
પોલીસને મળી મોટી સફળતા ટાઇગર શ્રોફ કેસમાં ૩ આરોપીને કોટામાંથી ઝડપી લેવામાં આવ્યા આરોપીઓ દિલ્હીના રસ્તે નેપાળ ભાગવાની ફિરાકમાં હતા બોલિવૂડ અભિનેતા ટાઇગર શ્રોફની કાર પર થયેલા ફાયરિંગ કેસમાં મુંબઈ પોલીસને મોટી સફળતા મળી છે. મુંબઈમાં ગુનાને અંજામ આપીને ટ્રેન દ્વારા ભાગી રહેલા ત્રણેય આરોપીઓને રાજસ્થાનના કોટામાંથી ઝડપી પાડવામાં આવ્યા છે. કોટાની એસપી તેજસ્વિની ગૌતમના જણાવ્યા અનુસાર, મુંબઈ પોલીસ પાસેથી માહિતી મળતાની સાથે જ ડીએસપી અને સાયબર સેલની ટીમે માત્ર ૧૫ મિનિટમાં જ ટ્રેનને ઘેરી લીધી હતી અને સઘન તપાસ કરીને ત્રણેય આરોપીઓને દબોચી લીધા હતા. આ આરોપીઓ દિલ્હીના રસ્તે નેપાળ ભાગવાની ફિરાકમાં હતા.
પોલીસે જે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે તેમાં રેહાન (સોનિપત), હૃતિક કુર્મી ઉર્ફે રોશન (બિહાર) અને એક સગીર (નાબાલિક) સામેલ છે. પોલીસ પૂછપરછમાં એ વાત સામે આવી છે કે આ સમગ્ર વારદાતનો મુખ્ય આરોપી રેહાન હતો, જેનો સંપર્ક અનિલ પંડિત સાથે થયો હતો. આ ત્રણેય આરોપીઓ ઘટનાને અંજામ આપીને તાત્કાલિક ફરાર થઈ ગયા હતા અને પૂણે-જયપુર સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનમાં સફર કરી રહ્યા હતા. હાલ તેમની પાસેથી કોઈ હથિયાર જપ્ત થયા નથી, પરંતુ પોલીસ હથિયારો ક્યાં છુપાવ્યા છે તે અંગે પૂછપરછ કરી રહી છે.
કોટા એસપીએ જણાવ્યું કે મુંબઈ પોલીસ તરફથી મળેલા ચોક્કસ ઇનપુટ્સના આધારે આ સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. ટૂંક સમયમાં જ આ તમામ આરોપીઓને મુંબઈ પોલીસના હવાલે કરવામાં આવશે, જેથી આગળની કડક કાનૂની કાર્યવાહી હાથ ધરી શકાય અને આ હુમલા પાછળના મોટા નેટવર્કનો ખુલાસો થઈ શકે.
ગત ૧૮ ઓક્ટોબર, ૨૦૨૬ની સાંજે મુંબઈના જુહુ વિસ્તારમાં અભિનેતા ટાઇગર શ્રોફની કારને નિશાન બનાવીને ત્રણ બાઇક સવારોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. સદનસીબે ટાઇગર શ્રોફ આ હુમલામાં સુરક્ષિત છે, પરંતુ તેના ડ્રાઇવર અને એક ઓટો રિક્ષા ચાલક ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટના બાદ અનિલ પંડિત અને લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે જાેડાયેલા તત્વો દ્વારા સોશિયલ મીડિયા પર ધમકીઓ પણ આપવામાં આવી હતી, જેના પગલે બોલિવૂડ સેલેબ્સની સુરક્ષાને લઈને ચિંતા વધી ગઈ છે.




