
૩૦ વિદ્યાર્થીએ એક શિક્ષકનો રેશિયો જાળવે : CBSE.સ્કૂલો લાયક શિક્ષકોની માહિતી જાહેર કરે : CBSE.સેન્ટ્રલ બોર્ડે નવો પરિપત્ર જાહેર કરી આદેશ આપ્યો છે કે લાયક શિક્ષકોની તમામ માહિતી ફરજિયાતપણે વેબસાઇટ પર મૂકવી.CBSE બોર્ડના ધ્યાને આવ્યું છે કે અગાઉ અનેકવાર પરિપત્ર બહાર પાડવા છતાં, ઘણી શાળાઓ પોતાની વેબસાઇટ પર મેન્ડેટરી ડિસ્ક્લોઝર(ફરજિયાત વિગતો) અંતર્ગત આચાર્ય, શિક્ષકો અને ફી માળખા જેવી મહત્ત્વની વિગતો જાહેર કરતી નથી. આ બાબતને ગંભીરતાથી લઈને સેન્ટ્રલ બોર્ડે તમામ શાળાઓને નવો પરિપત્ર જાહેર કરી આદેશ આપ્યો છે કે લાયક શિક્ષકોની તમામ માહિતી ફરજિયાતપણે વેબસાઇટ પર મૂકવી. બોર્ડે વધુમાં ચીમકી આપી છે કે જાે હવે પછી આ બાબતે કોઈપણ શાળા વિરુદ્ધ ફરિયાદ મળશે, તો તેને સખત દંડ કરવામાં આવશે.
વાલીઓને શાળા વિશેની તમામ મહત્ત્વની વિગતો સરળતાથી મળી રહે તે હેતુથી, દરેક શાળા માટે પોતાની વેબસાઇટ પર આચાર્ય, શિક્ષકો, પ્રવેશ પ્રક્રિયા, પરિણામ અને વિદ્યાર્થીઓની સંખ્યા જેવી માહિતી જાહેર કરવી અનિવાર્ય છે. આ ઉપરાંત, શાળાઓએ બોર્ડનું એફિલિએશન સર્ટિફિકેટ, ફાયર સેફ્ટી સર્ટિફિકેટ, હેલ્થ એન્ડ સેનિટેશન સર્ટિફિકેટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર(જેમ કે શૌચાલય અને અન્ય સુવિધાઓ) વિશેની વિગતો પણ વેબસાઇટ પર મૂકવી ફરજિયાત છે.
જાેકે, CBSE બોર્ડના ધ્યાને આવ્યું છે કે ઘણી શાળાઓ વારંવારની સૂચનાઓ છતાં આ માહિતી મૂકવામાં ઉદાસીનતા દાખવી રહી છે. આ બાબતને ગંભીરતાથી લઈને CBSE એ રિવાઇઝ્ડ મેન્ડેટરી ડિસ્ક્લોઝર ફોર્મેટ જાહેર કર્યું છે. આ નવા ફોર્મેટ મુજબ હવે શાળાઓએ સંપર્ક નંબર, સરનામું, માન્યતા પ્રમાણપત્ર, ફી માળખું, એકેડેમિક કેલેન્ડર, મેનેજમેન્ટ કમિટી અને PTA સભ્યોની યાદી ફરજિયાતપણે દર્શાવવાની રહેશે.
વધુમાં, શાળાઓએ છેલ્લા ત્રણ વર્ષના બોર્ડના પરિણામો, શિક્ષક-વિદ્યાર્થીનો ગુણોત્તર(Ratio), ટ્રેનર્સની વિગતો, સ્કૂલ કેમ્પસનો વિસ્તાર તથા લેબોરેટરી જેવી પાયાની સુવિધાઓની માહિતી પણ જાહેર કરવી પડશે. બોર્ડે સ્પષ્ટ ચીમકી આપી છે કે જાે આ નિયમોનું પાલન નહીં કરવામાં આવે અથવા આ બાબતે કોઈ ફરિયાદ મળશે, તો સંબંધિત શાળા સામે કડક દંડની કાર્યવાહી કરવામાં આવશે.
સેન્ટ્રલ બોર્ડ દ્વારા શાળાઓને આદેશ આપવામાં આવ્યો છે કે તેઓએ ૩૦ વિદ્યાર્થી દીઠ ૧ શિક્ષકનો રેશિયો જાળવવો ફરજિયાત રહેશે. જેમાં કાઉન્સેલર, ફિઝિકલ ટ્રેનર અને આચાર્યનો સમાવેશ શિક્ષક તરીકે કરી શકાશે નહીં. શાળાઓએ આ તમામ માહિતી આગામી ૧૫ સપ્ટેમ્બર પહેલાં પોતાની વેબસાઇટ પર ફરજિયાતપણે અપલોડ કરવાની રહેશે. જાે કોઈ શાળા આ સમયમર્યાદામાં વિગતો જાહેર નહીં કરે અથવા નિયમનું પાલન નહીં કરે, તો બોર્ડ દ્વારા તેને દંડ કરવામાં આવશે.




