
ભારતીય સંતપરંપરામાં અનેક એવા સંતો અને ભક્તો થઈ ગયા છે જેમણે પોતાની ભક્તિ,
નિષ્કપટ શ્રદ્ધા, પ્રેમ અને સમર્પણથી સમાજને આધ્યાત્મિક માર્ગદર્શન આપ્યું છે. ભક્તિ કોઈ જાતિ, ધર્મ, ધન, પદ, પ્રતિષ્ઠા કે વિદ્વત્તાની મર્યાદામાં બંધાયેલી નથી. ભગવાનને પ્રાપ્ત કરવાનો સાચો માર્ગ શુદ્ધ હૃદય-નિર્મળ ભાવના અને અહંકારરહિત પ્રેમ છે, આ જ ભક્તિભાવનું સુંદર ઉદાહરણ એટલે પરમ ભક્ત ધન્ના જાટ. ધન્ના ભગતનું જીવન આપણને શીખવે છે કે ભગવાનની પ્રાપ્તિ માટે માત્ર શાસ્ત્રોનું જ્ઞાન કે કર્મકાંડ જરૂરી નથી પરંતુ હૃદયમાં સાચી તલપ, પ્રેમ, વિશ્વાસ અને સમર્પણ હોય તો સામાન્ય જીવન જીવતો માણસ પણ અસામાન્ય આધ્યાત્મિક ઊંચાઈ પ્રાપ્ત કરી શકે છે.
ભક્ત ધન્ના જાટ પંદરમી સદીના રાજસ્થાનના ખેડૂત અને ભક્તકવિ તરીકે જાણીતા છે. પરંપરાગત માન્યતા અનુસાર તેમનો જન્મ આશરે ઈ.સ.૧૪૧૫માં રાજસ્થાનના ટોંક વિસ્તારના ધુઆં કે ધુઆં કલાં ગામમાં જાટ ખેડૂત પરિવારમાં થયો હોવાનું માનવામાં આવે છે. જોકે તેમના જન્મસ્થળ અને જન્મવર્ષ અંગે વિવિધ મત જોવા મળે છે. તેમના પિતા ખેતીકામ કરતા હતા. ધન્નાજી પણ બાળપણથી ખેતી- પશુપાલન અને ગાય-ભેંસો ચરાવવાના કામમાં જોડાયેલા હતા. તેઓ ઔપચારિક શિક્ષણથી વંચિત હતા પરંતુ તેમનું હૃદય અત્યંત સરળ-નિર્મળ અને શ્રદ્ધાથી ભરેલું હતું. તેઓ સંતો-મહાત્માઓ અને ભક્તોનો સત્કાર કરતા, પોતાની શક્તિ પ્રમાણે સેવા કરતા અને તેમની પાસેથી આધ્યાત્મિક વાતો સાંભળતા. આવા સત્સંગે તેમના અંતરમાં ભક્તિનું બીજ રોપ્યું, જે સમય જતાં પ્રેમ અને સમર્પણના વિશાળ વૃક્ષરૂપે વિકસ્યું.
સત્સંગથી જાગૃત થયેલી ભક્તિ..
એક લોકપ્રચલિત ભક્તિકથા અનુસાર ધન્નાજી નાની ઉંમરના હતા ત્યારે એક ભક્ત બ્રાહ્મણ તેમના ઘરે આવ્યા, તેમણે સ્નાનાદિ નિત્યકર્મ કર્યા, શાલિગ્રામજીની પૂજા કરી, તુલસી, ચંદન, ધૂપ અને ભોગ અર્પણ કરીને ભગવાનનું સ્મરણ કર્યું. બાળક ધન્ના આ બધી ક્રિયાઓ ખૂબ જ રસપૂર્વક નિહાળતા હતા, તેમના મનમાં પણ ભગવાન પ્રત્યે પ્રેમ જાગ્યો અને તેમણે વિચાર્યું કે મારી પાસે પણ ભગવાનની મૂર્તિ હોય તો હું પણ તેમની પૂજા કરૂં. તેમણે બ્રાહ્મણને વિનંતી કરી કે “મને પણ તમારા ભગવાન જેવી મૂર્તિ આપો જેથી હું પણ ભગવાનની સેવા અને પૂજા કરી શકું.” પ્રથમ તો બ્રાહ્મણે બાળકની વાતને ગંભીરતાથી લીધી નહીં પરંતુ ધન્નાજીની વારંવારની વિનંતીથી તેમણે એક પથ્થર આપ્યો અને કહ્યું કે “આને ભગવાન માનીને પૂજા કરજે અને ભગવાનને ભોગ ધરાવ્યા પછી જ ભોજન કરજે.”
