
શિવપુરાણ પૂર્ણતઃ ભક્તિનો ગ્રંથ છે,જેમાં કળિયુગના પાપકર્મથી ગ્રસિત વ્યક્તિની મુક્તિ માટે શિવભક્તિનો માર્ગ દર્શાવવામાં આવ્યો છે.
ભગવાન ભોળાનાથ હંમેશાં ઉપકારી અને હિતકારી દેવ છે.શાસ્ત્રો અનુસાર ત્રિદેવોમાં શિવજીને સંહારના દેવતા માનવામાં આવે છે.અન્ય દેવી-દેવતાઓની પૂજા-અર્ચનાની સરખામણીએ શિવજીની પૂજા- અર્ચનાને અત્યંત સરળ માનવામાં આવે છે.અન્ય દેવી-દેવતાઓની જેમ શિવજીને સુગંધિત પુષ્પમાળાઓ અને મીઠા પકવાનની આવશ્યકતા નથી,શિવ તો માત્ર સ્વચ્છ જળ,બિલિપત્ર અને ધતુરાથી જ પ્રસન્ન થઈ જાય છે.
શિવજીને મનોરમ વેશભૂષા અને અલંકારોની આવશ્યકતા નથી હોતી,તે તો ઔઘડ બાબા છે, જટાજૂટધારી છે.ગળામાં લપેટાયેલો નાગ અને રૂદ્રાક્ષની માળા,શરીર ઉપર વાઘામ્બર,ચિતાની ભસ્મ લગાવેલી છે અને હાથમાં ત્રિશૂળ પકડેલા ભગવાન ભોળાનાથ સમગ્ર વિશ્વને પોતાના ડમરૂની કર્ણભેદી ધ્વનિથી નચાવે છે તેથી શિવજીને નટરાજની ઉપમા આપવામાં આવી છે.
ભગવાન ભોળાનાથની વેશભૂષા પરથી જીવન અને મૃત્યુનો બોધ થાય છે.શીશ ઉપર ગંગા અને ચંદ્રમા જીવન તથા કળાનો સંકેત આપે છે.શરીર ઉપર લગાડેલી ચિતાની ભસ્મ મૃત્યુનું પ્રતીક છે.આ જીવન ગંગાની ધારાની જેમ વહેતું રહીને અંતમાં મૃત્યુરૂપી સાગરમાં લીન થઈ જાય છે.
ભગવાન શિવશંકરજી જનસુલભ તથા આડંબરવિહીન વેશ ધારણ કરે છે.શિવજી નીલકંઠ કહેવાય છે કારણ કે સમુદ્રમંથન સમયે જ્યારે દેવ અને અસુરગણ અદભૂત અને બહુમૂલ્ય રત્નો મેળવી રહ્યા હતા ત્યારે તેમણે કાલકૂટ નામના મહાવિનાશક વિષને પોતાના કંઠમાં ધારણ કર્યું હતું,ત્યારથી શિવજી ‘નીલકંઠ’ કહેવાયા કારણ કે વિષના પ્રભાવથી તેમનો કંઠ નીલો પડી ગયો હતો.આવા પરોપકારી અને અપરિગ્રહી શિવના ચરિત્રનું વર્ણન કરવા માટે જ શિવમહાપુરાણની રચના કરવામાં આવી છે. સજ્જનો ! તમામ પ્રભુપ્રેમી ભક્તોએ શિવપુરાણ અવશ્ય વાંચવું જોઈએ.શિવપુરાણ પૂર્ણતઃ ભક્તિનો ગ્રંથ છે,જેમાં કળિયુગના પાપકર્મથી ગ્રસિત વ્યક્તિની મુક્તિ માટે શિવભક્તિનો માર્ગ દર્શાવવામાં આવ્યો છે.
