IPL 2024: IPL 2024 22 માર્ચથી શરૂ થઈ રહી છે. IPL 2024માં સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ તેની પ્રથમ મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ સામે રમશે. IPL 2024 ના પ્રથમ તબક્કાનું શેડ્યૂલ પહેલેથી જ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ટીમો 7 એપ્રિલ સુધી રમશે. બાકીનું શેડ્યૂલ સામાન્ય ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ જાહેર કરવામાં આવશે. પરંતુ હવે IPL 2024 પહેલા પણ સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે પોતાનો કેપ્ટન બદલી નાખ્યો છે.
આ ખેલાડીને જવાબદારી મળી
સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે પેટ કમિન્સને નવા કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે. સનરાઇઝર્સ હૈદરાબાદે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર નવા કેપ્ટનની જાહેરાત કરી છે. ગત સિઝનમાં હૈદરાબાદની કેપ્ટનશીપ એઈડન માર્કરામે કરી હતી. તેની કેપ્ટનશીપમાં ટીમ સારૂ પ્રદર્શન કરી શકી ન હતી અને પ્લેઓફ માટે પણ ક્વોલિફાય કરી શકી ન હતી. ટીમ 14માંથી માત્ર ચાર મેચ જીતી શકી હતી અને હૈદરાબાદની ટીમ પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને હતી.
હૈદરાબાદે મોટી રકમ ચૂકવી
સનરાઇઝર્સ હૈદરાબાદે તેને IPL 2024ની હરાજીમાં મોટી રકમ ચૂકવીને ખરીદ્યો હતો. હૈદરાબાદની ટીમે તેને ખરીદવા માટે 20.50 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. પેટ કમિન્સ તેની શાનદાર બોલિંગ માટે જાણીતો છે. આ સિવાય તે નીચલા ક્રમમાં પણ ઝડપી બેટિંગ કરી શકે છે. કમિન્સ આ પહેલા આઈપીએલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને દિલ્હી ડેરડેવિલ્સ તરફથી રમી ચૂક્યો છે.
આઈપીએલમાં આટલી વિકેટ લીધી છે
પેટ કમિન્સ 2014માં પહેલીવાર IPLમાં રમ્યો હતો. આઈપીએલમાં કમિન્સે કુલ 42 મેચમાં 45 વિકેટ લીધી છે અને 379 રન બનાવ્યા છે. તે થોડા જ બોલમાં મેચનો માર્ગ બદલી શકે છે. કમિન્સ ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ અને વનડે ટીમના કેપ્ટન છે. તેની કેપ્ટનશીપ હેઠળ ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અને ODI વર્લ્ડ કપ 2023નું ટાઇટલ જીત્યું હતું. તેની પાસે અનુભવ છે, જે હૈદરાબાદની ટીમ માટે ઉપયોગી થઈ શકે છે. કેપ્ટન બન્યા બાદ પેટ કમિન્સની પ્રતિક્રિયા સામે આવી છે. તેણે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું છે કે તે સીઝન માટે ખૂબ જ ઉત્સાહિત છે.