ધન્નાજી માટે તો એ પથ્થર ભગવાનનું સ્વરૂપ બની ગયો, તેમાં તેમને કોઈ સામાન્ય પથ્થર દેખાતો નહોતો પરંતુ પોતાના આરાધ્ય પ્રભુ દેખાતા હતા. આ પ્રસંગ ભક્તિપરંપરામાં પ્રચલિત છે અને તેનો આધ્યાત્મિક સંદેશ એ છે કે ભક્તની શ્રદ્ધા-નિષ્કપટતા અને પ્રેમને વિશેષ મહત્વ છે.
ભોળા ભક્તની ભાવના અને ભગવાનનો ભોગ..
ધન્નાજીએ પથ્થરને ભગવાન માની તેની પૂજા કરી અને ભોજનનો ભોગ ધરાવ્યો. તેઓ ભગવાન ભોજન આરોગે તેની રાહ જોતા રહ્યા. લોકકથા મુજબ ભગવાન ભોગ સ્વીકારતા નથી એવું લાગતાં ધન્નાજી પોતે પણ ભોજન કરતા નહોતા. તેમની અડગ શ્રદ્ધા અને નિષ્કપટ પ્રેમનું વર્ણન કથામાં કરવામાં આવે છે. આખરે ભગવાને ભક્તની ભાવનાનો સ્વીકાર કર્યો અને ધન્નાજીને દર્શન આપ્યા એવી કથા પ્રચલિત છે. આ કથાનો અર્થ એવો નથી કે ભગવાનને ભોજનની જરૂર છે પરંતુ ભક્તના પ્રેમની ભગવાનને તૃપ્તિ છે. ભગવાનને ધરાવેલી વસ્તુ કરતાં તે ધરાવનારની ભાવના મહત્વની છે. ભગવદ્ગીતાઃ૯/૨૬માં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે.. જે ભક્ત પ્રેમ અને ભક્તિથી પત્ર,પુષ્પ,ફળ કે જળ અર્પણ કરે છે તે શુદ્ધ ભાવથી અર્પિત વસ્તુનો ભગવાન સ્વીકાર કરે છે. આ શ્લોક ધન્નાજીની કથાનો
આધ્યાત્મિક ભાવ સમજાવે છે કે ભક્તિમાં વસ્તુની કિંમત નહીં પરંતુ હૃદયની નિર્મળતા મહત્ત્વ ધરાવે છે.
સત્સંગનું મહાત્મ્ય..
સત્સંગ માનવજીવનમાં પરિવર્તન લાવવાનું શક્તિશાળી સાધન છે. સારા વિચારો, સંતોની વાણી, ભગવાનનું સ્મરણ અને આધ્યાત્મિક જ્ઞાન મનુષ્યના જીવનને સાચી દિશા આપે છે. ધન્નાજીના જીવનમાં પણ સંતસંગ અને ભક્તોના સંપર્કથી શ્રદ્ધાનો વિકાસ થયો હોવાનું ભક્તિપરંપરા જણાવે છે. શ્રીમદ્ભાગવતમાં ભગવાન શ્રીકૃષ્ણ સત્સંગની મહત્તા સમજાવે છે કે સાધુસંગ અને ભક્તોની સંગતિ દ્વારા
ભગવાન પ્રત્યે પ્રેમ જાગે છે. સત્સંગ મનુષ્યના મનમાંથી અહંકાર, મોહ, સ્વાર્થ અને અજ્ઞાન દૂર કરવામાં મદદ કરે છે. ધન્નાજીનું જીવન આપણને સમજાવે છે કે જો મનુષ્ય સંતોના સદ્વિચારોને જીવનમાં ઉતારે તો તેનું સામાન્ય જીવન પણ આધ્યાત્મિક સાધના બની શકે છે.