મનુષ્યએ નિષ્કામભાવથી પોતાનાં તમામ કર્મ ભગવાન શિવશંકરજીને અર્પણ કરી દેવાં જોઈએ. શિવપુરાણમાં સાત સંહિતાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે,જે મોક્ષકારક છે.શિવપુરાણના માહાત્મ્યમાં ચંચુલા નામની એક પતિત સ્ત્રીની કથા આવે છે,જે શિવપુરાણ સાંભળીને પોતે સદગતિ પ્રાપ્ત કરે છે એટલું જ નહીં,પોતાના કુમાર્ગી પતિને પણ મોક્ષ અપાવે છે.આ ઉપરાંત દેવરાજ નામના પાપી,જેણે ધનના લોભથી અનેક લોકોની તથા પોતાના માતા-પિતા અને પત્નીની હત્યા કરી હતી તેમજ તે વેશ્યાગામી અને
શરાબી હતો તેમ છતાં શિવમહાપુરાણની કથાના પ્રભાવથી ભગવાન શિવના પરમધામને પ્રાપ્ત કરી મુક્ત થઈ ગયો હતો તેની કથા પણ વર્ણવવામાં આવી છે.
(૧) વિદ્યેશ્વર સંહિતાઃ આ સંહિતામાં શિવરાત્રિ વ્રત,પંચકૃત્ય,ૐકારનું મહત્વ,પાર્થિવ શિવલિંગની પૂજાનું માહાત્મ્ય અને દાનના મહત્ત્વનું વર્ણન કરવામાં આવ્યું છે.શિવજીના શરીર ઉપરની ભસ્મ અને રૂદ્રાક્ષનું મહત્વ બતાવ્યું છે. રૂદ્રાક્ષ જેટલો નાનો હોય છે તેટલો વધુ ફળદાયી હોય છે.સર્વોત્તમ રૂદ્રાક્ષ એ છે
જેમાં સ્વયં છેદ (કાણું) હોય છે.તમામ વર્ણના મનુષ્યોએ પ્રાતઃકાળે ઊઠીને સૂર્ય તરફ મુખ કરીને ભગવાન શિવનું ધ્યાન કરવું જોઈએ. પ્રત્યેક વ્યક્તિએ કમાયેલા ધનના ત્રણ ભાગ કરીને એક ભાગ ધનની વૃદ્ધિ માટે,એક ભાગ ઉપભોગ માટે અને એક ભાગ ધર્મ-કર્મમાં ખર્ચ કરવો જોઈએ.અંતમાં બંધન અને મોક્ષનું વિવેચન કરવામાં આવ્યું છે.
(૨) રૂદ્ર સંહિતા..આ સંહિતામાં શિવજીનું જીવનચરિત્ર છે,જેના વિવિધ ખંડો વિશે જોઇએ. સૃષ્ટિખંડ: શિવપૂજનની વિધિ અને તેનું ફળ,યજ્ઞદત્તના પુત્ર ગુણનિધિનું ચરિત્ર તથા શિવમંદિરમાં દીપદાનના પ્રભાવથી પાપમુક્ત થઈને બીજા જન્મમાં કલિંગ દેશના રાજા બનવું,કુબેરનું કાશીમાં આવીને તપ કરવું અને તપસ્યાથી પ્રસન્ન થઈ ઉમા-મહેશનું પ્રગટ થઈ દર્શન આપવું વગેરે વાતો દર્શાવાઈ છે.
જગતનું આદિકારણ ભગવાન શિવને માનવામાં આવ્યા છે.શિવમાંથી જ આદ્યશક્તિ માયાનો આવિર્ભાવ થયો છે,ત્યારબાદ શિવજીથી જ બ્રહ્મા અને વિષ્ણુની ઉત્પત્તિ બતાવી છે.અંતમાં ભગવાન શિવનું કૈલાશ પર્વત તરફ ગમન કરવાની કથા આવે છે.
