં શુભ કે અશુભ કર્મોનું ફળ અવશ્ય ભોગવવું પડે છે. કરોડો કલ્પો વીતી જાય તો પણ ભોગવ્યા વિના કર્મનું ફળ નષ્ટ થતું નથી. આ શ્લોક મનુષ્યને પોતાના વિચારો-વાણી અને વર્તન પ્રત્યે
જાગૃત રહેવાની પ્રેરણા આપે છે. સારા કર્મોથી જીવનમાં વિશ્વાસ-સંતોષ અને સદભાવના વિકસે છે જ્યારે દુષ્કર્મોથી વ્યક્તિ અને સમાજને નુકસાન પહોંચે છે. કર્મફળનો સિદ્ધાંત આપણને સમજાવે છે કે જીવનમાં કોઈપણ કાર્ય કરતાં પહેલાં તેના પરિણામોનો વિચાર કરવો જોઈએ.
ગરૂડ પુરાણ સારોદ્ધારના પાંચમા અધ્યાયમાં વર્ણવાયેલા પાપકર્મો અને તેમની સાથે જોડાયેલી યોનિઓની માન્યતાઓનો મુખ્ય ઉદ્દેશ મનુષ્યને સદાચારના માર્ગે પ્રેરિત કરવાનો છે. આપણે જીવનમાં ચોરી, છેતરપિંડી, વિશ્વાસઘાત, ગુરૂનું અપમાન, અનૈતિક આચરણ અને અન્યાયથી દૂર રહેવું જોઈએ, તેના બદલે સત્ય,પ્રામાણિકતા,દયા,કરૂણા,પરોપકાર અને નિઃસ્વાર્થ સેવાને જીવનનો આધાર બનાવવો જોઈએ. મનુષ્યજીવનની સાચી સાર્થકતા માત્ર સંપત્તિ કે પ્રતિષ્ઠામાં નથી પરંતુ બીજાના જીવનમાં સુખ-શાંતિ અને
સદભાવના વધારવામાં છે.
અંતે એટલું જ સમજવાનું છે કે સદકર્મો જીવનને ઉન્નત બનાવે છે અને દુષ્કર્મોથી દૂર રહેવું એ જ સાચા ધર્મપાલનનો માર્ગ છે તેથી દરેક વ્યક્તિએ પોતાના કર્મોનું આત્મચિંતન કરીને સત્ય અને માનવતાના માર્ગે જીવન જીવવું જોઈએ.
આલેખનઃ
વિનોદભાઇ માછી નિરંકારી
નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ
૯૭૨૬૧૬૬૦૭૫(મો)