ધન્નાજીનું જીવન માત્ર મૂર્તિપૂજા કે ચમત્કારની કથા પૂરતું નથી, તેમની ભક્તિમાંથી મળતો ઊંડો સંદેશ એ છે કે મનુષ્યે ભગવાન પ્રત્યેનો પ્રેમ પોતાના જીવનમાં જીવંત રાખવો જોઈએ. ભગવદ્ગીતા અધ્યાયઃ૧૨માં ભક્તિના ગુણો સમજાવતાં ભગવાન શ્રીકૃષ્ણ અદ્વેષ્ટા, મૈત્રીભાવ, કરૂણા, અહંકારનો અભાવ, ક્ષમા અને સંતોષ જેવા ગુણો ધરાવનાર ભક્તને પોતાને પ્રિય ગણાવે છે. સાચો ભક્ત માત્ર મંદિરમાં જ ભગવાનને શોધતો નથી પરંતુ દરેક જીવમાં ભગવાનની હાજરીનો અનુભવ કરીને પ્રેમ, દયા, સેવા અને સહિષ્ણુતાથી જીવન જીવવાનો પ્રયત્ન કરે છે.આથી ધન્નાજીની ભક્તિ આપણને શીખવે છે કે ભક્તિ સાથે માનવતા-નમ્રતા અને સદાચાર જોડાયેલા હોવા જોઈએ. ભગવાન પ્રત્યેનો પ્રેમ જો માનવપ્રેમમાં પ્રગટ થતો નથી તો ભક્તિની પૂર્ણતા અધૂરી રહી જાય છે.
ગુરૂ રામાનંદજી સાથેનો સંબંધ..
ભક્તિપરંપરામાં ધન્નાજીને સંત રામાનંદ સ્વામીના શિષ્ય તરીકે યાદ કરવામાં આવે છે. સંત રામાનંદજીની ભક્તિધારા સર્વજન માટે ખુલ્લી હતી, તેમના ઉપદેશોમાં ભગવાન પ્રત્યે પ્રેમ-નામસ્મરણ, સમાનતા અને ભક્તિના અધિકારને વિશેષ સ્થાન મળતું હતું. પરંપરાગત કથાઓ અનુસાર ધન્નાજી ગુરૂના માર્ગદર્શનથી ભક્તિમાર્ગમાં આગળ વધ્યા અને ભગવાનના સ્મરણમાં પોતાનું જીવન સમર્પિત કર્યું. જોકે તેમના ગુરૂસંબંધ અંગે ઐતિહાસિક સંશોધનમાં વિવિધ મતો જોવા મળે છે તેથી આ બાબતને સંતપરંપરાની માન્યતા તરીકે સમજવી યોગ્ય છે.
શ્રી ગુરૂગ્રંથ સાહિબમાં ભક્ત ધન્નાજીની વાણી..
ભક્ત ધન્નાજીનું મહત્વ માત્ર લોકપ્રચલિત કથાઓમાં જ નથી પરંતુ તેમની ભક્તિવાણીના કારણે પણ છે, તેમની વાણી શ્રી ગુરૂગ્રંથ સાહિબમાં સ્થાન પામી છે,તેમાં માનવજીવનની ભૌતિક લાલસાઓ, મોહ, કામના અને ભગવાનને ભૂલી જવાની સ્થિતિનું ચિંતન જોવા મળે છે. તેમની વાણીનો ભાવ આપણને સમજાવે છે કે મનુષ્ય જન્મો સુધી ભટકતો રહે, ધન અને વિષયસુખ પાછળ દોડતો રહે પરંતુ જો તેના હૃદયમાં પરમાત્માનું સ્મરણ ન હોય તો સાચી શાંતિ પ્રાપ્ત થતી નથી. ધન્નાજીની ભક્તિવાણીમાં ભગવાન પાસે જીવનની જરૂરિયાતો માટે સરળતાથી પ્રાર્થના કરવાનો ભાવ પણ જોવા મળે છે, તેઓ ખેડૂત હતા એટલે તેમની ભક્તિમાં જીવનની વાસ્તવિક જરૂરિયાતો-રોજિંદી મહેનત અને પ્રભુ પ્રત્યેનો વિશ્વાસ જોડાયેલો છે. તેમની વાણીમાં એક એવો સંદેશ છે કે મનુષ્યે પોતાના જીવનમાં ભગવાનને સર્વોપરી રાખવા જોઈએ અને દુનિયાના મોહમાં એટલો ખોવાઈ ન જવું જોઈએ કે પોતાના સાચા સ્વરૂપને ભૂલી જાય.
