
આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ વીડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે, ભાજપના એક ધારાસભ્ય અને પૂર્વ મંત્રી બચુભાઈ ખાબડને ત્યાં ફાયર બ્રિગેડની ગાડીએ જઈને તેમના આખા બંગલાની સફાઈ કરી. આપણે આપણા ઘરમાં આગ લાગે અને ફાયર બ્રિગેડને ફોન કરીએ તો સમયે ન પહોંચવાના અનેક દાખલા છે. સરકારી સુવિધાઓ સામાન્ય માણસને મળે એના માટેની કોઈ વ્યવસ્થા કે કોઈ ચિંતા આ ભાજપના નેતાઓને નથી, પણ પોતાના ઘરની સફાઈ ફાયર બ્રિગેડની ગાડીઓથી કરશે. આ વાત ભાજપની માનસિકતાને છતી કરે છે.
’આપ’ નેતા મનોજ સોરઠીયાએ વધુમાં જણાવ્યુ હતુ કે ભાજપે એવું સ્વીકારી લીધું છે કે આ તમામ વ્યવસ્થાઓ, આ તમામ સરકારી તંત્ર અને તમામ સંસાધનો (રિસોર્સિસ) માત્રને માત્ર એમની વ્યક્તિગત મોજમજા અને પર્સનલ ઉપયોગના સાધનો છે. એટલા માટે આજે કહી શકાય કે ભાજપના નેતાઓને આ સત્તાનો નશો હવે માથે ચડ્યો છે. ગુજરાતની જનતા જે સુવિધાઓથી વંચિત છે અને અનેક સમસ્યાઓનો સામનો કરી રહી છે, તે આજે પીસાઈ રહી છે પરંતુ નેતાઓને લીલાલહેર છે. આ વાત આપણા સૌના માટે સમજવા જેવી છે.