સતીખંડ: સતીના ચરિત્રનું વર્ણન,સતી અને શિવના વિવાહ તથા મધુર લીલાઓની કથા. દંડકારણ્યમાં શિવને ભગવાન રામ સમક્ષ મસ્તક નમાવતા જોઈને સતીને થયેલો મોહ અને શિવજીની આજ્ઞાથી રામની પરીક્ષા,શિવજી સાથે દક્ષનો વિરોધ,દક્ષયજ્ઞ વિધ્વંસ અને સતીનું પાર્વતીના રૂપમાં હિમાલયને ત્યાં જન્મ લેવો,સદાશિવથી ત્રિદેવોની ઉત્પત્તિ,બ્રહ્માજી દ્વારા દેવતાઓ વગેરેની સૃષ્ટિ તથા દેવી
સંધ્યા અને કામદેવનું પ્રાગટ્ય તથા વિવાહનું વર્ણન,બ્રહ્માની માનસપુત્રી સંધ્યાનું આખ્યાન,મહર્ષિ મેઘાતિથિના યજ્ઞની અગ્નિમાં સંધ્યા દ્વારા શરીર ત્યાગ,ફરીથી અરૂંધતીના રૂપમાં યજ્ઞાગ્નિમાંથી ઉત્પત્તિ તથા મહર્ષિ વશિષ્ઠ સાથેના લગ્નની કથા આવે છે.
પાર્વતીખંડ: હિમાલયના મેના સાથે વિવાહ,દેવી ઉમાનું મેનાના ગર્ભમાં આવવું,પાર્વતી નામકરણ અને બાળલીલા,નારદમોહની કથા,ભગવાન વિષ્ણુ પાસે તેમનું રૂપ માંગવું અને વિષ્ણુને શાપ આપવો. સતીનો દક્ષ-યજ્ઞમાં દેહત્યાગ અને માતા પાર્વતી સાથેના વિવાહનું વિસ્તારથી વર્ણન છે.કામદહન,શંખચૂડ સાથે યુદ્ધ અને તેના સંહારની કથાનું વિસ્તારથી વર્ણન છે.
કુમારખંડ: શિવ-પાર્વતીનો કૈલાશ ઉપર વિહાર,ભગવાન શિવના તેજથી કાર્તિકેયનો જન્મ,છ કૃતિકાઓ દ્વારા સ્તનપાન કરાવવું,કાર્તિકેયની બાળલીલાઓ,તારકાસુર સાથે ભીષણ સંગ્રામ અને તારકાસુર વધ.ગણેશજીની ઉત્પત્તિનું આખ્યાન,વિશ્વરૂપની બે કન્યાઓ સિદ્ધિ અને બુદ્ધિ સાથે ગણેશજીના લગ્ન અને તેમનાથી શુભ અને લાભ નામના બે પુત્રોની ઉત્પત્તિ,કાર્તિકેયનું પૃથ્વી પ્રદક્ષિણા કરી પરત આવવું તથા નારાજ થઈને ક્રૌંચ પર્વત ઉપર ચાલ્યા જવું.
યુદ્ધખંડ (અન્ય ચરિત્રો): ક્ષારસમુદ્રમાં ભગવાન શંકરની નેત્રાગ્નિથી સમુદ્રના પુત્રના રૂપમાં જાલંધર નું પ્રાગટ્ય,કાલનેમિની પુત્રી વૃંદા સાથે તેનાં લગ્ન અને તેમનું જીવનચરિત્ર. શંખચૂડ તથા અંધકાસુરની ઉત્પત્તિ તથા તેના જીવનચરિત્રની કથા.
