
નેપાળ પૂરના હીરો પ્રિન્સિપાલ રાજેન્દ્ર દવાડીની કહાણી આંખો સામે સ્કૂલ તણાઈ ગઈ પણ ૧૬૪૩ બાળકો બચી ગયા સવારે ૯:૨૦ વાગ્યે ચેતવણી મળતા જ તેમણે સ્કૂલ ખાલી કરાવી બાળકોને પહાડી પર બોધિ વૃક્ષ નીચે સુરક્ષિત મોકલી દીધા
નેપાળની ત્રિશૂલી ઘાટીમાં ગ્લેશિયર તૂટવાથી આવેલી ભીષણ પૂરની હોનારતમાં નેપાળ અને તિબ્બત મળીને અત્યાર સુધીમાં ૭૫૦ થી વધુ લોકોના મોત થયા છે અને ૩૦૦૦ થી વધુ લોકો ગુમ છે.
આ ભીષણ તારાજી વચ્ચે નુવાકોટ સ્થિત ત્રિભુવન ત્રિશૂલી સેકન્ડરી સ્કૂલના પ્રિન્સિપાલ રાજેન્દ્ર દવાડીએ સાહસિક ર્નિણય લઈને ૧૬૪૩ બાળકોનો જીવ બચાવી લીધો છે. સવારે ૯:૨૦ વાગ્યે એક મિત્રના ચેતવણી આપતા ફોન કોલ બાદ પ્રિન્સિપાલ દવાડીએ એક પણ પળ ગુમાવ્યા વગર ઇમરજન્સી બેલ વગાડી આખી સ્કૂલ ખાલી કરાવી દીધી હતી.
સ્કૂલ નદીથી ૬૦ મીટરની ઊંચાઈ પર હોવા છતાં, પાણીનું સ્તર ઝડપથી વધી રહ્યું હોવાના સમાચાર મળતાં જ પ્રિન્સિપાલ અને શિક્ષકોએ તમામ બાળકોને સુરક્ષિત રીતે પહાડી તરફ મોકલી દીધા હતા. પૅનિક એટેકનો ભોગ બનેલી એક વિદ્યાર્થિનીને બાઇક દ્વારા સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવી હતી. બાળકોએ પહાડી પર બોધિ વૃક્ષ નીચે આશ્રય લીધો હતો અને જાેતજાેતામાં પૂરના ભયાનક વહેણે કંક્રીટની ત્રણ માળની સ્કૂલ ઈમારતને જમીનદોસ્ત કરી દીધી હતી.
પ્રિન્સિપાલ રાજેન્દ્ર દવાડીના આ ત્વરિત અને સાહસિક ર્નિણયથી ૧૬૪૩ નિર્દોષ બાળકો સુરક્ષિત બચી ગયા, પરંતુ તેઓ પોતાના ૨ સાથીઓને બચાવી શક્યા નહીં. ઇતિહાસના શિક્ષક સંતોષ પરિયાર સવારનો નાસ્તો બનાવવા ગયા હતા ત્યારે પૂરના પાણીમાં તણાઈ ગયા હતા. આ ઉપરાંત જનરેટર રૂમ બંધ કરવા ગયેલા ઓપરેટર સુલ્તાન લામાનું પણ આ હોનારતમાં અવસાન થયું હતું. સ્થાનિક લોકો રાજેન્દ્ર દવાડીની આ કામગીરીને બિરદાવી રહ્યા છે.
વિજ્ઞાનીઓ ના જણાવ્યા અનુસાર, આ વિનાશ લાંગટાંગ લિરુંગ ચોટી પરથી બરફ અને ખડકનો વિશાળ ટુકડો તૂટવાના કારણે સર્જાયો હતો. આ ટુકડો આશરે ૧૨૦૦ મીટર નીચે નદીમાં ખાબક્યો હતો અને તેનો કાટમાળ ૫૦ એકર વિસ્તારમાં ફેલાઈ ગયો હતો. બરફ, માટી અને ખડકોના ભયાનક તોફાને રસ્તામાં આવતા મકાનો, પુલો અને વીજળીઘરોને તબાહ કરી દીધા હતા. આ પૂરમાં નેપાળમાં જ ૭૩૪ લોકોના મોત થયા છે અને ૨૪૯૮ લોકો હજુ પણ ગુમ છે.




