
PM મોદીએ બાલેન શાહનાં કર્યા વખાણ નેપાળ માટે ભારતનું ૨૪ હજાર કરોડ નેપાળી રૂપિયાનું વિકાસ પેકેજ જાહેર દ્વિપક્ષીય બેઠક બાદ અયોધ્યા-જનકપુર ટ્રેનને લીલી ઝંડી; PM મોદી બોલ્યા, નેપાળ વિના અમારા રામ અધૂરા છે ભારત અને નેપાળ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને નવી ઊંચાઈ આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નેપાળના વડાપ્રધાન બાલેન શાહ વચ્ચે દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન ભારતે નેપાળના પુનર્નિર્માણ અને લાંબા ગાળાના વિકાસ માટે ૨૪ હજાર કરોડ નેપાળી રૂપિયાના વિકાસ સહયોગ પેકેજની જાહેરાત કરી હતી. બેઠક બાદ બંને દેશના વડાપ્રધાનોએ અયોધ્યા-જનકપુર ટ્રેન સેવાને લીલી ઝંડી આપી હતી.
નેપાળના વડાપ્રધાન બન્યા બાદ બાલેન શાહની આ પ્રથમ ભારત મુલાકાત છે. સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વડાપ્રધાન મોદીએ બાલેન શાહના નેતૃત્વ અને તેમના વિઝનની પ્રશંસા કરી હતી. વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, થોડા મહિના પહેલાં જ્યારે બાલેન શાહે વિશ્વના સૌથી યુવા વડાપ્રધાન તરીકે સંયુક્ત રાષ્ટ્રમાં સંબોધન કર્યું હતું ત્યારે તેમની દૂરંદેશીની ઝલક જાેવા મળી હતી. છેલ્લા કેટલાક કલાકોની વાતચીત દરમિયાન નેપાળના ભવિષ્ય અને ભારત-નેપાળ સંબંધો અંગે તેમનું સ્પષ્ટ વિઝન અને પ્રતિબદ્ધતા અનુભવાઈ છે.
વડાપ્રધાન મોદીએ નેપાળ માટે ૨૪ હજાર કરોડ નેપાળી રૂપિયાના વિકાસ સહયોગ પેકેજની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, ભારત અને નેપાળ વચ્ચેનો સંબંધ માત્ર બે પડોશી દેશો વચ્ચેનો સંબંધ નથી, પરંતુ પરસ્પર વિશ્વાસ, સંસ્કૃતિ અને આત્મીયતાથી જાેડાયેલો છે.
તેમણે નેપાળમાં ઓગસ્ટ મહિનામાં આવેલા વિનાશક પૂરને કારણે થયેલી જાનહાનિ અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું. સાથે જ નેપાળના પુનર્નિર્માણ અને લાંબા ગાળાના વિકાસમાં ભારત સતત સહયોગ આપશે તેવી ખાતરી આપી હતી. પીએમ મોદીએ કહ્યું હતું કે, ભારત હંમેશાં મજબૂત અને સમૃદ્ધ નેપાળની વિકાસયાત્રામાં ભાગીદાર રહ્યું છે અને ભવિષ્યમાં પણ આ સહયોગ ચાલુ રહેશે.
ભારત અને નેપાળ વચ્ચે ધાર્મિક તથા સાંસ્કૃતિક સંબંધોને વધુ મજબૂત બનાવવાના પ્રયાસરૂપે બંને વડાપ્રધાનોએ અયોધ્યા-જનકપુર ટ્રેન સેવાને લીલી ઝંડી આપી હતી.
આ રેલ સેવા શરૂ થવાથી બંને દેશના નાગરિકો માટે ધાર્મિક પ્રવાસ વધુ સરળ બનશે. વડાપ્રધાન મોદીએ ભગવાન રામ અને માતા સીતાના સંબંધનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, બંને દેશો વચ્ચેનો સંબંધ સહિયારા ઇતિહાસ, શ્રદ્ધા અને સંસ્કૃતિથી જાેડાયેલો છે. તેમણે ભાવુક શબ્દોમાં જણાવ્યું હતું કે, નેપાળ વિના અમારા રામ અધૂરા છે. નવી ટ્રેન સેવા દ્વારા શ્રદ્ધાળુઓ માટે માતા સીતાની જન્મભૂમિ જનકપુર સુધી પહોંચવું વધુ સરળ બનશે.
દ્વિપક્ષીય બેઠક દરમિયાન બંને દેશોએ વિકાસ સહયોગ અને પરસ્પર સંબંધોને વધુ મજબૂત બનાવવાના મુદ્દે ચર્ચા કરી હતી. ભારતે નેપાળની પ્રગતિમાં ભાગીદાર બનવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
આ મુલાકાતને ભારત અને નેપાળ વચ્ચેના રાજદ્વારી, સાંસ્કૃતિક અને આર્થિક સંબંધોની દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. વિકાસ પેકેજ અને નવી રેલ સેવા બંને દેશો વચ્ચેના સહકારને નવું પરિમાણ આપી શકે છે.




