
Auto Tips : દેશમાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. દરરોજ સેંકડો લોકો માર્ગ અકસ્માતોને કારણે જીવ ગુમાવી રહ્યા છે, ખાસ કરીને દેશના રાજમાર્ગો પર અકસ્માતોના કિસ્સાઓ વધી રહ્યા છે. આને ધ્યાનમાં રાખીને, માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય એક વિશેષ માર્ગ સુરક્ષા પ્રણાલી પર કામ કરી રહ્યું છે જે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક સારવાર પૂરી પાડશે.
જાણકારી અનુસાર, તે એક પ્રકારની સુરક્ષા સિસ્ટમની જેમ કામ કરશે. જે હાઈવે પર કોઈ અકસ્માત સર્જાય તો તાત્કાલિક પોલીસ અને એમ્બ્યુલન્સ સેવાને જાણ કરશે. આ સિસ્ટમ એ સુનિશ્ચિત કરશે કે ઘટનાસ્થળે પહોંચતી એમ્બ્યુલન્સ ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (જીપીએસ)થી સજ્જ હશે જેથી ઘાયલોને વહેલી તકે નજીકની હોસ્પિટલમાં લઈ જઈ શકાય.
આ અંગે રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયના સચિવ ગિરધર અરમાનેએ મીડિયાને જણાવ્યું હતું કે, “જો પોલીસ, એમ્બ્યુલન્સ અને હોસ્પિટલો એક જ નેટવર્ક દ્વારા જોડાયેલા હશે તો માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક સારવાર મળી શકશે. આ સિસ્ટમ રાહત અને બચાવ કાર્યમાં પણ સંપૂર્ણ રીતે મદદ કરશે, “આ મામલે રોડ ટ્રાન્સપોર્ટ અને હેલ્થ મિનિસ્ટ્રી વચ્ચે વાતચીત ચાલી રહી છે, એવું કહેવામાં આવી રહ્યું છે કે સરકાર આ મામલે કેશલેસ ટ્રીટમેન્ટ આપવા પર પણ વિચાર કરી રહી છે.
તમને જણાવી દઈએ કે, મંત્રાલયે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (IIT) અને નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (NIT) જેવી એન્જિનિયરિંગ સંસ્થાઓ સાથે પણ જોડાણ કર્યું છે. જેથી રોડ અકસ્માતોને રોકવા માટે નવી યોજનાઓ પર કામ કરી શકાય. એવા પણ અહેવાલ છે કે વિશ્વ બેંકની મદદથી ‘ઇન્ટિગ્રેટેડ રોડ એક્સિડન્ટ પ્રોજેક્ટ’ માટે પણ કામ ચાલી રહ્યું છે.
