
https://www.facebook.com/share/v/1DLFbdAqLo/
આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, આવતીકાલે ૧ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ હું ખંભાળિયા ખાતે ઈસુદાનભાઈ ગઢવીના નેતૃત્વમાં ચાલતા ‘દુષ્કાળ જાહેર કરો’ સત્યાગ્રહમાં હાજરી આપવાનો છું. વિસાવદરના ખેડૂતો અને આગેવાનો સાથે મળીને અમે સૌ આ સત્યાગ્રહને પૂર્ણ સમર્થન આપવા અને ખેડૂતોની લડાઈમાં આપણું યોગદાન આપવા માટે સવારે ૧૧ વાગ્યા આસપાસ ત્યાં પહોંચીશું. ઈસુદાન ગઢવીએ વર્ષોથી ખેડૂતો માટે અવાજ ઉઠાવ્યો છે. તેઓ જ્યારે મીડિયામાં હતા ત્યારે પણ પત્રકારત્વના માધ્યમથી લડતા હતા અને રાજનીતિમાં આવ્યા બાદ પણ સતત ખેડૂતો માટે લડી રહ્યા છે.
’આપ’ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, આ વખતે સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વરસાદ નહિવત થયો હોવાથી આવનારા દિવસોમાં ખેડૂતો, પશુપાલકો અને ખેતમજૂરોને ભારે તકલીફનો સામનો કરવો પડશે. ખેડૂતોએ બિયારણ, ખાતર, પાણી અને મજૂરી પાછળ કરેલો મૂળ ખર્ચ પણ નીકળે તેમ નથી, જ્યારે બીજી તરફ વરસાદના અભાવે ખેતમજૂરોની રોજગારી છીનવાઈ છે અને પશુઓ માટે ઘાસચારાની ગંભીર સમસ્યા ઊભી થઈ છે. ખેતી સાથે સંકળાયેલા આ ત્રણેય વર્ગોની તકલીફનું એક જ નિવારણ છે કે સરકાર ત્વરિત દુષ્કાળ જાહેર કરે અને તેના આધારે રાહત સહાય પૂરી પાડે. આ ન્યાયિક માંગણી સાથે બેઠેલા ઈસુદાન ગઢવીને સમર્થન આપવા વિસાવદર, ભેસાણ અને જૂનાગઢની ટીમ સાથે અમે ખંભાળિયા પહોંચી રહ્યા છીએ અને સમગ્ર ગુજરાત પણ તેમની સાથે જોડાય તેવી લાગણી વ્યક્ત કરીએ છીએ.




