
આદ્યશક્તિ જગદંબા વિના શિવની અભિવ્યક્તિ પણ શક્ય નથી..
આદિ જગતગુરૂ શંકરાચાર્ય અને મા ભગવતી ભવાનીનો દિવ્ય પ્રસંગ
ભારતીય સનાતન ધર્મનું દર્શન અત્યંત વ્યાપક, ગહન અને તત્ત્વજ્ઞાનથી સમૃદ્ધ છે. અહીં જ્ઞાનની સાથે ભક્તિ, બ્રહ્મની સાથે શક્તિ અને સાધનાની સાથે સમર્પણનો અદ્ભુત સમન્વય જોવા મળે છે. ભારતીય ઋષિ-મુનિઓએ પરમ તત્ત્વને નિર્ગુણ-નિરાકાર બ્રહ્મ તરીકે સ્વીકારવાની સાથે તેની સર્જનાત્મક અને ક્રિયાશીલ શક્તિને પણ દિવ્ય સ્વરૂપે આરાધી છે. શાક્ત દર્શનમાં ભગવતી આદ્યશક્તિને સમગ્ર સૃષ્ટિની મૂળ શક્તિ, જગતજનની અને સમસ્ત ચરાચર જગતની અધિષ્ઠાત્રી તરીકે સ્વીકારવામાં આવી છે. આ જ ગહન આધ્યાત્મિક તત્વને સમજાવતો જગદગુરૂ આદિ શંકરાચાર્યજી અને મા ભગવતી ભવાની સાથે જોડાયેલો એક ભાવસભર પ્રસંગ લોકપરંપરામાં પ્રચલિત છે. એક વખત આદિ શંકરાચાર્યજી દ્વારીકાધિશના દર્શન કરવા જઇ રહ્યા હતા,તેઓ અદ્વિતીય પ્રતિભા-અસાધારણ તર્કશક્તિ અને વેદ-વેદાંતના ગહન જ્ઞાનથી સમૃદ્ધ હતા, તેમણે સમગ્ર ભારતવર્ષમાં ધર્મપ્રચાર-શાસ્ત્રાર્થ અને અદ્વૈત વેદાંતની સ્થાપના માટે વ્યાપક પ્રવાસો કર્યા હતા. ગુજરાત પણ તે સમયથી શૈવ-શાક્ત અને વિવિધ દાર્શનિક પરંપરાઓના જ્ઞાનચિંતનનું મહત્વપૂર્ણ કેન્દ્ર રહ્યું છે.
એક વખત ગુજરાતના પ્રવાસ દરમિયાન આચાર્યજીનું સ્વાસ્થ્ય અચાનક બગડ્યું. શરીરમાં અત્યંત અશક્તિ આવી જતાં તેઓ એક વૃક્ષ નીચે આરામ કરવા બેઠા. ગરમી-થાક અને શારીરિક અસ્વસ્થતાને કારણે તેમને ખૂબ તરસ લાગી હતી, એ જ સમયે ત્યાંથી એક ગોવાળણ માથે દહીંનો મટકો લઈને પસાર થઈ રહી હતી. આચાર્યજીએ તેને જોઈને થોડું દહીં આપવા વિનંતી કરી. આચાર્યજીએ વિનમ્રતાથી કહ્યું કે..હે માતા ! મને થોડું દહીં આપશો? મારી શારીરિક સ્થિતિ એવી નથી કે હું ઊભો થઈને તમારી પાસે આવી શકું." ગોવાળણે તેમની સામે જોઈને કહ્યું કે "જો તમારે દહીં જોઈએ છે તો તમારે જાતે ઊભા થઈને મારી પાસે આવવું પડશે." આચાર્યજીએ પોતાની અશક્તિ વ્યક્ત કરતાં કહ્યું કે માતા ! અત્યારે મારા શરીરમાં એટલી પણ શક્તિ નથી કે હું ઊભો થઈને તમારી પાસે આવી શકું. ત્યારે ગોવાળણે અત્યંત સરળ છતાં ગહન તત્વજ્ઞાનથી ભરેલો પ્રશ્ન કર્યો કે "આચાર્યજી ! જ્યારે તમારી અંદર શક્તિ નથી ત્યારે તમે ઊભા પણ થઈ શકતા નથી અને ચાલી પણ શકતા નથી તો પછી આ જગતમાં શક્તિના મહત્વને કેવી રીતે નકારી શકાય? જે શક્તિના અભાવે મનુષ્ય એક ડગલું પણ ચાલી શકતો નથી તે શક્તિના અસ્તિત્વ અને મહત્વને સમજવું કેટલું જરૂરી છે !
