
અઠવાડિયું થયું છતાં તંત્રએ કોઈ કાર્યવાહી ન કરી અમદાવાદ સિવિલમાં સર્જિકલ ગ્લોવ્ઝ ખૂટી પડતાં દર્દીઓ ભગવાન ભરોસે સ્ટોક ન હોવાને કારણે ડૉક્ટરો અને મેડિકલ સ્ટાફ એકવાર વપરાઈ ગયેલા ગ્લોવ્ઝને ધોઈને ફરીથી ઉપયોગ કરવા માટે મજબૂર બન્યા
અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં દરરોજ સરેરાશ ૩૫૦ દર્દીઓ ઝડપથી સ્વસ્થ થઈને ઘરે પરત ફરવાની આશા સાથે દાખલ થતા હોય છે. પરંતુ હાલમાં સિવિલ હોસ્પિટલની સ્થિતિ અત્યંત ચિંતાજનક બની છે. છેલ્લા એક સપ્તાહથી હોસ્પિટલમાં સર્જિકલ ગ્લોવ્ઝનો સ્ટોક સંપૂર્ણપણે ખાલી થઈ ગયો છે. પાયાની તબીબી સામગ્રીની અછતના કારણે ઓપરેશન કરાવનારા દર્દીઓને સેપ્સિસ જેવો ગંભીર ચેપ લાગવાનું જાેખમ ઊભું થયું છે. સ્ટોક ન હોવાને કારણે ડૉક્ટરો અને મેડિકલ સ્ટાફ એકવાર વપરાઈ ગયેલા ગ્લોવ્ઝને ધોઈને ફરીથી ઉપયોગ કરવા માટે મજબૂર બન્યા છે.મેડિકલ સાયન્સના પાયાના નિયમ મુજબ ઓપરેશન થિયેટર અને પ્રસૂતિ ગૃહમાં દર વખતે તદ્દન નવા અને સંપૂર્ણ સ્ટિરાઈલ (જીવાણુ રહિત) ગ્લોવ્ઝનો જ ઉપયોગ કરવો ફરજિયાત છે. આમ છતાં, છેલ્લા એક સપ્તાહથી હોસ્પિટલ તંત્ર દર્દીઓના જીવ સાથે ખુલ્લેઆમ રમત રમી રહ્યું હોય તેવી સ્થિતિ સજાર્ી છે. કરોડો રૂપિયાનું વિશાળ બજેટ ધરાવતી સિવિલ હોસ્પિટલમાં ઈમરજન્સી સ્ટોકની કોઈ વ્યવસ્થા કેમ રાખવામાં ન આવી?ગાંધીનગરથી મેડિકલ સપ્લાય આવવામાં વિલંબ થયો છે કે પછી સ્ટોર વિભાગે સમયસર ઓર્ડર આપ્યો નહોતો? તે અંગે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લા બે દિવસમાં ગ્લોવ્ઝનો થોડો ક્વોટા મળ્યો છે, પરંતુ વિશાળ વપરાશ સામે તે ‘ઊંટના મોંમાં જીરું’ સમાન છે, જેનાથી તબીબો અને નર્સિંગ સ્ટાફમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે.અમદાવાદ સિવિલ હોસ્પિટલ માત્ર ગુજરાતના ખૂણે-ખૂણેથી જ નહીં, પરંતુ પડોશી રાજ્યોમાંથી આવતા ગરીબ અને સામાન્ય દર્દીઓ માટે આશાનું કેન્દ્ર છે. પરંતુ જ્યારે રાજ્યના સૌથી મોટા શહેરની મુખ્ય હોસ્પિટલમાં જ આરોગ્ય સુવિધાઓ ‘વેન્ટિલેટર’ પર હોય, ત્યારે છેવાડાના વિસ્તારો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની સ્થિતિ કેટલી કથળેલી હશે તેની કલ્પના જ કરવી રહી. આટલી ગંભીર બેદરકારી બાદ પણ જવાબદારો સામે કડક પગલાં લેવાશે કે પછી દર વખતની જેમ તપાસ સમિતિનું નાટક રચીને મામલો ભૂલાવી દેવાશે, તે પણ એક મોટો પ્રશ્ન છે.




