
“વાસ્તવિક જાગૃતિ ત્યારે જ આવે છે જ્યારે મનુષ્ય પ્રત્યેક પળે પરમાત્માની ઉપસ્થિતિનો અહેસાસ કરતાં આધ્યાત્મિકતાને પોતાના જીવનમાં ધારણ કરે છે.” આ પ્રેરણાદાયી ઉદગારો સદગુરૂ માતા સુદીક્ષાજી મહારાજે ૭૯મા વાર્ષિક નિરંકારી સંત સમાગમના પ્રથમ દિવસે આયોજિત ‘માનવતાના નામે સંદેશ’ કાર્યક્રમમાં વ્યક્ત કર્યા હતા.
તા.૨૩થી ૨૬ ઑક્ટોબર સુધી આયોજિત આ ચાર દિવસીય સંત સમાગમનો પ્રારંભ પરમ શ્રદ્ધેય સદગુરૂ માતા સુદીક્ષાજી મહારાજ અને નિરંકારી રાજપિતા રમિતજીની પાવન છત્રછાયામાં શ્રદ્ધા અને આધ્યાત્મિક ઉલ્લાસ સાથે થયો. આ પ્રસંગે દેશ-વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુ ભક્તો ઉપસ્થિત રહીને સદગુરૂના દિવ્યદર્શન તથા પાવન સંદેશોનો લાભ પ્રાપ્ત કરી રહ્યા છે. સંત સમાગમના પ્રથમ દિવસે ‘માનવતાના નામે સંદેશ’ કાર્યક્રમમાં સદગુરૂ માતા સુદીક્ષાજી મહારાજે ફરમાવ્યું કે દેશ-વિદેશમાંથી સંત-મહાપુરૂષો એકત્રિત થવાનો મૂળ ઉદ્દેશ માનવમનમાં આધ્યાત્મિક જાગૃતિને જાળવી રાખવાનો છે, જેથી જીવનની પ્રત્યેક પળને સંપૂર્ણ સભાનતા અને પરમાત્માના અહેસાસ સાથે જીવી શકાય.
સદગુરૂ માતાજી સમજાવ્યું કે દરેક વ્યક્તિએ પોતાના ઘર, પરિવાર, સમાજ અને દેશ પ્રત્યેની ફરજો તથા જવાબદારીઓનું નિષ્ઠાપૂર્વક પાલન કરતાં એક જાગૃત વૈશ્વિક નાગરિક બનવું જોઈએ. જાતિ-પાતિ, ભાષા, વિસ્તાર કે સ્વભાવના ભેદથી ઉપર ઊઠીને દરેક માનવીને પ્રેમ-સન્માન અને આત્મીયતાના ભાવથી સ્વીકારવો એ જ સાચી માનવતા છે. સદગુરૂ માતાજીએ વધુમાં ફરમાવ્યું કે વાસ્તવિક આધ્યાત્મિક જાગૃતિ માત્ર વિચારો કે દેખાડા પૂરતી મર્યાદિત હોતી નથી પરંતુ તે આપણા વ્યવહાર-આચરણ અને સામાજિક જવાબદારીઓમાં પણ પ્રગટ થવી જોઈએ. આ જાગૃતિ કોઈ એક ક્ષણ કે પ્રસંગ પૂરતી નથી પરંતુ જીવનભર જાળવી રાખવાનો ભાવ છે.પરિસ્થિતિઓ ગમે તેવી હોય પરમાત્માની રઝાને સ્વીકારીને પ્રત્યેક પળને તેમની કૃપાના પ્રસાદરૂપે પ્રસન્નતા-સંતોષ અને કૃતજ્ઞતા સાથે જીવવું એ જ સાચી આધ્યાત્મિકતા છે. સમાગમ સ્થળે સદગુરૂ માતા સુદીક્ષાજી મહારાજનું સ્વાગત સંત નિરંકારી મંડળના જનરલ સેક્રેટરી શ્રી સુખદેવસિંહજી દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરીને કરવામાં આવ્યું હતું, જ્યારે મંડળનાં અધ્યક્ષ શ્રીમતી રાજકુમારીજીએ પુષ્પહાર અર્પણ કરીને તેમનું અભિવાદન કર્યું હતું, એ જ રીતે નિરંકારી રાજપિતા રમિતજીનું અભિવાદન શ્રી એસ.