ગોવાળણના આ શબ્દોએ આચાર્યજીના અંતરમાં ઊંડો વિચાર જગાવ્યો, તેઓ ક્ષણભર મૌન થઈ ગયા, તેમને સમજાયું કે શરીરની ગતિ,ઇન્દ્રિયોની કાર્યક્ષમતા,મનની વિચારશક્તિ અને બુદ્ધિની નિર્ણયશક્તિ પાછળ પણ પરમાત્માની દિવ્ય શક્તિનું જ સામર્થ્ય રહેલું છે. લોકપરંપરા મુજબ આચાર્યજીને તે ગોવાળણમાં જગદંબા ભગવતી ભવાનીનાં દિવ્ય દર્શન થયાં, તેમને અનુભવ થયો કે જગતજનની
આદ્યશક્તિ પોતે જ તેમને શક્તિના મહત્વનો બોધ કરાવવા પધાર્યાં છે.તેમનું મસ્તક શ્રદ્ધાથી ઝૂકી ગયું. જ્ઞાન સાથે રહેલો કોઈપણ અભિમાન હોય તો તે ભક્તિ અને સમર્પણમાં ઓગળી ગયો. માતૃશક્તિ પ્રત્યે તેમના હૃદયમાં અનન્ય શ્રદ્ધા અને શરણાગતિનો ભાવ પ્રગટ થયો. આ પ્રસંગનો આધ્યાત્મિક સાર આદિ શંકરાચાર્યજીના નામે પ્રચલિત ભવાન્યષ્ટકમની આ પંક્તિમાં સુંદર રીતે વ્યક્ત થાય છે..ગતિસ્ત્વં ગતિસ્ત્વં ત્વમેકા ભવાની.. હે મા ભવાની ! તમે જ મારી ગતિ છો,તમે જ મારૂં પરમ આશ્રયસ્થાન છો અને તમે જ
મારી એકમાત્ર શરણ છો.
શિવ અને શક્તિની અભિન્નતાનું તત્વજ્ઞાન..
સનાતન ધર્મના દર્શનમાં શિવ અને શક્તિને એકબીજાથી અલગ કે વિરોધી માનવામાં આવતાં નથી. બંને એક જ પરમતત્વનાં અભિન્ન સ્વરૂપો છે.શિવ પરમ ચૈતન્યનું પ્રતીક છે જ્યારે શક્તિ એ ચૈતન્યની અભિવ્યક્તિ-સર્જનાત્મકતા અને ક્રિયાશીલતાનું સ્વરૂપ છે.આ તત્વને આદિ શંકરાચાર્યજીના નામે પ્રચલિત સૌંદર્યલહરીના પ્રથમ શ્લોકમાં અત્યંત સુંદર રીતે સમજાવવામાં આવ્યું છે.ભગવાન શિવ શક્તિ સાથે જોડાયેલા હોય ત્યારે જ સૃષ્ટિની રચના અને અભિવ્યક્તિ માટે સક્ષમ બને છે.શક્તિ વિના તો તેઓ સ્પંદન કરવા પણ સમર્થ નથી તેથી બ્રહ્મા-વિષ્ણુ અને મહેશ જેવા દેવતાઓ પણ જે આદ્યશક્તિની આરાધના કરે છે તેવી જગદંબાની કૃપા પ્રાપ્ત કરવી એ મહાન પુણ્યનું ફળ છે. આ શ્લોકનો ગહન અર્થ એ છે કે શિવ અને શક્તિ બે અલગ તત્વો નથી. જેમ અગ્નિ અને તેની દાહક શક્તિ-સૂર્ય અને તેનો પ્રકાશ તથા ચંદ્ર અને તેની શીતળતા એકબીજાથી અભિન્ન છે તેમ શિવ અને શક્તિ પણ અવિભાજ્ય છે. અદ્વૈત વેદાંતના સિદ્ધાંત અનુસાર પરમ બ્રહ્મ એક જ છે.