ધન્ના ભગતના જીવનમાંથી આપણે અનેક મહત્વપૂર્ણ બોધપાઠ મળે છે.
નિષ્કપટ શ્રદ્ધા..ભગવાન પ્રત્યેનો પ્રેમ કોઈ દેખાડો કે સ્વાર્થ વગર હોવો જોઈએ, સત્સંગનું મહત્વ..સારા સંતો-ભક્તો અને સદ્વિચારોની સંગતિ જીવનને સાચી દિશા આપે છે, જાતિ અને ઊંચ-નીચથી પર ભક્તિ..પરમાત્માની પ્રાપ્તિ દરેક મનુષ્ય માટે સમાન રીતે ખુલ્લી છે, સરળ જીવન અને ઉચ્ચ વિચારો..ભૌતિક સુખસગવડો કરતાં મનની શાંતિ અને ભગવાનનું સ્મરણ વધારે મહત્વનું છે.
શ્રદ્ધા સાથે કર્મ..પોતાની ફરજો નિભાવતાં ભગવાન પર વિશ્વાસ રાખવો એ પણ ભક્તિનો માર્ગ છે, અહંકારનો ત્યાગ..સાચી ભક્તિ માણસને નમ્ર-સેવાભાવી અને પ્રેમાળ બનાવે છે.
ભક્ત ધન્નાજીની સ્મૃતિ અને લોકઆસ્થા..
રાજસ્થાનના ટોંક વિસ્તાર સાથે ભક્ત ધન્નાજીની સ્મૃતિ જોડાયેલી છે, તેમની સાથે સંકળાયેલા સ્થળોએ મંદિરો અને ગુરૂદ્વારા હોવાની પરંપરા તેમના પ્રત્યે હિંદુ અને શીખ ભક્તોમાં રહેલી શ્રદ્ધાનું પ્રતીક છે. તેમની ભક્તિવાણી શ્રી ગુરૂગ્રંથ સાહિબમાં સમાવિષ્ટ હોવાથી શીખ પરંપરામાં પણ તેમને વિશેષ સન્માન આપવામાં આવે છે.તેમનું જીવન કોઈ અલગ પંથ સ્થાપવા કે પ્રતિષ્ઠા મેળવવા માટે નહોતું.
તેમની ઓળખ તો ભગવાન પ્રત્યેની સરળ ભક્તિ-પ્રેમ અને સમર્પણમાં હતી.
ભક્ત ધન્ના જાટનું જીવન ભક્તિના માર્ગે ચાલતા દરેક મનુષ્ય માટે પ્રેરણાદાયક છે. તેઓ આપણને સમજાવે છે કે ભગવાન સુધી પહોંચવા માટે મનુષ્ય પાસે મોટું ધન, ઊંચું પદ, વિદ્વત્તા કે બાહ્ય દેખાવ હોવો જરૂરી નથી,જરૂરી છે તો માત્ર નિર્મળ હૃદય-સાચી શ્રદ્ધા-પ્રેમ અને સમર્પણ. ભગવાન કોઈ એક જાતિ-વર્ગ કે સમાજના નથી,તેઓ દરેકના છે.જે હૃદયમાં પ્રેમ, દયા, નમ્રતા અને પરમાત્મા માટેની સાચી તલપ ધરાવે છે તે ભગવાનની ભક્તિનો અધિકારી છે. ધન્નાજીનું જીવન આપણને પ્રેરણા આપે છે કે આપણે પણ પોતાના રોજિંદા જીવનમાં પ્રભુનું સ્મરણ કરીએ, સત્સંગનો લાભ લઈએ, માનવતાની સેવા કરીએ, દરેક જીવમાં પરમાત્માની ઝલક નિહાળીએ અને નિષ્કપટ ભાવથી ભક્તિ કરીએ. જ્યાં નિર્મળ પ્રેમ છે ત્યાં ભક્તિ છે,જ્યાં સાચી ભક્તિ છે ત્યાં પ્રભુની કૃપાનો અનુભવ છે.
આલેખનઃ
વિનોદભાઇ માછી નિરંકારી
નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ
૯૭૨૬૧૬૬૦૭૫(મો)




