
સિંગતેલનો ડબ્બો રૂ. ૩,૦૦૦ને પાર દિવાળીના તહેવારો પહેલા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છેલ્લા ૩ દિવસમાં ડબ્બે રૂ. ૭૫નો વધારો : કપાસિયા તેલના ભાવ રૂ.૨૬૨૦થી ૨૬૮૦, પામતેલ રૂ.૨૩૧૫થી ૨૩૨૦ થયો દિવાળીના તહેવારો આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે મોંઘવારીની માર ઝીલતી મહિલાઓ માટે વધુ એક માઠા સમાચાર આવ્યા છે. તહેવારો ટાણે જ ખાદ્યતેલના ભાવમાં વધારો નોંધાયો છે. રાજકોટ તેલબજારમાં દિવાળી પહેલા જ સિંગતેલ સહિતના ખાદ્યતેલોના ભાવમાં મોટો ભડકો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. છેલ્લા ત્રણ જ દિવસમાં સિંગતેલના ભાવમાં ૭૫ રૂપિયાનો તોતિંગ વધારો નોંધાયો છે. આ ભાવવધારા સાથે જ ૧૫ કિલો સિંગતેલના ડબ્બાનો ભાવ ૩,૦૦૦ રૂપિયાની સપાટી વટાવી ચૂક્યો છે. હાલ બજારમાં સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ. ૩,૦૦૦થી વધીને રૂ. ૩,૦૮૦ની ઉંચી સપાટીએ પહોંચી ગયો છે.
માત્ર સિંગતેલ જ નહીં, પરંતુ મધ્યમવર્ગીય પરિવારોમાં વપરાતા અન્ય ખાદ્યતેલોના ભાવમાં પણ વધારો જાેવા મળ્યો છે. કપાસિયા તેલના ડબ્બાનો ભાવ વધીને ૨,૬૨૦ રૂપિયા થી ૨,૬૮૦ રૂપિયાની સપાટીએ પહોંચ્યો છે. પામતેલના ડબ્બાનો ભાવ રૂ. ૨,૩૧૫ થી રૂ. ૨,૩૨૦ સુધી બોલાઈ રહ્યો છે.
ખાદ્યતેલમાં ભાવવધારા પાછળ મુખ્ય બે કારણો જવાબદાર માનવામાં આવી રહી છે. ચાલુ વર્ષે કેટલાક વિસ્તારોમાં અનિયમિત અને ઓછો વરસાદ થવાના કારણે પાક પર માઠી અસર પડી છે. બજારમાં હજુ સુધી નવી મગફળીની પૂરતી આવક શરૂ થઈ નથી. ડિમાન્ડ સામે પુરવઠો ઓછો હોવાથી ભાવમાં સતત ઉછાળો આવી રહ્યો છે. તહેવારોના દિવસોમાં ફરસાણ અને મિઠાઈઓ બનાવવાની હોવાથી ખાદ્યતેલની માંગ સૌથી વધુ હોય છે. નિષ્ણાતોના મતે, નવી આવક હાલ થઈ નથી અને તહેવારોની માંગ ચાલુ હોવાથી દિવાળી સુધી ખાદ્યતેલના ભાવમાં કોઈ મોટા ઘટાડાની શક્યતા નહિવત છે. આમ, દિવાળીએ મોંઘા તેલના કારણે સામાન્ય નાગરિકોના ખિસ્સા પર વધારાનો બોજ પડવો નક્કી છે.




