
ભગવાન શ્રી ગણેશના આઠ અવતારોની ધાર્મિક અને આધ્યાત્મિક પૃષ્ઠભૂમિ
સનાતન ધર્મમાં ભગવાન શ્રી ગણેશજીને સર્વપ્રથમ પૂજનીય,વિઘ્નહર્તા,બુદ્ધિદાતા અને મંગલમૂર્તિ તરીકે સ્થાન પ્રાપ્ત છે.મોટાભાગે સંસાર ભગવાન ગણેશજીના બાળરૂપ,એકદંત સ્વરૂપ અથવા ગજાનન રૂપની જ પૂજા-અર્ચના કરે છે પરંતુ પૌરાણિક સાહિત્યમાં વિશેષ કરીને મુદ્ગલ પુરાણ અને ગણેશ પુરાણમાં ભગવાન શ્રી ગણેશના વિવિધ યુગોમાં થયેલા મુખ્ય આઠ અવતારોનું અત્યંત ગંભીર અને શાસ્ત્રોક્ત વર્ણન પ્રાપ્ત થાય છે.
શાસ્ત્રો અનુસાર આ આઠ અવતારો માત્ર પૌરાણિક કથાના પાત્રો નથી પરંતુ માનવ મન તથા આ સંસારમાં વ્યાપેલી આઠ મુખ્ય આસુરી વૃત્તિઓ મત્સર,મદ,મોહ,લોભ,ક્રોધ,કામ,મમતા અને અહંકારનો નાશ કરી માનવજાતને મુક્તિ અને સાચી સદ્બુદ્ધિનો માર્ગ બતાવવા માટે પ્રગટ થયા હતા.
(૧) વક્રતુંડ અવતાર: મત્સરાસુરનો સંહાર,દિવ્ય સ્વરૂપ: વાંકી સૂંઢ ધરાવતું બ્રહ્મ સ્વરૂપ,દિવ્ય વાહન: સિંહ, સંહારિત અસુર: મત્સરાસુર-ઈર્ષ્યા અને દ્વેષનો દાનવ.બીજાની પ્રગતિ જોઈને થતી ઈર્ષ્યાનો નાશ.. મુદ્ગલ પુરાણ અનુસાર એક સમયે દૈત્યરાજ શુક્રાચાર્યની તપસ્યાથી પ્રસન્ન થઈને તેમને સમસ્ત લોક પર વિજય પ્રાપ્ત કરવાનું વરદાન મળ્યું.આ વરદાનના પ્રભાવથી તેમની અંદર રહેલી ઈર્ષ્યા ભાવનામાંથી મત્સરાસુર નામના મહાબલી રાક્ષસનો જન્મ થયો.મત્સરાસુરે ત્રણેય લોક પર કબજો કરી લીધો અને દેવતાઓ,ઋષિમુનિઓ તથા સજ્જનોને પીડિત કરવા લાગ્યો. દ્વેષ અને ઈર્ષ્યાના અગ્નિમાં બળતા સૃષ્ટિના જીવોનું રક્ષણ કરવા દેવોએ ભગવાન ગણપતિની કઠોર આરાધના કરી ત્યારે ભગવાન શ્રી ગણેશ વક્રતુંડ (વાંકી સૂંઢવાળા) રૂપે સિંહ પર વિરાજમાન થઈને પ્રગટ થયા.ભગવાન વક્રતુંડે પોતાની પ્રચંડ શક્તિ વડે મત્સરાસુરનો પરાજય કર્યો.મત્સરાસુરે પોતાના ગર્વનો ત્યાગ કરી ભગવાનના શરણે સ્વીકાર કર્યો.ભગવાન વક્રતુંડ સગુણ બ્રહ્મના પ્રતીક છે.આ અવતાર આપણને શીખવે છે કે બીજાની ઉન્નતિ જોઈને બળતરા-ઈર્ષ્યા કરવાની વૃત્તિ જ મત્સરાસુર છે,જેને કેવળ ભગવાન વક્રતુંડની સદબુદ્ધિ જ નષ્ટ કરી શકે છે.
