
(છગનલાલ મેવાડા ધ્વારા ) સુરત.
ભારત કિંમતી ધાતુઓનો વિશ્વનો બીજો સૌથી મોટો ગ્રાહક દેશ છે. કાચા તેલ પછી દેશની આયાતમાં સોનું બીજા ક્રમનો સૌથી મોટો હિસ્સો ધરાવે છે. વધતી માંગ અને આયાત ને કારણે વિદેશી હુંડિયામણનો વપરાશ પણ વધ્યો છે. જેના કારણે રૂપિયો રેકોર્ડ નીચલા સ્તરે પહોંચી ગયો છે. જ્યારે ઘરેણાંના વેપારીઓ સરકારના આ પગલાથી નિરાશ છે ત્યારે એ પણ સાચું છે કે જો સમયસર યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઊભી થનારી ખરાબ પરિસ્થિતિની સૌથી વધુ અસર સામાન્ય માણસ પર પડશે.
અત્રે ઉલ્લેખનીય છે કે પશ્ચિમ એશિયાના સંકટને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના નાગરિકોને વિદેશી હુંડિયામણ બચાવવા માટે ઈંધણનો વિવેકપૂર્ણ ઉપયોગ, રસોઈ તેલનો વપરાશ ઘટાડવા અને સોનાની ખરીદી અને વિદેશ યાત્રા મુલતવી રાખવા જેવા પગલાં અપનાવા વિનંતી કરી છે જેનો સંદેશ સ્પષ્ટ છે કે દેશના અર્થતંત્ર પર દબાણ વધી રહ્યું છે અને તેને ઘટાડવા માટે વૈકલ્પિક પગલાં લેવાની જરૂર પડશે. ત્યારબાદ સોના અને ચાંદી પરની આયાત જકાત ૬% થી વધારીને ૧૫% કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આને કારણે આ કિંમતી ધાતુઓના ભાવમાં તીવ્ર ઉછાળો આવ્યો. બીજુ જવેલરી ક્ષેત્રે ૫૦ લાખથી વધુ કારીગરો કામ કરે છે એમની રોજગારીનો પણ વિચાર કરવો જ રહ્યો. વધુમાં ભારતના વિદેશી વિનિમય સંસાધનોમાં તેલ, ખાતરો, ઔધોગિક કાચા માલ અને સંરક્ષણ જરૂરિયાતો જેવી આવશ્યક આયાતોને પ્રાથમિકતા આપવી જોઈએ. વડાપ્રધાને લોકોને બિન આવશ્યક ઈંધણ નો ઉપયોગ ઘટાડવા વિનંતી કરી હતી. અને ત્યાર બાદ તેમણે પોતે તેમના કાફલામાં વાહનોની સંખ્યા ઘટાડી હતી. જોકે એ સુનિશ્ચિત કરવું મહત્વપૂર્ણ છે કે આ સરકારી સ્તરનું અભિયાન ફક્ત જાહેરાતો જે દેખાડા સુધી મર્યાદિત ન રહે. જો જનપ્રતિનિધિઓ પણ ભાગ લે તો જ જનતા આ પગલાંને વ્યાપક પણે સ્વીકારશે. નહિંતર શેઠની શિખામણ ઝાંપા સુધી જેવો ઘાટ થાય તો નવાઈ નહીં.



