
હવે નવા સાહસો અને હાઈ-રિસ્ક પ્રોજેક્ટ્સ પર કરશે કામ.દિપિન્દર ગોયલે છોડ્યું Eternal નું CEO પદ.હવે અલ્બિન્દર ઢિંડસા સંભાળશે ઈટર્નલની કમાન.ઝોમેટો અને બ્લિન્કિટની પેરેન્ટ કંપની ઈટર્નલ (Eternal) માંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. કંપનીના સ્થાપક અને સીઈઓ દિપિન્દર ગોયલે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. હવે તેઓ વાઇસ ચેરમેનની ભૂમિકા સંભાળશે. આગામી ૧ ફેબ્રુઆરીથી બ્લિન્કિટના સ્થાપક અલ્બિન્દર ઢિંડસા આ જવાબદારી સંભાળશે.
દિપિન્દર ગોયલે તેમનું પદ છોડવા પાછળનું મુખ્ય કારણ તેમના નવા અને સાહસિક વિઝનને ગણાવ્યું છે. તેમણે શેરધારકોને પત્ર લખીને બહુ જ સ્પષ્ટતાથી સમજાવ્યું છે કે, હાલમાં તેમનું મન એવા પ્રોજેક્ટ્સ અને વિચારોમાં પરોવાયેલું છે જેમાં જાેખમનું પ્રમાણ ઘણું વધારે છે અને જેમાં સતત નવા પ્રયોગો કરવાની જરૂર છે. ગોયલના મતે, ઈટર્નલ હવે એક પબ્લિક લિસ્ટેડ કંપની છે, જેની જવાબદારી હજારો રોકાણકારો પ્રત્યે હોય છે. આવા કિસ્સામાં, ખૂબ જ જાેખમી પ્રયોગો કંપનીની અંદર રહીને કરવાને બદલે સ્વતંત્ર રીતે બહાર રહીને કરવા વધુ ઉચિત છે, જેથી મુખ્ય કંપનીના બિઝનેસ પર તેની કોઈ નકારાત્મક અસર ન પડે.
બીજી તરફ, કંપનીના ભાવિ નેતૃત્વ વિશે તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું કે હવેથી કંપનીના તમામ રોજબરોજના અને ઓપરેટિંગ ર્નિણયોની જવાબદારી અલ્બિન્દર ઢિંડસા સંભાળશે. અલ્બિન્દરની ક્ષમતા પર ભાર મૂકતા ગોયલે કહ્યું કે, બ્લિન્કિટને ખરીદવાથી લઈને તેને આર્થિક રીતે સધ્ધર બનાવવામાં અલ્બિન્દરનું મહત્ત્વની યોગદાન રહ્યું છે. તેમની આ જ કાર્યક્ષમતા સાબિત કરે છે કે તેઓ માત્ર બ્લિન્કિટ જ નહીં, પણ સમગ્ર ઈટર્નલ ગ્રુપને સફળતાપૂર્વક આગળ લઈ જવા માટે સંપૂર્ણ રીતે સક્ષમ છે. આ ફેરફાર સાથે દિપિન્દર ગોયલ હવે તેમના નવા સંશોધનો અને ડીપ-ટેક સાહસો પર ધ્યાન કેન્દ્રિત કરશે.
આ ટ્રાન્ઝિશનના ભાગરૂપે, દિપિન્દર ગોયલે તેમના તમામ અનવેસ્ટેડ સ્ટોક ઓપ્શન્સ પરત કરી દીધા છે, જે હવે કંપનીના એમ્પ્લોયી સ્ટોક ઓપ્શન પૂલમાં જશે.
દિપિન્દર ગોયલ છેલ્લા એક વર્ષથી વિજ્ઞાન અને અત્યાધુનિક ટેકનોલોજી(Deep-Tech) માં રસ લઈ રહ્યા છે. તેમના નવા સાહસો મુખ્યત્વે માનવ સ્વાસ્થ્ય અને ભવિષ્યની ટેકનોલોજી પર આધારિત છે.
તેમણે LATએરોસ્પેસ નામના સ્ટાર્ટઅપમાં અંદાજે રૂ.૧૬૫ કરોડ ($20 મિલિયન) જેવું મોટું રોકાણ કર્યું છે, જે અંતરિક્ષ ક્ષેત્રે કામ કરે છે. આ ઉપરાંત, માનવ આયુષ્ય વધારવા અને સ્વાસ્થ્ય સુધારવા માટે તેમણે Continue નામનું રિસર્ચ કેન્દ્ર શરૂ કર્યું છે. એટલું જ નહીં, તેમણે Temple નામનું એક અનોખું ગેજેટ પણ બનાવ્યું છે, જે ઘડિયાળની જેમ પહેરી શકાય છે અને તે મગજમાં લોહીના પરિભ્રમણ પર સતત નજર રાખે છે. ટૂંકમાં, ગોયલ હવે પૃથ્વીથી લઈને અંતરિક્ષ અને માનવ શરીરના રહસ્યો ઉકેલવા તરફ આગળ વધી રહ્યા છે.




