
મોટી સંખ્યામાં યુવાનો જાેડાઈ રહ્યા છે : વડાપ્રધાન ‘નશા મુક્ત યુવા ફોર વિકસિત ભારત’ અભિયાન ઝડપથી આગળ વધી રહ્યું છે મોદીએ ‘મન કી બાત’ના ૧૩૭મા એપિસોડમાં દેશવાસીઓને નશા સામેના અભિયાનને મજબૂત કરવાની અપીલ કરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે (૩૦ ઓગસ્ટ ૨૦૨૬) ‘મન કી બાત’ના ૧૩૭મા એપિસોડમાં દેશવાસીઓને નશા સામેના અભિયાનને મજબૂત કરવાની અપીલ કરી. તેમણે કહ્યું કે ‘નશા મુક્ત યુવા ફોર વિકસિત ભારત’ અભિયાન ઝડપથી આગળ વધી રહ્યું છે અને મોટી સંખ્યામાં યુવાનો આની સાથે જાેડાઈ રહ્યા છે.
પીએમ મોદીએ કહ્યું કે આ અભિયાનનો લક્ષ્ય સ્પષ્ટ છે. આપણે દેશના યુવાનોને નશાથી દૂર રાખવા અને ભારતને ડ્રગ્સથી મુક્ત બનાવવું છે. તેમણે કહ્યું કે નશાની લત માત્ર એક વ્યક્તિને પ્રભાવિત કરતી નથી, પરંતુ તેની અસર સમગ્ર પરિવાર અને સમાજ પર પડે છે. પ્રધાનમંત્રીએ એ લોકોની પ્રશંસા કરી જેઓ નશા સામે જાગૃતિ ફેલાવવા અને નશાની સમસ્યાથી ઝઝૂમી રહેલા લોકોની મદદ કરવા માટે આગળ આવી રહ્યા છે. તેમણે યુવાનોને અપીલ કરી કે તેઓ નશા મુક્ત ભારત માટે નવા અને સર્જનાત્મક રસ્તા અપનાવે. પીએમ મોદીએ યુવાનોને મજબૂત નારા બનાવવા, ડ્રગ્સથી દૂર રહેવાનો સંદેશ આપતા ગીતો તૈયાર કરવા અને વિદ્યાર્થીઓ તથા થિયેટર ગ્રુપોને એવા નાટકો તૈયાર કરવા કહ્યું, જેમાં નશાના નુકસાનની સાથે આનાથી બહાર નીકળવાનો રસ્તો પણ બતાવવામાં આવ્યો હોય. પીએમ મોદીએ કહ્યું કે આવા પ્રયાસો યુવાનો સુધી નશા સામેનો સંદેશ પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.
‘મન કી બાત’માં પ્રધાનમંત્રીએ ભારતના ઇતિહાસને સરળ રીતે સમજાવતી એક વેબસાઇટનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે જણાવ્યું કે સોશિયલ મીડિયા પર તેમને આ વેબસાઇટ વિશે માહિતી મળી હતી. પીએમ મોદીના જણાવ્યા અનુસાર, મુંબઈમાં રહેતા કૃષ્ણા શેષાદ્રીએ ભારત રાજ્ય નામથી આ વેબસાઇટ તૈયાર કરી છે. વેબસાઇટ પર કોઈ પણ વ્યક્તિ કોઈ ખાસ વર્ષને પસંદ કરીને એ જાેઈ શકે છે કે તે સમયે ભારતના અલગ-અલગ ભાગોમાં કોનું શાસન હતું. પ્રધાનમંત્રીએ આ પ્રયાસને રસપ્રદ ગણાવતા કહ્યું કે ઇતિહાસને આ રીતે સરળ અને રોચક રીતે લોકો સુધી પહોંચાડવાના પ્રયાસની માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચવી જાેઈએ.




