
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને ખેડૂત નેતા ઈસુદાન ગઢવીના અચોક્કસ મુદતના ધરણાનો દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા ખાતે આજે ત્રીજો દિવસ છે, જેમાં વિશાળ સંખ્યામાં ખેડૂતો સત્યાગ્રહ છાવણી ખાતે પહોંચ્યા છે. દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદર જિલ્લાઓ ઉપરાંત મહિસાગર, નર્મદા, પંચમહાલ, ભરૂચ, અમરેલી અને રાજકોટ તરફથી પણ મોટી સંખ્યામાં ખેડૂતો સમર્થન આપવા છાવણી સ્થળે પહોંચ્યા છે. તમામ ખેડૂતોની એક જ માગ છે કે સરકાર ત્વરિત દુષ્કાળની જાહેરાત કરે. આ અંગે ઈસુદાન ગઢવીએ સરકારને અપીલ કરતા જણાવ્યું હતું કે, બુધવારે યોજાનારી કેબિનેટ મીટિંગમાં સરકાર સારો નિર્ણય કરી તુરંત સમગ્ર વિસ્તારને દુષ્કાળગ્રસ્ત જાહેર કરે અને ખેડૂતોના ખાતામાં સહાયની રકમ જમા કરે.
અત્યાર સુધી જો યોગ્ય વરસાદ થયો હોત તો ખેડૂતો શિયાળુ અને ઉનાળુ પાક પણ લઈ શકતા, પરંતુ આ વખતે ચોમાસું પાક પણ નિષ્ફળ ગયો છે. પાણી ન હોવાને કારણે શિયાળુ કે ઉનાળુ પાક લેવાની તો વાત જ નથી, જેના કારણે આવનારા દિવસોમાં ખેડૂતોની હાલત ખૂબ દયનીય બની જશે. સરકારે જ્યાં પણ પાણી છોડવાની જાહેરાત કરી છે, ત્યાં હજુ સુધી પાણી નથી છોડાયું, માટે તુરંત પાણી છોડવામાં આવે અને દુષ્કાળની ઘોષણા કરવામાં આવે તેવી માગ છે. સૌરાષ્ટ્રમાં વરસાદની તંગીથી પરેશાન ખેડૂતો માટે ખંભાળિયા તાલુકાના જુવાનગઢ ગામે વરુણદેવને રીઝવવા હવનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આપ નેતા ઈસુદાન ગઢવી અને પ્રવીણ રામે હાજરી આપી હતી. વરસાદ માટે ગ્રામજનો દ્વારા કરવામાં આવેલી આ પ્રાર્થના અને હવનમાં ઈસુદાન ગઢવી સહભાગી બન્યા હતા અને ભગવાન ખેડૂતો સામે જુએ તથા સારો વરસાદ આપે તેવી પ્રાર્થના કરી હતી