(૩) શતરૂદ્ર સંહિતા..આ સંહિતામાં શિવજીના અન્ય ચરિત્રોમાં હનુમાનજી,શ્વેતમુખ અને ઋષભદેવનું વર્ણન છે અને તેમને શિવના અવતાર કહ્યા છે તેમજ શિવજીના સુરમ્ય મનમોહક અર્ધનારીશ્વર રૂપ ધારણ કરવાની કથા કહી છે.આ સ્વરૂપ સૃષ્ટિ-વિકાસમાં મૈથુની ક્રિયાના યોગદાન માટે ધારણ કરવામાં આવ્યું હતું. શિવરાત્રિ વ્રત માહાત્મ્યમાં શિકારી અને સત્યવાદી મૃગ પરિવારની કથા આવે છે. ભગવાન કેદારેશ્વર જ્યોતિર્લિંગના દર્શન પછી બદ્રીનાથમાં ભગવાન નર-નારાયણનાં દર્શન કરવાથી મનુષ્યના તમામ પાપ
નષ્ટ થાય છે અને તેને જીવનમુક્તિ પ્રાપ્ત થાય છે.ભગવાન શિવના પિપ્પલાદ,વૈજનાથ અને દ્વિજેશ્વર વગેરે અવતારોનું વર્ણન છે. શિવપુરાણનું અધ્યયન કરવાથી અજ્ઞાન નષ્ટ થાય છે.આ સંહિતામાં વિવિધ પ્રકારના પાપો અને કયા પાપ કરવાથી કયા નરકની પ્રાપ્તિ થાય છે તેનું વર્ણન છે તથા પાપ થયા પછી પ્રાયશ્ચિત્તનો ઉપાય પણ બતાવ્યો છે.
(૪) કોટિરૂદ્ર સંહિતા..આ સંહિતામાં બાર જ્યોતિર્લિંગ અને ઉપલિંગોના માહાત્મ્યનું વર્ણન તથા મહર્ષિ અત્રિ-અનસૂયાના જીવનચરિત્રનું વર્ણન આવે છે. (૫) ઉમા સંહિતા..આ સંહિતામાં માતા પાર્વતીજીના અદભૂત ચરિત્ર તથા તેમના સંબંધિત
લીલાઓનો ઉલ્લેખ છે.જો કે પાર્વતીજી ભગવાન શિવજીના અડધા ભાગમાંથી પ્રગટ થયેલાં છે અને ભગવાન શિવનું જ આંશિક સ્વરૂપ છે એટલે આ સંહિતામાં ઉમા-મહિમાનું વર્ણન કરીને અપ્રત્યક્ષ રૂપે ભગવાન શિવજીના અર્ધનારીશ્વર સ્વરૂપનું માહાત્મ્ય પ્રસ્તુત કરેલું છે.
(૬) કૈલાશ સંહિતા..આ સંહિતામાં ૐકારના મહત્ત્વનું વર્ણન છે.આ સિવાય યોગનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે, જેમાં વિધિપૂર્વક શિવોપાસના અને બ્રહ્મજ્ઞાનીની વિવેચના છે.ગાયત્રી જપનું મહત્વ તથા વેદોના બાવીસ મહાવાક્યોના અર્થ સમજાવ્યા છે. ભગવાન શિવ ચરાચર જગતના એકમાત્ર દેવતા છે. શિવના નિર્ગુણ અને સગુણ રૂપનું વિવેચન છે.સમય કાઢીને શિવપુરાણનો પાઠ કરવો જોઈએ કારણ કે સંસારની તમામ વાસના-તૃષ્ણાઓ તેના સ્વાધ્યાયથી દૂર થાય છે તથા તમામ મનોકામનાઓ પૂર્ણ થઈને શિવલોકની પ્રાપ્તિ થાય છે.
(૭) વાયવીય સંહિતા..આ સંહિતામાં કાળની મહિમાનું વર્ણન,ઉપમન્યુ આખ્યાન,ભગવાન શિવના અવતાર યોગાચાર્યો અને તેમના શિષ્યોની નામાવલી,વર્ણાશ્રમ અને નારીધર્મનું વર્ણન,પંચાક્ષર-મંત્રની મહિમા અને માહાત્મ્ય, ગુરૂ પાસેથી મંત્ર લેવાની અને જપ કરવાની વિધિ,શિવલિંગ અને શિવમૂર્તિની પ્રતિષ્ઠાવિધિ,યોગના અનેક ભેદ તથા તેના આઠ અંગોનું વિવેચન અને ધ્યાન તથા તેની મહિમાનું વર્ણન કરવામાં આવ્યું છે.
આલેખન:
વિનોદભાઈ માછી ‘નિરંકારી’
નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ
૯૭૨૬૧૬૬૦૭૫(મો)




