Sports News: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે (ICC) રવિવારે વેલિંગ્ટન ટેસ્ટમાં ન્યુઝીલેન્ડ સામે ઓસ્ટ્રેલિયાએ જીત મેળવ્યા બાદ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)નું પોઈન્ટ્સ ટેબલ (WTC Points Table) જાહેર કર્યું છે, જેમાં ભારત પ્રથમ સ્થાને પહોંચી ગયું છે. પોઈન્ટ્સ ટેબલમાં જોઈ શકાય છે કે ભારત 64.58 પોઈન્ટ્સ પર્સન્ટેજ સાથે પ્રથમ સ્થાને છે, ત્યારબાદ 60.00 પોઈન્ટ્સ પર્સન્ટેજ સાથે ન્યુઝીલેન્ડ બીજા નંબરે છે.
જણાવી દઈએ કે, ન્યુઝીલેન્ડ સામે 172 રને પ્રથમ ટેસ્ટ મેચ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયા પોઈન્ટ્સ ટેબલમાં 59.09 પોઈન્ટ્સ પર્સન્ટેજ સાથે ત્રીજા સ્થાને છે.
IND vs ENG
ઉલ્લેખનીય છે કે, ભારત અને ઇંગ્લેન્ડ (IND vs ENG) વચ્ચે રમાઈ રહેલી 5 મેચોની ટેસ્ટ સિરીઝમાં ભારત 3-1 સાથે સિરીઝ પોતાના નામે કરી ચૂક્યું છે. ત્યારે જો ભારત 7 માર્ચે ધર્મશાલા ખાતે શરુ થનારી પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ જીતી જાય છે, તો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ્સ ટેબલમાં ભારતનું પ્રથમ સ્થાન 68.51 પોઈન્ટ્સ પર્સન્ટેજ સાથે વધુ મજબૂત થઇ જશે.
ત્યારબાદ જો ન્યુઝીલેન્ડ બીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને સિરીઝ 1-1થી બરાબર કરી દે, તો પણ ન્યુઝીલેન્ડ પોઈન્ટ્સ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી શકશે નહીં. પરંતુ જો ઇંગ્લેન્ડ ધર્મશાલા ખાતે રમાનારી પાંચમી ટેસ્ટ મેચમાં ભારતને હરાવી દે અને ન્યુઝીલેન્ડ બીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવી દે, તો ન્યુઝીલેન્ડ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ્સ ટેબલમાં ભારતનું ટોચનું સ્થાન છીનવી શકે છે. જણાવી દઈએ કે, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા (NZ vs AUS) વચ્ચે 8 માર્ચે એટલે કે શુક્રવારે ક્રાઈસ્ટચર્ચ ખાતે બીજી ટેસ્ટ ટેસ્ટ શરુ થશે.
હાલ ચાલી રહેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ સાયકલમાં ભારતે રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ કુલ 8 ટેસ્ટ મેચ રમી છે, જેમાંથી ભારતીય ટીમે 5 ટેસ્ટ મેચ જીતી છે, 2 હારી છે અને 1 ટેસ્ટ મેચ ડ્રોમાં પરિણમી હતી. ત્યારે હાલ ચાલી રહેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ સાયકલમાં ઓસ્ટ્રેલિયાએ સૌથી વધુ 11 ટેસ્ટ મેચ રમી છે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઇન્ટ સિસ્ટમ અનુસાર
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) પોઇન્ટ સિસ્ટમ અનુસાર, મેચ જીતવા બદલ 12 પોઈન્ટ્સ, ટાઈ માટે 6 પોઈન્ટ્સ અને ડ્રો માટે 4 પોઈન્ટ્સ આપવામાં આવે છે. પરંતુ ટીમોને પોઈન્ટ્સ ટેબલમાં પોઈન્ટ્સના પર્સન્ટેજને આધારે રેન્ક આપવામાં આવે છે. ત્યારે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ્સ ટેબલમાં ટોચના સ્થાને રહેનારી 2 ટીમો આવતા વર્ષે લોર્ડ્સમાં ફાઇનલ રમશે.