
આમ આદમી પાર્ટી સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ કમલેશ કોટેચાએ જણાવ્યુ હતુ કે ભાજપના સાંસદ અને ધારાસભ્યો કદાચ ભૂલી ગયા છે કે હિન્દુસ્તાનમાં લોકશાહી છે અને તમામ ભારતીયોને પોતાની ઈચ્છા મુજબ મત આપવાનો અધિકાર છે. સુરેન્દ્રનગરના સાંસદે હળવદ ખાતે એક બ્રિજના ભૂમિપૂજનમાં એવી વાત કરી કે, ચરાડવામાં તમે આમ આદમી પાર્ટીના યુવાન અને શિક્ષિત ઉમેદવારને જીતાડીને મોકલ્યો એટલે હવે ત્યાં પ્રાથમિક સુવિધા કે ડ્રેનેજ ગટરના કામો નહીં થશે. લોકશાહીમાં સાંસદ જેવા ગરિમાપૂર્ણ હોદ્દા પર બેઠેલી વ્યક્તિથી આવી વાત કોઈ પણ સંજોગોમાં ન કરાય અને તેને ચલાવી પણ ન લેવાય. એક ક્ષણ માટે આપણે માની લઈએ કે ચરાડવા તાલુકા પંચાયતમાં ‘આપ’નો ઉમેદવાર જીત્યો છે એટલે ધારાસભ્ય અને સાંસદ તે તાલુકા પંચાયતની અવગણના કરે છે. પરંતુ હું સાંસદશ્રીને કહેવા માગું છું કે સુરેન્દ્રનગર જિલ્લાની તમામ નગરપાલિકાઓ, તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતમાં ભાજપ સત્તા પર બેઠેલી છે, આમ છતાં જિલ્લાના ખેડૂતો, ઇન્ડસ્ટ્રિયાલિસ્ટો અને યુવાનો ત્રાસી ગયા છે. સુરેન્દ્રનગરમાં ઠેર-ઠેર દારૂ, જુગાર અને ડ્રગ્સના દૂષણો ફૂલીફાલ્યા છે તેમજ મુખ્ય GIDC મૃતપાય અવસ્થામાં છે. ખેડૂતો અંગે તમે કોઈ ગંભીર કામગીરી કરતા નથી. જો તમને ખરેખર વિકાસમાં રસ હોય તો જિલ્લામાં કોટન હબ લાવી દો, પરંતુ પ્રાથમિક સુવિધાઓ કે વિકાસની વાત તમને આવડતી જ નથી એ વાત હવે તમામ મતદારો સમજી ગયા છે.
’આપ’ નેતા કમલેશ કોટેચાએ વધુમાં જણાવ્યું હતું કે, દુર્ભાગ્યવશ મહત્વની વિકાસની વાતો કરવાના બદલે તમે ચરાડવાના કામો ન કરવાનો મુદ્દો લઈને બેઠા છો. ચરાડવાની વાત બાજુ પર મૂકીએ તો પણ સુરેન્દ્રનગર જિલ્લાની મોટાભાગની તાલુકા-જિલ્લા પંચાયતો અને વોર્ડમાં ભાજપનો ભગવો લહેરાયેલો છે, છતાં તમામ જગ્યાએ લોકો પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. વેપારીઓ ત્રાહિમામ છે, વકીલો આંદોલન કરી રહ્યા છે અને મહિલાઓ સુરક્ષા માટે ઝંખી રહી છે. આમ છતાં તમે મૂકપ્રેક્ષક બનીને બેઠા છો અને લોકો વચ્ચે ચરાડવા જેવી ક્ષુલ્લક વાતો કરીને તમારી બુદ્ધિનું પ્રદર્શન કરી રહ્યા છો. જો તમે ભાજપ વિરોધમાં મતદાન કરવા બદલ ચરાડવાને સુવિધાઓથી વંચિત રાખતા હો, તો અમારી સાથે ચાલો, અમે તમને બતાવીએ કે ભાજપને પ્રેમ અને સમર્થન આપનારા મોટાભાગના મતદારો પણ આજે નારાજ છે અને તકલીફ ભોગવી રહ્યા છે. તમારી આ નિષ્ક્રિયતા ચલાવી લેવાય તેવી નથી. જો તમારામાં ખરેખર લાજ-શરમ જેવી કોઈ વસ્તુ હોય તો લોકસભાના સભ્ય તરીકે તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ અને ચરાડવાના મતદારોનું જે ઘોર અપમાન કર્યું છે તે બદલ તેમની જાહેરમાં માફી માંગવી જોઈએ.




