
(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
સુરત જેવા શહેર ને સ્વચ્છ ભારત માં નંબર-૧ (વન) બનાવવાની જ્યારે શાસકો દ્વારા ગાઈ વગાડી ને જાહેરાતો કરવામાં આવે છે. એ સ્વચ્છ સુરત, સુંદર સુરત ને બનાવવામાં જેમનો સિંહ ફાળો છે એ છે સફાઈ કામદારો જે વહેલી સવારે ૬ થી ૭ વચ્ચે રસ્તા પર ઉતરી ને શહેર ને સાફ રાખવા પરસેવો પાડે છે. ત્યારે કોઈએ ક્યારેય વિચાર્યું છે કે જેના કારણે શહેર સાફ છે એનું જીવન કેટલું મુશ્કેલીભર્યું છે? એ કેવા કેવા શોષણ નો ભોગ બની નોકરી કરી રહ્યા છે?
હવે આજ સફાઈ કામદારોની વાત કરીએ શોષણખોરીની આજે SMC (સુરત મહાનગર પાલિકા) માં ૮૦% સફાઈ કામદારો કાયમી નથી. તેઓ તમામ કોન્ટ્રાક્ટ પર કામ કરે છે. અને આ તમામ સફાઈ કામદારોનું સફાઈનો કોન્ટ્રાક્ટ લેનાર કોન્ટ્રાક્ટર દ્વારા ભરપૂર શોષણ કરાય છે. હાલમાં જ સફાઈ કામદારોના યુનિયન દ્વારા પુરાવા સાથે જણાવવામાં આવ્યું હતું કે સુરત મનપાના સફાઈ કોન્ટ્રાક્ટરોને SMC દર માસે એક કામદાર દીઠ રૂા. ૧૯,૫૦૦ ચૂકવે છે. પરંતુ આ કોન્ટ્રાક્ટરો કામદારને માત્ર ને માત્ર રૂા. ૯,૫૦૦ ની રકમ આપીને ખુલ્લેઆમ શોષણખોરી કરે છે.
આ શોષણખોરી સામે જો કોઈ કામદાર અવાજ ઉઠાવે છે તો બીજા દિવસે એને નોકરી માંથી કાઢી મુકવામાં આવે છે. એ ઉપરાંત કામદારોના કપાતા P.F. અને ESI ની પણ ગંભીરતાપૂર્વક તપાસ કરવી જરૂરી છે. સફાઈ કામદારને સુરક્ષા વગર મોતના મોંમાં ધકેલવામાં આવે છે. ગટર મશીનથી સાફ થવી જોઈએ એને બદલે સફાઈ કામદારોને ગટરમાં ઉતારી સાફ કરાવવી ઉપરાંત કચરો ઉપાડવા માટે હાથના મોજા, પગમાં ગમબૂટ, ને મોં પર માસ્ક બાંધીને કામદારો પાસે કામ લેવાવું જોઈએ એવું ખુદ સુપ્રીમ કોર્ટે કહ્યું છે. ઉપરાંત મશીન વગર કોઈને ગટર માં ઉતારવા નહિ છતાં સુરતના પાંડેસરા, ઉધના જેવા વિસ્તારોમાં આજે પણ સફાઈ કર્મચારીઓને ગટરમાં ઉતારવામાં આવતા હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળેલ છે. અને આમ દર વર્ષે દેશના કેટલાય સફાઈ કામદારો ગટરના ઝેરીલી ગેસ નો ભોગ બની જીવ ગુમાવે છે.
અહીં દુઃખની વાત એ છે કે આજે પણ સફાઈ કર્મચારી જે શહેરને સ્વચ્છ રાખે છે એમને સરકારી ઓફિસોમાં તિરસ્કાર અને તુચ્છ નજર થી જોવામાં આવે છે. એમના બાળકો માટે શિક્ષણ, ઉપરાંત રહેઠાણના આવાસો જેવી યોજનાઓ અંગે સરકારે કંઈ વિચાર્યું જ નથી. અને વિચારે પણ શું કામ કારણ કે કામદાર તો રોજિંદો છે? એટલે સરકાર ને શું?
આટલી મોંઘવારીમાં જે પગાર કહેવાય એ પણ પગાર નથી. કારણ કે કોન્ટ્રાક્ટ ઉપર કામ કરનાર સફાઈ કામદારને મહિને માત્ર ને માત્ર ૧૦ થી ૧૨ હજાર રૂપિયા જ હાથમાં આવે છે. જે મોંઘવારી ના જમાના માં ઘર ચલાવવું કે બાળકોના શિક્ષણ માં ખર્ચ કરવો એ શક્ય જ નથી. ઉપરાંત વાર તહેવારે વધારાની ડયુટી કરતા હોવાથી રજા પણ નથી મળતી.
અને એટલા માટે જ શહેરના તમામ સફાઈ કામદારોના યુનિયને એકી અવાજે અવાજ ઉઠાવી કોન્ટ્રાક્ટ પધ્ધતિ બંધ કરી કામદારોની કાયમી ભરતી કરવા માટે જંગ-એ-મેદાન માં ઉતરવાનું જે એલાન કર્યું છે એ આવકાર્ય છે. જેમાં ઓછા માં ઓછો એક કામદારને મહિને રૂપિયા ૨૦,૦૦૦/- થી રૂપિયા ૨૫,૦૦૦/- પગાર મળવો જ જોઈએ. તો જ કામદારોના આ મોંઘવારી માં ઘર ચાલશે.એટલું જ નહીં જ્યાં સુધી સફાઈ કામદાર ના જીવન માં ઇજ્જત, સુરક્ષા નહીં આપે ત્યાં સુધી બધું જ બેકાર છે.




