
(છગનલાલ મેવાડા દ્વારા) સુરત.
ભારતના છત્તીસગઢના દુર્ગ જિલ્લાની ભારતી એગ્રીકલ્ચર કોલેજના એક આસિસ્ટન્ટ પ્રોફેસર યોગેશ સોન કેસરિયાએ કોઈપણ કવર કે પેકેટનું સીલ તોડ્યા વગર એક્ઝામ પેપર રેકોર્ડ કરીને લીક કરી દીધું હતું. આ હાઇટેક લીક માટે આરોપીએ મેડિકલ ક્ષેત્રમાં વપરાતા એન્ડોસ્કોપિક કેમેરા અને એક સોયનો સહારો લીધો હતો. એન્ડોસ્કોપિક કેમેરો એક ખૂબ જ બારીક, પાતળી અને લવચીક ટ્યુબ એટલે કે કેબલ જેવું ડિવાઇસ હોય છે. તેનો એકદમ આગળના ભાગે એટલે કે ટીપ પર એક ખૂબ જ નાનો HD કેમેરો અને LED લાઈટ લાગેલી હોય છે. આનો ઉપયોગ ડોક્ટરો શરીરના અંદરના ભાગો જેમ કે પેટ કે ગળાની તપાસ માટે કરે છે. આ કેમેરાનો વાયર એટલો
પાતળો હોય છે કે તેને કોઈ પણ ખૂબ નાના છિદ્ર કે પાતળા પાઇપમાં સરળતાથી ફિટ કરી શકાય છે. કેમેરા સાથે લાગેલી લાઈટ અંદરના અંધારાને દૂર કરે છે અને લાઈવ વીડિયો સ્ક્રીન પર દેખાવા લાગે છે. B.Sc. એગ્રીકલ્ચર સેકન્ડ યરના એન્ટોમોલોજી વિષયના સીલબંધ પેપરને ઘરે લઈ જઈને આરોપી પ્રોફેસરે ખૂબ જ શાતિર જુગાડ લગાવ્યો. પ્રોફેસરે સૌથી પહેલા સીલબંધ કવરને નુકશાન પહોંચાડ્યા વગર તેના નીચેના ભાગમાં એક બારીક સોય કે અણીદાર વસ્તુથી ખૂબ નાનું છિદ્ર કર્યું. તે નાના છિદ્રના રસ્તે એન્ડોસ્કોપિક કેમેરાની પાતળી કેબલને કવરની અંદર નાખી દીધી. કેમેરાની આગળ લાગેલી લાઈટે કવરની અંદરનું અંધારું દૂર કર્યું અને અંદર રાખેલા પેપરના પાના સાફ દેખાવા લાગ્યા.
આમ કેમેરામાંથી આવી રહેલા લાઈવ ફુટેજ જોઈને પ્રોફેસરે લગભગ ૧૫ પ્રશ્નો એક કાગળ પર હાથેથી લખી લીધા. આ પછી તેણે આ પેપર એક વિદ્યાર્થીને રૂ. ૧૧,૦૦૦ માં વેચી દીધું. જ્યાંથી તે વોટ્સએપ પર વાયરલ થઈ ગયું. ૨૦ ઓગસ્ટે સવારે AGCH -૨૨૧ ની પરીક્ષા યોજાવાની નક્કી હતી, પરંતુ પેપર શરૂ થવાના લગભગ બે કલાક પહેલાં કવર્ધા કૃષિ મહાવિદ્યાલયના ઈ-મેઈલ પર પ્રશ્ન પત્ર લીક થવાની માહિતી મળી.
અને મામલો સામે આવતા જ યુનિવર્સિટીએ ૨૮ કોલેજો ની એક્ઝામ કેન્સલ કરી દીધી. પોલીસ અને સાયબર ટીમે આરોપી પ્રોફેસર સહિત ૬ લોકોની ધરપકડ કરીને તેમની પાસેથી તમામ સાધનો કબજે કરી લઈને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.




