
( નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત
આજે સૌથી મોટો પ્રશ્ન એ નથી કે કુદરત આપણને ચેતવે છે કે નહીં? કુદરત તો વારંવાર ચેતવી રહી છે. પ્રશ્ન એ છે કે આપણે એ ચેતવણી સાંભળીએ છીએ કે નહીં? હિમાલય ને બચાવવો એટલે માત્ર પર્વતોને બચાવવાનો પ્રશ્ન નથી. તે નદીઓને, જંગલોને, ખેતીને, શહેરોને અને કરોડો લોકોના ભવિષ્યને બચાવવાનો પ્રશ્ન છે. વિકાસ અને પર્યાવરણ વચ્ચે પસંદગી કરવાની જરૂર નથી, પરંતુ વિકાસની દિશા બદલવાની જરૂર છે. હવે સમય આવી ગયો છે કે સરકારો અને સમાજ હિમાલયને "વિકાસની પ્રયોગશાળા" નહીં પરંતુ જીવન અને અત્યંત સંવેદનશીલ પર્યાવરણીય તંત્ર તરીકે જુએ.એટલે જ નેપાળની હાલની દુર્ઘટના એ જ હકીકત સામે મૂકે છે. નદીના કુદરતી પ્રવાહના વિસ્તારોમાં બાંધકામ, પહાડોની કાપણી, જંગલોનો નાશ અને પર્યાવરણની ક્ષમતા કરતાં વધારે માળખાકીય વિકાસ જોખમ વધારી રહ્યા છે કે જંગલોની કાપણી, પહાડોમાં અતિક્રમણ આ સમગ્ર કથામાં સૌથી ગંભીર મુદ્દો છે આબોહવા પરિવર્તન. હિમાલયનું તાપમાન વધી રહ્યું છે. હિમનદીઓ ઝડપથી પાછળ ખસી રહી છે, અને કેટલાક વિસ્તારોમાં અસ્થિર ગ્લેશિયરના સરોવરો (પહાડો પર જામેલો બરફ) તથા બરફ પથ્થરના ઢોળાવો નું જોખમ વધી રહ્યું છે.
વૈજ્ઞાનિકો લાંબા સમયથી ચેતવણી આપી રહ્યા છે કે હિમાલયી વિસ્તારમાં હિમનદીઓના ઓગળવાથી અચાનક પૂર, ભૂસ્ખલન અને અન્ય આપત્તિઓનું જોખમ વધશે. તાજેતરની ઘટનાએ આ ચેતવણીને જીવંત હકીકતમાં ફેરવી દીધી છે જેને સ્વીકારવી પડે નહીં તો આજે નેપાળમાં જે બન્યું છે તે આવતીકાલે હિમાલયના બીજા કોઈ ખૂણે ફરી બની શકે છે.