(ર) એકદંત અવતાર: મદાસુરનો નાશ, દિવ્ય સ્વરૂપ: એક દંત-દાંત ધારણ કરેલું દિવ્ય સ્વરૂપ, દિવ્ય વાહન:મૂષક-ઉંદર, સંહારિત અસુર: મદાસુર-અહંકાર,મદ અને ઝૂનૂનનો દાનવ. જ્યારે મહર્ષિ ચ્યવન અને આસુરી વૃત્તિઓના સંયોજનથી મદાસુર નામના અસુરનો જન્મ થયો ત્યારે તેણે શુક્રાચાર્ય પાસે દીક્ષા લઈને તપસ્યા કરી અને સંપૂર્ણ બ્રહ્માંડ પર પોતાનું રાજ્ય સ્થાપિત કરી લીધું.મદાસુર એટલે કે પોતાનું ધન,રૂપ,બળ અને સત્તાનું અહંકારી ઝૂનૂન.મદાસુરના અત્યાચારથી સૃષ્ટિમાં ધર્મનો નાશ થવા લાગ્યો. આ સમયે દેવોની પ્રાર્થનાથી પ્રસન્ન થઈને પરબ્રહ્મ ગણેશજીએ એકદંત અવતાર ધારણ કર્યો.એકદંત ભગવાન મૂષક પર સવાર થઈ દિવ્ય પરશુ અને પાશ સાથે યુદ્ધભૂમિમાં આવ્યા. એકદંતના તેજસ્વી સ્વરૂપને જોઈને જ મદાસુરનો અહંકાર ક્ષીણ થઈ ગયો અને તેણે ભગવાનના ચરણોમાં શરણાગતિ સ્વીકારી લીધી.એકદંત અવતાર આત્મ-તત્વનું પ્રતીક છે,જે સાધકના હૃદયમાંથી
મિથ્યા ગર્વ અને અહંકાર-મદનો નાશ કરીને વિનમ્રતા બક્ષે છે.
(૩) મહોદર અવતાર: મોહાસુરનો પરાજય,દિવ્ય સ્વરૂપ: વિશાળ અને મોટું પેટ ધરાવતું સ્વરૂપ, દિવ્ય વાહન: મૂષક-ઉંદર.સંહારિત અસુર: મોહાસુર-અજ્ઞાન અને માયાના મોહનો અસુર. ભગવાન શિવે જ્યારે જલંધર નામના રાક્ષસનો વધ કર્યો ત્યારે તેના વિનાશ પછી અજ્ઞાન અને અંધકારમાંથી મોહાસુર નામના દાનવનો જન્મ થયો.મોહાસુરે શુક્રાચાર્યની આજ્ઞાથી સૂર્યદેવની ઉપાસના કરી અને સમસ્ત ત્રિલોક પર અજ્ઞાન તથા અંધકારનું સામ્રાજ્ય સ્થાપિત કર્યું.મોહાસુરના કારણે જીવો સત્ય અને અસત્ય વચ્ચેનો ભેદ ભૂલી ગયા અને સંસારના ભૌતિક ભોગ-વિલાસના મોહમાં અંધ બની ગયા. સંસારને મોહના બંધનમાંથી મુક્ત કરવા ભગવાન ગણેશ મહોદર અવતારમાં પ્રગટ થયા.મહોદરનો અર્થ થાય છે-જેમનું પેટ અત્યંત વિશાળ છે અને જેમાં આખું બ્રહ્માંડ સમાયેલું છે.જ્યારે મહોદર પ્રગટ થયા ત્યારે મોહાસુરે તેમના વિરાટ સ્વરૂપના દર્શન કરી યુદ્ધ કર્યા વિના જ શરણાગતિ સ્વીકારી લીધી.આ અવતાર દર્શાવે છે કે જ્ઞાનરૂપી મહોદર જ જીવને સંસારના મોહ અને ભ્રમમાંથી મુક્તિ અપાવી શકે છે.
