
દિવાળીની ઉજવણી વચ્ચે દિલ્હીની હવા બની ઝેરી.ફટાકડાના ધુમાડાથી રાજધાનીમાં પ્રદૂષણ વધ્યું, એક્યુઆઈ ૩૭૧ નોંધાયો.જહાંગીરપુરીમાં હવાની ગુણવત્તા ૪૬૦ સુધી પહોંચી, અનેક વિસ્તારોમાં સ્મોગની ચાદર છવાઈ.રાજધાની દિલ્હીમાં દિવાળીની ઊજવણી શરૂ થતા જ હવા વધુ ઝેરી બની ગઈ છે. રવિવારે સાંજે આતશબાજીના કારણે દિલ્હીના અનેક વિસ્તારોમાં ધૂમાડા અને સ્મોગની ચાદર છવાઈ ગઈ હતી. હવામાં ફટાકડાની ગંધ ભળી જતા લોકોના શ્વાસ રુંધાવા લાગ્યા હતા. દિલ્હીમાં એક્યુઆઈ સાંજે ૭.૦૦ કલાકે ૩૭૧ નોંધાયો હતો, જે અત્યંત ખરાબ શ્રેણીમાં આવે છે. દિવસ દરમિયાન પણ સરેરાશ એક્યુઆઈ ૩૭૬ રહ્યો હતો.દિલ્હીમાં સુપ્રીમ કોર્ટે ગ્રીન ફટાકડા ફોડવાની મંજૂરી આપી છે ત્યારે દિલ્હીવાસીઓ રવિવારે સવારે ટોક્સિક હવાના વાતાવરણમાં ઉઠયા હતા. આ સમયે એર ક્વોલિટી ઈન્ડેક્સ (એક્યુઆઈ) ‘ગંભીર’ કેટેગરીમાં ૩૮૩ નોંધાયો હતો. સમગ્ર શહેરમાં ૫૪ મોનિટરિંગ સ્ટેશન્સમાંથી ૨૪માં હવાની ગુણવત્તા ‘ગંભીર’ કેટેગરીમાં નોંધાઈ હતી જ્યારે બાકીના સ્ટેશન્સ પર ‘અતિ ખરાબ’ કેટેગરીમાં નોંધાઈ હતી.દિલ્હીવાસીઓ રવિવારે સાંજે દિવાળીની ઊજવણી કરવા બહાર નીકળ્યા ત્યારે ફટાકડાના પ્રદૂષણથી બચી શક્યા નહોતા. શહેરમાં એક્યુઆઈ ‘અત્યંત ખરાબ’ કેટેગરીમાં ૩૭૧ નોંધાયો હતો. શહેરના કેટલાક વિસ્તારમાં એક્યુઆઈ ૪૦૦ જેટલો નોંધાયો હતો. જહાંગીરપુરીમાં એક્યુઆઈ સૌથી ખરાબ ૪૬૦ના સ્તરે પહોંચ્યો હતો.