એલ.ગર્ગે પુષ્પગુચ્છ અર્પણ કરીને તથા શ્રી એસ.એચ.ચાવલાએ પુષ્પહાર પહેરાવીને કર્યું હતું. ત્યારબાદ સદગુરૂ માતાજી અને નિરંકારી રાજપિતાજીને પુષ્પોથી સુશોભિત ખુલ્લી પાલખીમાં બિરાજમાન કરીને ભવ્ય શોભાયાત્રા સ્વરૂપે સમાગમના વિશાળ પંડાલની મધ્યમાંથી મુખ્ય મંચ
સુધી લઈ જવામાં આવ્યા હતા. આ પ્રસંગે નિરંકારી ઇન્સ્ટિટ્યૂટ ઑફ મ્યુઝિક એન્ડ આર્ટ્સના ૬૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ભરતનાટ્યમ અને મધુર સ્વાગતગીતની પ્રસ્તુતિ દ્વારા આ દિવ્ય યુગલનું ભાવપૂર્ણ અભિવાદન કર્યું હતું.
સદગુરૂ માતાજી અને નિરંકારી રાજપિતાજીના પાવન સાનિધ્યનો લાભ મેળવીને શ્રદ્ધાળુ ભક્તો ભાવવિભોર બની ગયા હતા. દિવ્ય યુગલે પોતાના સ્નેહસભર આશીર્વાદથી સૌને નિહાલ કર્યા હતા. સમગ્ર વાતાવરણ પ્રેમભક્તિ અને આધ્યાત્મિક આનંદથી છલકાઈ ઊઠ્યું હતું. વિવિધ સંસ્કૃતિઓ, જાતિઓ, ધર્મો અને ભાષાઓ સાથે જોડાયેલા શ્રદ્ધાળુઓ તમામ ભેદભાવોથી ઉપર ઊઠીને પ્રેમ અને માનવએકતાના તાંતણે બંધાયેલા જોવા મળ્યા. આ મનોહર દ્રશ્ય સદગુરૂના પ્રેમ- સદભાવ અને વિશ્વબંધુત્વના સંદેશને સાકાર કરતું હતું. ‘માનવતાના નામે સંદેશ’ કાર્યક્રમના પ્રારંભ પહેલાં સમાગમના પ્રથમ દિવસે એક વિશેષ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશભરમાંથી આવેલા મીડિયા કર્મીઓ અને પત્રકારોએ સહભાગી બનીને નિરંકારી સંત સમાગમના આયોજન, તેની આધ્યાત્મિક વિચારધારા, ઉદ્દેશો તથા જનકલ્યાણકારી સંદેશ અંગે વિસ્તૃત માહિતી પ્રાપ્ત કરી હતી.
નિઃસંદેહ ૭૯મા વાર્ષિક નિરંકારી સંત સમાગમનો આ પ્રથમ દિવસ આધ્યાત્મિક જાગૃતિ, માનવતા, સેવા અને વિશ્વબંધુત્વની ભાવનાને સમર્પિત રહ્યો. આ સમાગમે માનવજીવનમાં પરમાત્માના અહેસાસનું મહત્વ સમજાવીને પ્રેમ, સદ્ભાવના, આત્મીયતા અને aમાનવએકતાના માર્ગે આગળ વધવાનો પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો.
રીપોર્ટઃ
વિનોદભાઇ માછી નિરંકારી
નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ
૯૭૨૬૧૬૬૦૭૫(મો)




