
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ એક ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આજે જે રીતે દિલ્હીમાં જંતર મંતર પર થઈ રહેલા આંદોલનને રોકવાની કોશિશ કરવામાં આવી રહી છે આ રીતે લોકોની વિરુદ્ધમાં જઈને લોકોના અવાજને દબાવવાનું કામ અંગ્રેજોએ પણ કર્યું ન હતું. તમામ યુવાનો, GenZ, આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકોને ડિટેઇન કરવામાં આવી રહ્યા છે, બે દિવસથી ખૂબ જ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે કે આ આંદોલન ન થાય, સુપ્રીમ કોર્ટની ના હોવા છતાં પણ ટ્રેનો બંધ કરવામાં આવી, મેટ્રો સ્ટેશનો બંધ કરી દેવામાં આવ્યા, ઇન્ટરનેટ પણ બંધ કરવાનું કામ સત્તામાં બેસેલા ભાજપના તાનાશાહોએ કર્યું છે. આજની સ્થિતિને જોતા લાગી રહ્યું છે કે આ આંદોલન સફળ થઈ ગયું છે, કારણ કે કોઈપણ આંદોલન થાય તો એનો ઉદ્દેશ એ જ હોય છે કે સત્તામાં બેસેલા લોકોના કાન સુધી અવાજ પહોંચે અને સત્તાને જગાડવા માટે આંદોલન થાય છે. અને આ કામ થઈ ચૂક્યું છે અને સાથે સાથે દેશ પણ જાગી ચૂક્યો છે, યુવાનોને જેટલી પણ રોકવાની કોશિશ કરવામાં આવશે એટલા વધુ યુવાનો ભ્રષ્ટ ભાજપની સામે જાગૃત બન્યા છે.
વધુમાં આમ આદમી પાર્ટીના નેતા મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે, આજની સ્થિતિ જોતા લાગે છે કે જનરલ ડાયર અમિત શાહે નરેન્દ્ર મોદીની બચેલી ઈજ્જતને પણ ખતમ કરવાની સોપારી લીધી છે. ઇલેક્શન કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધના પુરાવાઓ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ચૂક્યા છે. સુપ્રીમ કોર્ટે પણ સાબિતી આપી છે કે “હા ઇલેક્શન કમિશનમાં કંઈ ગડબડ છે, એમના કામોમાં ગડબડ છે અને શંકાસ્પદ કામો થયા છે.” 13 કરોડ મતદાતાઓના નામ મતદારયાદીમાંથી ડીલીટ કરવામાં આવ્યા છે તો સૌથી મોટો સવાલ એ છે કે આ જ્ઞાનેશકુમાર હજી સુધી પોતાની ગાદી પર કેમ બેઠો છે? આ આંદોલનમાં મુખ્ય ત્રણ માંગો છે કે 13 કરોડ લોકોના નામ ડીલીટ કરવાની પ્રક્રિયા બંધારણની વિરુદ્ધ કરવામાં આવી છે તો આ પ્રક્રિયાને રદ કરવામાં આવે, જ્ઞાનેશકુમારને તેના પદ પરથી હટાવવામાં આવે અને ત્રીજી માંગ કે મુખ્ય ચૂંટણી કમિશનરની નિયુક્તિની પ્રક્રિયામાં હાલ ભાજપના બે મંત્રી અને એક વિપક્ષના એમ ત્રણ લોકોનો સમાવેશ થાય છે પરંતુ આ પદ્ધતિને રદ કરીને જૂની પદ્ધતિ અનુસાર એક સરકારના મંત્રી એક વિપક્ષના અને ત્રીજા સુપ્રીમ કોર્ટના જજને સામેલ કરવામાં આવે અને આ ત્રણ લોકો દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનરની નિયુક્તિ કરવામાં આવે. આજે જે યુવાનો જાગૃત થયા છે એ લોકોની હિંમતને હું બિરદાવું છું અને ગુજરાતના લોકો પણ આ બધું જોઈ રહ્યા છે. ગુજરાતમાં પણ જે ઓટોક્રેસી ચાલી રહી છે એના વિરુદ્ધ પણ હવે લોકો બોલતા થશે અને આ તાનાશાહોની સામે લડતા થશે એવો મને પૂરો ભરોસો છે.