(૪) ગજાનન અવતાર: લોભાસુરનો અંત,દિવ્ય સ્વરૂપ: હાથીનું મુખ ધરાવતું મંગલકારી સ્વરૂપ, દિવ્ય વાહન: મૂષક-ઉંદર.સંહારિત અસુર: લોભાસુર-અતિશય લોભ અને તૃષ્ણાનો રાક્ષસ. ભગવાન કુબેરના મનમાં જ્યારે ધન અને સમૃદ્ધિનું અભિમાન જાગ્યું ત્યારે તેમના તેજમાંથી લોભાસુર નામના રાક્ષસનો જન્મ થયો.લોભાસુરે શુક્રાચાર્યના આદેશથી ભગવાન શિવની તપસ્યા કરી અભયતાનું વરદાન પ્રાપ્ત કર્યું અને સ્વર્ગ સહિત ત્રણેય લોક પર પોતાનો અધિકાર જમાવી લીધો.સંસારમાં રહેલા જીવોમાં અસીમ તૃષ્ણા અને ધનની ભૂખ વધવા લાગી જેના કારણે પાપ-કર્મો વધ્યા. લોભાસુરનો વિનાશ કરવા ભગવાન ગણેશજીએ ગજાનન સ્વરૂપ ધારણ કર્યું.ગજ એટલે કે હાથી,જે અગાધ બુદ્ધિ અને ગંભીરતાનું પ્રતીક છે.ગજાનન સ્વરૂપે પોતાની અગાધ વિવેકબુદ્ધિથી લોભાસુરનો સદંતર પરાજય કર્યો અને તેને પાતાળમાં મોકલી દીધો.ગજાનન અવતાર માનવ મનને સંતોષ,ઉદારતા અને સન્માર્ગ તરફ વાળવાની પ્રેરણા આપે છે.
(૫) લંબોદર અવતાર: ક્રોધાસુરનો સંહાર,દિવ્ય સ્વરૂપ: બ્રહ્માંડને પોતાના ઉદરમાં સમાવી શકે તેવું સ્વરૂપ,દિવ્ય વાહન: મૂષક-ઉંદર. સંહારિત અસુર: ક્રોધાસુર-અનિયંત્રિત ક્રોધ અને ગુસ્સાનો અસુર. સમુદ્રમંથન સમયે જ્યારે ભગવાન વિષ્ણુએ મોહિની સ્વરૂપ ધારણ કર્યું હતું ત્યારે ભગવાન શિવનું તેજ સ્ખલિત થતાં તેમાંથી ક્રોધાસુર નામના પ્રચંડ અસુરનો ઉત્સર્જન થયો.ક્રોધાસુરે સૂર્યદેવની ઘોર તપસ્યા કરીને સમગ્ર સૃષ્ટિને પોતાના ક્રોધની જ્વાળાઓમાં હોમી દીધી.ક્રોધના કારણે દેવો,ઋષિઓ અને જીવો વચ્ચે પરસ્પર હિંસા અને અશાંતિ વ્યાપી ગઈ ત્યારે ભગવાન ગણપતિએ લંબોદર અવતાર ધારણ કર્યો.લંબોદર એટલે કે જેઓ સંસારની તમામ નિંદા,કલેશ અને ક્રોધને પોતાના ઉદરમાં પચાવી શકે છે. લંબોદર ભગવાને પોતાના શાંત અને પ્રચંડ પ્રભાવ વડે ક્રોધાસુરને યુદ્ધમાં પરાજિત કર્યો.ક્રોધાસુરે શાંત થઈને ગણેશજીના ચરણ પકડ્યા.આ અવતાર આપણને શીખવે છે કે ક્રોધ એ માનવ બુદ્ધિનો સૌથી મોટો શત્રુ છે અને ધૈર્ય તથા ક્ષમારૂપી લંબોદર તત્વથી જ ક્રોધ પર વિજય મેળવી શકાય છે.