સૃષ્ટિમાં જે વિવિધતા,ચેતના,ગતિ અને કાર્યશક્તિ દેખાય છે તે પરમ તત્વની માયા કે શક્તિની અભિવ્યક્તિ તરીકે સમજવામાં આવે છે તેથી શક્તિની ઉપાસના પણ અંતે એ જ પરમ સત્યની ઉપાસના છે.આદિ શંકરાચાર્યજીના નામે પ્રચલિત ભવાન્યષ્ટકમ્ માતા ભવાની પ્રત્યેની અનન્ય ભક્તિ-નિઃશર્ત સમર્પણ અને શરણાગતિનો અત્યંત ભાવપૂર્ણ સ્તોત્ર છે.આ સ્તોત્રમાં સાધક પોતાના અહંકારનો ત્યાગ કરીને જગદંબાના ચરણોમાં સંપૂર્ણ સમર્પિત થઈ જાય છે.
હે મા ભવાની ! મારા માટે અંતિમ આશ્રય ન પિતા છે, ન માતા, ન ભાઈ-બંધુ, ન દાતા, ન પુત્ર, ન પુત્રી કે અન્ય કોઈ સાંસારિક સંબંધ. ન તો વિદ્યા કે આજીવિકા જ મારૂં અંતિમ લક્ષ્ય છે. હે જગદંબા ! તમે જ મારી ગતિ છો, તમે જ મારી એકમાત્ર શરણ છો. આ શ્લોકનો અર્થ એવો નથી કે મનુષ્યે પોતાના સાંસારિક સંબંધો અને કર્તવ્યોનો ત્યાગ કરી દેવો જોઈએ પરંતુ તેનો સાચો ભાવ એ છે કે દુનિયાના તમામ સંબંધો અને સાધનો નશ્વર તથા મર્યાદિત છે જ્યારે પરમાત્માનું શરણ શાશ્વત છે.જીવનમાં સુખ હોય કે દુઃખ, સફળતા હોય કે નિષ્ફળતા, સંકટ હોય કે સંઘર્ષ, દરેક પરિસ્થિતિમાં પરમ શક્તિ પ્રત્યેની શ્રદ્ધા અને સમર્પણ જ સાધકને આંતરિક બળ આપે છે.ભવાન્યષ્ટકમ્ આપણને શીખવે છે કે સાચી ભક્તિમાં અહંકારને સ્થાન નથી, જ્યારે મનુષ્ય પોતાના જ્ઞાન, સંપત્તિ, પદ અને પ્રતિષ્ઠાનો અહંકાર છોડીને પરમ શક્તિના ચરણોમાં સમર્પિત થાય છે ત્યારે તેના જીવનમાં આધ્યાત્મિક શાંતિ અને આત્મબળનો ઉદય થાય છે.
આ પ્રસંગ માત્ર એક પૌરાણિક કે લોકપ્રચલિત કથા નથી પરંતુ જીવનના ગહન તત્વને સમજાવતો આત્મચિંતનનો વિષય છે.
જ્ઞાન સાથે વિનમ્રતા જરૂરી છે..
