
આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ વિડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે, ભાજપના શાસકોની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે અથવા તેઓ સત્તાના નશામાં અંધ બની ગયા છે. સુરતની અંદર હોટફિક્સના કચરાની સફાઈ કરવામાં તદ્દન નિષ્ફળ ગયેલા ભાજપ શાસકો હવે સુરતની અસંખ્ય મહિલાઓ કે જેઓ હોટફિક્સના નાના-નાના યુનિટો ચલાવે છે અને તેમાં કામ કરે છે, તેમની રોજગારી છીનવી લેવાનું કામ કરવા જઈ રહ્યા છે. સુરતમાં જ્યારે મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટી મુખ્ય વિપક્ષ તરીકે હતી, ત્યારે મનપામાં રજૂઆતો કરીને કચરાનો રોજેરોજ નિકાલ કરાવતી હતી. પરંતુ આજે ભાજપ તંત્ર કચરો સાફ કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ નીવડ્યું છે અને હવે હોટફિક્સના નાના યુનિટો તથા સામાન સપ્લાય કરતા વેપારીઓના ગોડાઉનો અને કારખાનાઓમાંથી સામાન જપ્ત અને સીઝ કરવાનું કામ કરી રહ્યું છે.
’આપ’ નેતા મનોજ સોરઠીયાએ વધુમાં જણાવ્યુ હતુ કે સુરતની અંદર સફાઈ કરવાની પ્રાથમિક જવાબદારી મહાનગરપાલિકાની છે. અહીં ચાલતા ગૃહ ઉદ્યોગો મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનું કામ કરે છે, ત્યારે ભાજપ સરકાર લોકોની રોજીરોટી છીનવી રહી છે. સરકારની મંજૂરી આપ્યા પછી જ જો આ હોટફિક્સનો સામાન બહારથી ઇમ્પોર્ટ થઈને ભારતમાં આવે છે, તો તંત્ર તેને રોકી શકતું નથી અને અહીં નાના વેપારીઓ પર અત્યાચાર કરે છે. સુરતના લોકોની તમામ પીડાઓ અને સમસ્યાઓનું મૂળ કારણ માત્રને માત્ર ભારતીય જનતા પાર્ટી જ છે. ભાજપ શાસકો આ તમામ નાટકો બંધ કરે અને સુરત શહેરમાં કચરો ઉપાડવાની તાત્કાલિક શરૂઆત કરે. જો આ રીતે સામાન્ય અને ગરીબ લોકોના રોજગાર છીનવવાનું કામ કરવામાં આવશે, તો સુરતની જનતા ભાજપના શાસકોને ક્યારેય માફ નહીં કરે.




