
‘અંગ’ ૧૯૬૨-૧૯૬૩ ના સમયગાળાના નાગાલેન્ડની વાર્તા છે ઓસ્કાર ૨૦૨૭માં નાગાલેન્ડની ફિલ્મ ‘અંગ’ની પણ ડાયરેક્ટ એન્ટ્રી ફિલ્મના ડાયરેક્ટર ૩૧ વર્ષીય તેજા રિયો છે, જેઓ નાગાલેન્ડના મુખ્યમંત્રી નેઇફિયુ રિયોના ભત્રીજા છે
સિનેમા પ્રેમીઓ માટે ૨૦૨૭ ના ઓસ્કાર એવોર્ડ્સ ખૂબ જ રોમાંચક રહેવાના છે! સામાન્ય રીતે, નિયમ એવો છે કે કોઈપણ દેશ ઓસ્કાર એવોર્ડ્સમાં પોતાની તરફથી માત્ર એક જ સત્તાવાર ફિલ્મ મોકલી શકે છે. આ વર્ષે ‘ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયા’ એ ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે મરાઠી સાયકોલોજિકલ થ્રિલર ફિલ્મ ‘ગોંધલ’ ની પસંદગી કરી છે. આશ્ચર્યની વાત એ છે કે, નાગાલેન્ડની એક શાનદાર ફિલ્મ ‘અંગ’ પણ સત્તાવાર એન્ટ્રી ન હોવા છતાં ઓસ્કાર ૨૦૨૭ ની રેસમાં સામેલ થઈ ગઈ છે. આખરે આ કેવી રીતે શક્ય બન્યું?‘અંગ’ ભારતની સત્તાવાર એન્ટ્રી નથી, તેમ છતાં તેને ઓસ્કારમાં સ્થાન મળવા પાછળનું મુખ્ય કારણ એક નવો નિયમ અને ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (TIFF) માં મળેલી મોટી જીત છે. ઓસ્કાર ૨૦૨૬ થી એકેડેમીએ એક નવો નિયમ અમલમાં મૂક્યો છે, જે મુજબ, જાે કોઈ બિન-અંગ્રેજી ફિલ્મ દુનિયાના ૬ પ્રખ્યાત ફિલ્મ ફેસ્ટિવલ (જેમ કેTIFF, કાન, બર્લિન, વેનિસ, બુસાન અને સનડાન્સ) માં કોઈ ચોક્કસ મોટો એવોર્ડ જીતે, તો તેને ઓસ્કારની ‘બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ‘ કેટેગરીમાં સીધી જ વિચારણા માટે લઈ શકાય છે.૨૦ સપ્ટેમ્બર ૨૦૨૬ ના રોજ ‘અંગ’ ફિલ્મે TIFF માં ‘પ્લેટફોર્મ એવોર્ડ’ અને ૨૦,૦૦૦ કેનેડિયન ડોલરનું ઇનામ જીત્યું. આ જીતને કારણે ‘અંગ’ ને દેશની સત્તાવાર એન્ટ્રી બન્યા વિના જ ઓસ્કાર સુધી પહોંચવાનો સીધો અને અલગ રસ્તો મળી ગયો.‘અંગ’ ૧૯૬૨-૧૯૬૩ ના સમયગાળાના નાગાલેન્ડની વાર્તા છે, જ્યારે નાગાલેન્ડને રાજ્યનો દરજ્જાે મળવાનો બાકી હતો. આ ફિલ્મ કોન્યાક સમુદાય પર આધારિત છે, જે પ્રકૃતિ પૂજા અને દુશ્મનોના માથા કાપવાની પ્રથા (હેડહંટીંગ) માટે જાણીતો હતો.વાર્તા ગામના વૃદ્ધ મુખિયા (જેમને ‘અંગ’ કહેવાય છે) અને એક અમેરિકન મિશનરી વચ્ચેના સંઘર્ષની છે. મિશનરીના આગમનથી ધીમે ધીમે આખું ગામ ખ્રિસ્તી ધર્મ અપનાવે છે, જે જૂની પરંપરાઓને વળગી રહેલા મુખિયાને વિશ્વાસઘાત જેવું લાગે છે. આ ધાર્મિક અને સાંસ્કૃતિક સંઘર્ષની સીધી અસર મુખિયા અને તેના પુત્રના સંબંધો પર પડે છે. ૧૯૬૦ ના દાયકાનો અસલ લુક આપવા માટે આ ફિલ્મ સંપૂર્ણપણે કોન્યાક ભાષામાં અને 16mm કેમેરાથી શૂટ કરવામાં આવી છે.આ ફિલ્મના ડાયરેક્ટર ૩૧ વર્ષીય તેજા રિયો છે, જેઓ નાગાલેન્ડના મુખ્યમંત્રી નેઇફિયુ રિયોના ભત્રીજા છે. યુકેની ફિલ્મ સ્કૂલમાંથી ભણેલા તેજા રિયોએ ૨૦૨૧ માં ‘અંગ’ નામની એક શોર્ટ ફિલ્મ બનાવી હતી, જેને વિસ્તૃત કરીને હવે આ ફિચર ફિલ્મ બનાવવામાં આવી છે.ફિલ્મમાં ‘અંગ’ (મુખિયા) નું ગંભીર પાત્ર સ્થાનિક સ્ટેન્ડ-અપ કોમેડિયન એંગલોંગ કોન્યાકે ખૂબ જ સહજતાથી ભજવ્યું છે. જ્યારે અમેરિકન મિશનરીના રોલમાં બ્રિટિશ એક્ટર ડગ્લાસ હેનશાલ જાેવા મળે છે. અન્ય કલાકારોમાં સોબિનો રેંગમા, ગેનપાઈ કોન્યાક, અને વાંગટન કોન્યાકનો સમાવેશ થાય છે.ફિલ્મના નિર્માતા નેન્સી નિસા બેસો (૪૧) અને વર્લ્ડ સેલ્સ એજન્ટ ગૌરવ ઢીંગરા (૪૭) માટે ઓસ્કાર સુધીની સફર આસાન નથી. ઓસ્કાર એવોર્ડની રેસમાં હોય એ ફિલ્મોના પ્રચાર માટે મોટો ખર્ચ થતો હોય છે. ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદ થયેલી ફિલ્મ ‘ગોંધલ’ ને સરકાર તરફથી ૧ કરોડ રૂપિયાની આર્થિક સહાય મળશે. પરંતુ ‘અંગ’ સત્તાવાર એન્ટ્રી ન હોવાથી, ઓસ્કારમાં પ્રચાર (લોબિંગ) કરવાનો તમામ મોટો ખર્ચ નિર્માતાઓએ જાતે જ ઉઠાવવો પડશે.




