
દિલ્હીના જંતર-મંતર ખાતે યોજાયેલા ભારે વિરોધ પ્રદર્શન દરમિયાન દિલ્હી પોલીસ દ્વારા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પાર્ટીના અન્ય અગ્રણી નેતાઓની અટકાયત કરવામાં આવી હતી. અટકાયત પહેલાં મીડિયા સાથે વાતચીત કરતાં અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે તાનાશાહીનું વાતાવરણ ઊભું કર્યું છે, તે અત્યંત ગંભીર છે. દેશમાં ખૂણે ખૂણે પોલીસ અને પેરામિલિટ્રી ફોર્સ તૈનાત કરી દેવામાં આવી છે અને કોઈ પણ નાગરિકને પોતાના ઘરમાંથી પણ બહાર નીકળવા દેવામાં આવતો નથી. પરિસ્થિતિ એવી છે કે રસ્તાઓ પર સામાન્ય રીતે ચાલતા લોકોને પણ પોલીસ પકડીને લઈ જઈ રહી છે. આટલી હદે તાનાશાહી એટલા માટે કરવામાં આવી છે કારણ કે અત્યાર સુધી વડાપ્રધાન મોદી માત્ર વોટ ચોરી કરીને જ ચૂંટણીઓ જીતતા આવ્યા છે, પરંતુ આ વખતે તેઓ રંગેહાથ પકડાઈ ગયા છે. હવે સરકાર પોતાના આ કારનામાને દબાવવા માંગે છે અને તેને ચાલુ રાખવા માંગે છે. પરંતુ દેશની પ્રજા હવે આ તાનાશાહી ચલાવી લેશે નહીં, કારણ કે આ અન્યાય સામે દેશનો યુવા વર્ગ સંપૂર્ણપણે જાગૃત થઈને ઊભો થઈ ગયો છે.
અરવિંદ કેજરીવાલે વધુમાં જણાવ્યુ હતુ કે CJPના નેતા અભિજીત દિપકે, આશુતોષ રાંકા, સૌરભ દાસ, ધ્રુવ રાઠી અને રત્ના સિંહ સહિતના લોકોની ધરપકડ કરવામાં આવતાં દેશના યુવાનોમાં ભારે ગુસ્સો છે. તેથી હું દેશના તમામ નાગરિકો અને યુવાનોને હાથ જોડીને અપીલ કરું છું કે આપણે સૌએ સાથે મળીને દેશ અને લોકતંત્રને બચાવવું પડશે. તમે દેશમાં જ્યાં પણ હોવ, અત્યારે જ ઘરની બહાર નીકળો અને દિલ્હી તરફ કૂચ કરો. તમે સ્કૂટર, બસ, ટ્રેન કે ફ્લાઈટ—જે પણ સાધન મળે તેના દ્વારા દિલ્હી પહોંચો. દિલ્હી પહોંચતા જો પોલીસ કે સરકાર તમને રસ્તામાં જ્યાં પણ રોકે, ત્યાં જ બેસી જાઓ અને એ આખા સ્થળને જ ‘જંતર-મંતર’ બનાવી દો. સમગ્ર દેશને જંતર-મંતરમાં ફેરવી નાખો. જો આજે આપણે વડાપ્રધાનને વોટ ચોરી કરતા નહીં રોકીએ તો આ દેશ અને આપણું લોકતંત્ર બચશે નહીં.