મનુષ્ય ગમે તેટલો વિદ્વાન હોય પરંતુ જ્ઞાનનો સાચો હેતુ અહંકાર વધારવાનો નહીં પણ અજ્ઞાન અને અહંકારનો નાશ કરવાનો છે. શક્તિ વિના કોઈ કાર્ય શક્ય નથી..આપણું શરીર, મન, બુદ્ધિ અને ઇન્દ્રિયો જે કાર્ય કરે છે તેની પાછળ પરમ સત્તાનું સામર્થ્ય રહેલું છે તેથી પોતાની શક્તિનું અભિમાન કરવાને બદલે પરમ શક્તિ પ્રત્યે કૃતજ્ઞ રહેવું જોઈએ.
સ્ત્રીશક્તિનું સન્માન કરવું જોઈએ..ભારતીય સંસ્કૃતિમાં નારીને માતૃશક્તિનું સ્વરૂપ માનવામાં આવ્યું છે. જગદંબાની આરાધના ત્યારે જ સાર્થક બને છે, જ્યારે આપણે જીવનમાં દરેક નારીનું સન્માન કરીએ અને તેની ગરિમા જાળવીએ. ભક્તિ અને જ્ઞાનનો સમન્વય જરૂરી છે..માત્ર શાસ્ત્રોનું જ્ઞાન પ્રાપ્ત કરવું પૂરતું નથી, તે જ્ઞાન જ્યારે જીવનમાં વિનમ્રતા, કરૂણા, પ્રેમ, વિવેક અને સમર્પણ રૂપે પ્રગટે છે ત્યારે જ તેનું સાચું મૂલ્ય સમજાય છે. પરમ શક્તિ પ્રત્યે શરણાગતિ રાખવી જોઈએ..જીવનની દરેક પરિસ્થિતિમાં પરમાત્મા પ્રત્યે શ્રદ્ધા
રાખવી અને પોતાના કર્તવ્યનું નિષ્ઠાપૂર્વક પાલન કરવું એ જ સાચી આધ્યાત્મિકતા છે.
શક્તિની આરાધના એટલે પરમ તત્વની આરાધના..
આદિ ગુરૂ શંકરાચાર્યજી અને મા ભગવતી ભવાની સાથે જોડાયેલો આ લોકપ્રચલિત પ્રસંગ આપણને એક મહત્વપૂર્ણ સંદેશ આપે છે કે જ્ઞાન-બુદ્ધિ અને સામર્થ્ય ગમે તેટલાં વિશાળ હોય પરંતુ તેની પાછળ રહેલી પરમ શક્તિના મહત્વને ક્યારેય ભૂલવું જોઈએ નહીં. ભગવાન શિવની આરાધના હોય કે મા ભગવતીની ઉપાસના બંનેનો આધ્યાત્મિક ઉદ્દેશ એક જ પરમતત્વની અનુભૂતિ કરવાનો છે. શિવ અને શક્તિની અભિન્નતા સમજવાથી જ સનાતન ધર્મના ગહન તત્વજ્ઞાનનો સાચો પરિચય થાય છે. આપણે પણ જગતજનની મા ભવાનીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે તેઓ આપણા અંતરમાં રહેલા અજ્ઞાન, અહંકાર, આસક્તિ અને અવિવેકનો નાશ કરે, આપણા જીવનમાં જ્ઞાનની સાથે વિનમ્રતા, ભક્તિની સાથે સમર્પણ, શક્તિની સાથે સદબુદ્ધિ અને સફળતાની સાથે સેવાભાવ પ્રગટાવે કારણ કે સાચું જ્ઞાન એ નથી કે આપણે કેટલું જાણીએ છીએ પરંતુ સાચું જ્ઞાન તો એ છે કે આપણે જે જાણીએ છીએ તેના પ્રત્યે કેટલા વિનમ્ર અને સમર્પિત રહીએ છીએ.
આલેખનઃ
વિનોદભાઇ માછી નિરંકારી
નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ
૯૭૨૬૧૬૬૦૭૫(મો)