(૬) વિકટ અવતાર: કામસુરનો પરાજય,દિવ્ય સ્વરૂપ: વિકરાળ, અત્યંત તેજસ્વી અને દિવ્ય સ્વરૂપ, દિવ્ય વાહન: મયૂર-મોર.સંહારિત અસુર: કામસુર-અનિયંત્રિત કામના,વાસના અને ઈચ્છાઓનો દાનવ. ભગવાન વિષ્ણુની યોગમાયાના પ્રભાવથી પૃથ્વી પર કામસુર કામના અને વાસનાનો રાક્ષસ ઉત્પન્ન થયો.કામસુરે શુક્રાચાર્યના આશીર્વાદથી સમગ્ર બ્રહ્માંડ પર વાસના અને અશુદ્ધ કામનાઓનો પ્રભાવ ફેલાવી દીધો.સંસારના તમામ જીવો પોતાના આત્મ-કલ્યાણને ભૂલીને કેવળ કામભોગ અને શારીરિક સુખોના દાસ બની ગયા. આ અધર્મમાંથી જગતને ઉગારવા ભગવાન ગણેશજીએ વિકટ સ્વરૂપ ધારણ કર્યું.આ અવતારમાં ભગવાન ગણેશજી સુંદર મયૂર-મોર પર સવાર થઈને આવ્યા હતા,તેમણે પોતાના શક્તિશાળી શસ્ત્રો વડે કામસુર અને તેની સેનાનો સંહાર કર્યો.વિકટ અવતાર મનુષ્યના ચિત્તમાંથી અશુદ્ધ કામનાઓનો નાશ કરી પવિત્રતા,બ્રહ્મચર્ય અને સંયમ પ્રદાન કરે છે.
(૭) વિઘ્નરાજ અવતાર: મમાસુર/મમતાસુરનો નાશ,દિવ્ય સ્વરૂપ: તમામ વિઘ્નોના સર્વોચ્ચ સ્વામી. દિવ્ય વાહન: શેષનાગ..સંહારિત અસુર: મમાસુર અથવા મમતાસુર-અત્યાધિક આસક્તિ અને મારૂં- તારૂં ની ક્ષુદ્ર મમતા. જ્યારે માતા પાર્વતીજીની સખીઓના હાસ્યમાંથી મમાસુર મમતા અને આસક્તિનો દાનવ ઉત્પન્ન થયો ત્યારે તેણે શિવજીની આરાધના કરીને સર્વશક્તિમાન બનવાનું વરદાન મેળવ્યું.મમાસુરે સંસારમાં વ્યામોહ અને મારૂં-તારૂં ની ક્ષુદ્ર મમતા ફેલાવી દીધી.માનવીઓ પુત્ર,સ્ત્રી,ધન અને ભૌતિક સંપત્તિની મમતામાં એવા અંધ બની ગયા કે તેઓ ભગવાન અને ધર્મને વિસરી ગયા ત્યારે સર્વ દેવોની પ્રાર્થના પર ભગવાન ગણેશ વિઘ્નરાજ વિઘ્નેશ અવતારમાં પ્રગટ થયા.આ અવતારમાં તેમનું વાહન પ્રચંડ સર્પ શેષનાગ હતું.ભગવાન વિઘ્નરાજે મમાસુરને યુદ્ધમાં અસહાય કરી દીધો અને તેને આસક્તિનો ત્યાગ કરવા મજબૂર કર્યો.આ અવતાર ભક્તના જીવનમાંથી ભૌતિક અને આધ્યાત્મિક તમામ વિઘ્નો દૂર કરી મુક્તિનો માર્ગ પ્રશસ્ત કરે છે.
