
(નીડર , નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત.
આજનો ડિજિટલ યુગ જ્યાં કોઈ પણ જગ્યાએ બનેલી ઘટનાની માહિતી ગણતરીની સેકંડોમાં લોકોને સોશ્યલ મીડિયા ના માધ્યમથી ત્વરીત રીતે મળી જતી હોય છે. એવા યુગમાં પ્રિન્ટ અખબાર ચલાવવું એટલે લોઢાના ચણા ચાવવા સમાન છે.
એક બાજુ કાગળ, છાપકામ, વિતરણ અને કોમ્પ્યુટરના ખર્ચાઓ વચ્ચે ખાસ કરીને એવા અખબારો માટે પરિસ્થિતિ વધુ મુશ્કેલ છે, જેમને કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકારની જાહેરાતોની પેનલમાં સ્થાન મળતું નથી અથવા જેમને સરકારી જાહેરાતોનો નિયમિત લાભ મળતો નથી. આવા અખબારો માટે ખાનગી વેપારીઓ, ઉદ્યોગપતિઓ અને સ્થાનિક સંસ્થાઓ પાસેથી મળતી જાહેરાતો આવકનો મુખ્ય આધાર બને છે.
અખબાર પ્રકાશિત કરવું એટલે માત્ર સમાચાર છાપવા નહીં, પરંતુ પત્રકારો, સ્થાનિક સંવાદદાતાઓ, સંપાદકીય ટીમ અને વિતરણ વ્યવસ્થાની જવાબદારી નિભાવવી. અને આ તમામ કામગીરી માટે આર્થિક સધ્ધરતા અનિવાર્ય છે.
આવકના મર્યાદિત વિકલ્પો ધરાવતા સ્થાનિક અખબારો માટે જાહેરાત મેળવવી વ્યવસાયિક જરૂરિયાત હોવાની સાથે પ્રકાશન ચાલુ રાખવાનો પણ એક મહત્વપૂર્ણ આધાર છે. અખબારનો પ્રતિનિધિ જ્યારે બજારમાં જાહેરાત માટે પ્રયત્નશીલ હોય છે, ત્યારે તે પોતાના પ્રકાશનને આર્થિક રીતે જીવંત રાખવાનો પ્રયાસ કરતો હોય છે. ખાસ કરીને સરકારી જાહેરાતો નો આધાર ન ધરાવતા અખબારો માટે આ પ્રયાસનું મહત્વ વધારે હોય છે. આમ સ્થાનિક અખબારો પ્રજા અવાજને વાચા આપવા માટે રસ્તા, પાણી, સફાઈ, શિક્ષણ, આરોગ્ય, નાગરિક સુવિધાઓ અને સ્થાનિક વેપાર જેવા પ્રશ્નોને વાચા આપે છે.ત્યારે જાહેરાત દાતાઓનો સહયોગ મહત્વપૂર્ણ છે. સમાજને જગાડતું અખબાર જો જીવંત હશે તો જ લોકશાહી જીવંત રહેશે.




