
ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવની એક રિપોર્ટ મુજબ, ભારતની અમેરિકામાં થતી નિકાસ મેની તુલનામાં ઓક્ટોબર દરમ્યાન નોંધપાત્ર ઘટી છે. મેમાં ૮.૮૩ અબજ ડોલર રહેલી નિકાસ ઓક્ટોબરમાં ૨૮.૫૦ ટકા ઘટીને ૬.૩૦ અબજ ડોલર પર આવી પહોંચી હતી. ભારતના માલસામાન પર અમેરિકા તરફથી વધારેલા ટેરિફને કારણે નિકાસમાં આ ઉણપ જોવા મળી છે. એપ્રિલમાં જ્યાં ૧૦% ટેરિફ લાગુ હતો, ત્યાં ઓગસ્ટ સુધીમાં તે ૨૫% કરવામાં આવ્યો અને ત્યારબાદ મહિનાના અંતે વધારીને ૫૦% સુધી લઈ જવાયો.
અમેરિકાના મુખ્ય વેપાર ભાગીદાર દેશોમાં ભારત પર સૌથી વધુ ટેરિફ લાગુ કરવામાં આવ્યો છે. ચીન પર ૩૦% અને જાપાન પર ૧૫%નો દર છે. સ્માર્ટફોન, ફાર્મા અને પેટ્રોલિયમ ઉત્પાદનો – જેને ટેરિફમાંથી છૂટછાટ આપવામાં આવી હતી. એની નિકાસમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. મેના ૩.૪૨ અબજ ડોલર સામે ઓક્ટોબરમાં આ નિકાસ ૨૫.૮૦% ઘટીને ૨.૫૪ અબજ ડોલર રહી હતી. ઓક્ટોબર મહિનામાં આ પ્રોડક્ટ્સનો ભારતની નિકાસમાં હિસ્સો ૪૦.૩૦% રહ્યો હતો.
આયર્ન, સ્ટીલ, એલ્યુમિનિયમ અને કોપર જેવા માલસામાન, જેઓ પર અમેરિકાએ તમામ દેશો માટે સમાન ટેરિફ લાગુ કર્યા છે, એનો નિકાસ હિસ્સો ઓક્ટોબરમાં ૭.૫૦% જેટલો હતો. આ શ્રેણીના માલની મેમાં ૬૨.૯૦ કરોડ ડોલરની નિકાસ ઓક્ટોબરમાં ઘટીને ૪૮ કરોડ ડોલર રહી હતી, જે લગભગ ૨૪% ઘટાડો દર્શાવે છે. અમેરિકા તરફ નિકાસમાં આવી રહેલા આ ઘટાડાને ધ્યાનમાં રાખીને સંસ્થાએ “એક્સપોર્ટ પ્રમોશન મિશન” શરૂ કરવાની ભલામણ કરી છે. માર્ચમાં મિશનની જાહેરાત કર્યા પછી કેબિનેટે ૧૨ નવેમ્બરે તેની મંજૂરી આપેલી હોવા છતાં, રિપોર્ટ મુજબ તે હજી સુધી અમલમાં આવી શક્યું નથી.