(૮) ધૂમ્રવર્ણ અવતાર: અહંકારાસુરનો સંહાર,દિવ્ય સ્વરૂપ: ધુમાડા જેવા ધૂસર (ગ્રે) વર્ણવાળું સ્વરૂપ, દિવ્ય વાહન: નીલો અશ્વ, સંહારિત અસુર: અહંકારાસુર / અભિમાનાસુર-ગર્વ અને દંભનો દાનવ. એકવાર મહર્ષિ સૂર્યના શ્વાસોચ્છવાસમાંથી અહંકારાસુર દંભ અને મિથ્યા અભિમાનનો રાક્ષસ ઉત્પન્ન થયો,તેણે શુક્રાચાર્ય પાસેથી આસુરી દીક્ષા લઈ બ્રહ્માંડમાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કર્યું.અહંકારાસુરે દેવોના યજ્ઞ-યજ્ઞાદિ બંધ કરાવી દીધા અને સ્વયંની પૂજા કરવાનો આદેશ આપ્યો.સૃષ્ટિમાંથી ધર્મ અને ભક્તિનો નાશ થતાં જ ભગવાન ગણેશ ધૂમ્રવર્ણ ધુમાડા જેવા રંગવાળા સ્વરૂપે નીલા રંગના તેજસ્વી ઘોડા પર સવાર થઈને પ્રગટ થયા.ધૂમ્રવર્ણ ભગવાને પોતાના મુખમાંથી પ્રચંડ અગ્નિ અને ધુમાડો ઉત્પન્ન કરી અહંકારાસુરની આસુરી સેનાનો સંહાર કર્યો.અહંકારાસુરે પોતાના અહંકારનો ત્યાગ કરી ભગવાનના ચરણોમાં ક્ષમા માગી.વિશેષ કરીને કલિયુગમાં વ્યાપ્ત મિથ્યા આડંબર અને ગર્વનો નાશ કરવા માટે ધૂમ્રવર્ણ અવતારની પૂજા અત્યંત શ્રેષ્ઠ માનવામાં આવે છે.
અષ્ટ અવતારોનો આધ્યાત્મિક અને વ્યવહારિક ઉપસંહાર..
મુદ્ગલ પુરાણમાંથી લીધેલ આ લેખ આપણને એ ગહન આધ્યાત્મિક સત્ય તરફ દોરી જાય છે કે ભગવાન શ્રી ગણેશ માત્ર વિઘ્નો દૂર કરનારા દેવ નથી પરંતુ તે મનુષ્યના અંતઃકરણના દોષોને દૂર કરનારા પરમ ચૈતન્ય સ્વરૂપ છે. માનવ મનમાં રોજેરોજ આ આઠ આસુરી રાક્ષસો ઈર્ષ્યા,મદ,મોહ,લોભ, ક્રોધ,કામ,મમતા અને અહંકાર જન્મ લે છે જે મનુષ્યની શાંતિ,સુખ અને બુદ્ધિનો નાશ કરે છે.જ્યારે સાધક
ભગવાન શ્રી ગણેશના આ અષ્ટ અવતારોનું નિત્ય સ્મરણ અને ધ્યાનાભ્યાસ કરે છે ત્યારે ગણપતિજી તેની અંદર રહેલા આઠેય આસુરી દોષોનો સંહાર કરી ચિત્તમાં સદબુદ્ધિ,પવિત્રતા,સંતોષ અને પરમ શાંતિની સ્થાપના કરે છે.આથી જ ગણેશ પૂજન એ કેવળ બાહ્ય વિધિ-વિધાન નથી પરંતુ આંતરિક દોષોથી મુક્ત થઈને પરબ્રહ્મમાં લીન થવાની પવિત્ર આધ્યાત્મિક યાત્રા છે.
આલેખન:
વિનોદભાઇ માછી નિરંકારી
નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ
૯૭૨૬૧૬૬૦૭૫(મો)




