
આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી ડૉ.કરન બારોટે જણાવ્યું હતું કે, ઇમરજન્સી સેવા ૧૧૨ ના પ્રમોશન માટે સરકાર જેટલો ખર્ચ કરે છે, તેના કરતાં એ રૂપિયા જો ૧૧૨ ના જનરક્ષક પાયલોટોને આપવામાં આવે તો તેમના પરિવારનું ભવિષ્ય ઉજ્જવળ થઈ જાય. વારંવાર સરકાર સમક્ષ ૧૧૨ ના જનરક્ષક પાયલોટોનો મુદ્દો હું ઉઠાવતો આવ્યો છું અને ઉઠાવતો રહીશ. આજે હું ફરીથી ૧૧૨ ના પાયલોટોને લઈને સરકાર સમક્ષ રજૂ કરેલા મુદ્દાઓમાં વધુ એક ઉમેરો કરવા આવ્યો છું. સપ્ટેમ્બર મહિનામાં ૧૧૨ ના જનરક્ષક પાયલોટોને જે પગાર આપવામાં આવ્યો છે, તે અપૂરતો અને અનિયમિત છે. અમુક પાયલોટોને પગાર મળ્યો નથી, અમુકને ઓછો મળ્યો છે, તો અમુક પાયલોટોએ ૪૦-૪૦ શિફ્ટ કરી હોવા છતાં તે મુજબ વળતર મળ્યું નથી. પાયલોટો આ તમામ પરિસ્થિતિથી હેરાન-પરેશાન થઈ રહ્યા છે. તેઓએ અમને તેમજ કંપનીમાં પણ વારંવાર રજૂઆતો કરી, પરંતુ સોલ્યુશન આવી રહ્યું નથી. આ પહેલાં પણ મેં રજૂઆત કરી હતી કે જૂન મહિનાનો પગાર પાયલોટોને જાણ કર્યા વિના વધારે આપી દેવાયો હતો અને ત્યારબાદ જુલાઈ મહિનાના પગારમાંથી કોઈ પણ જાણ વગર કાપ મૂકી દેવાયો હતો. આ ઉપરાંત, પાયલોટોની બદલી કરવામાં આવે ત્યારે ટ્રાન્સફર ઓર્ડર વચ્ચેના સમયગાળામાં તેમને બેરોજગાર રહેવું પડે છે. પાયલોટો જ્યાં રહેતા હોય ત્યાંથી ૧૦૦-૧૦૦ કિલોમીટર દૂર માત્ર ૧૪ થી ૧૫ હજારના પગારમાં નોકરી આપવામાં આવે છે. મારે સરકારને પૂછવું છે કે આટલા ઓછા પગારમાં ઘરથી ૧૦૦ કિમી દૂર રહીને રહેવું, ખાવું અને પરિવારનો મહિનો કેવી રીતે કાઢવો?
ડો.કરન બારોટે વધુમાં ઉમેર્યું હતું કે, જે પાયલોટોએ ફરિયાદો કરી હતી, તેમને ‘ઓફ ડ્યુટી’ કરી દેવામાં આવ્યા હતા. ઓફ ડ્યુટી કર્યા બાદ કંપનીમાં બોલાવી કે ફોન કરીને ‘કાલે ચાલુ કરીશું, પરમ દિવસે કરીશું’ તેમ કહીને ૩-૩ મહિના સુધી ઓફ ડ્યુટી રખાયા અને ત્યારબાદ અમુક પાયલોટોને ટર્મિનેટ (છૂટા) કરી દેવામાં આવ્યા. આજે પણ એવા પાયલોટો છે જેમને ઓફ ડ્યુટી કરીને પાછા નોકરી પર લેવાયા નથી. જો સરકાર ઈચ્છતી હોય તો મારે વિનંતી કરવી છે કે આ જનરક્ષક પાયલોટો ગુજરાતની જનતાની સુરક્ષા અને રક્ષણ કરવાનું કામ કરે છે. જો તેઓ માનસિક રીતે ફિટ અને સ્ટેબલ નહીં હોય, પોતાના પગાર કે પરિવારના ભરણપોષણને લઈને દુઃખી હશે, તો તેઓ કાયદો અને વ્યવસ્થા કેવી રીતે જાળવશે? કંપની સામે વારંવાર ફરિયાદો આવી રહી છે. જો આ કંપની યુવાનોને સાચવી શકાતી ન હોય, તો સરકારે આ તમામ વ્યવસ્થા પોતાના હસ્તક લઈ લેવી જોઈએ. સરકારે તાત્કાલિક ધોરણે ૧૧૨ ના જનરક્ષક પાયલોટો સાથે સંવાદ કરીને તેમની સમસ્યાઓ સમજવી જોઈએ, કારણ કે તેઓ ખરેખર પરેશાન છે. અમુક પાયલોટો પાસે વધારાનું કામ કરાવવામાં આવે છે, અમુકને ગાડીઓ મળતી નથી, તો અમુકને નોકરી પર લેવામાં આવતા નથી. ૧૧૨ ના જનરક્ષક પાયલોટોનો મુદ્દો દિવસેને દિવસે ગંભીર બની રહ્યો છે અને કામ કરતા યુવાનો ભારે પરેશાની ભોગવી રહ્યા છે.




