
ધોરણ-૧ થી ૫માં શિક્ષક બનવા રાજ્યના ૧.૦૧ લાખ વિદ્યાર્થી નોંધાયા.રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા શિક્ષક યોગ્યતા કસોટી (ટેટ-૧) માટે ૧૪ ઓક્ટોબરે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું.રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ધો.૧થી ૫માં શિક્ષક બનવા માટે લેવાનારી શિક્ષક યોગ્યતા કસોટી (ટેટ-૧) માટે રાજ્યભરમાંથી ૧.૦૧ લાખ વિદ્યાર્થી નોંધાયા છે. છેલ્લે વર્ષ-૨૦૨૩માં લેવાયેલી પરીક્ષામાં ૮૭ હજાર વિદ્યાર્થી ઉપસ્થિત રહ્યાં હતા. આ વખતે ૨૧ ડિસેમ્બરે યોજાનારી પરીક્ષા માટે ૧૪ હજાર જેટલાનો વધારો થયો છે. બીજી તરફ, પીટીસીના બીજા વર્ષમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને પરીક્ષા માટે લાયક ગણતાં નવા ૫૦૧૫ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા શિક્ષક યોગ્યતા કસોટી (ટેટ-૧) માટે ૧૪ ઓક્ટોબરે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. આ પરીક્ષા માટે ૨૯ ઓક્ટોબરથી ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જેની મુદત ૧૨ નવેમ્બર સુધી આપવામાં આવી હતી. આમ, ૧૨
નવેમ્બરની મુદ્દત સુધીમાં મોટાભાગના ઉમેદવારોએ ફોર્મ ભરી દીધા હતા. આ પરીક્ષા માટે PTCનો અભ્યાસ પૂર્ણ કરી ચૂક્યા હોય એવા વિદ્યાર્થીઓ જ ફોર્મ ભરી શકે એવી સૂચના જાહેરનામામાં પ્રસિદ્ધ કરવામાં આવી હતી. જેના પગલે PTC ના બીજા વર્ષમાં અભ્યાસ કરતા ઉમેદવારોએ પરીક્ષા આપવા અંગે રાજ્ય પરીક્ષા બોર્ડમાં રજૂઆત કરાઈ હતી.ઉમેદવારોની રજૂઆતના પગલે શિક્ષણ વિભાગે બીજા વર્ષના વિદ્યાર્થીઓને પણ લાયક ગણવાનો ર્નિણય કરતાં ફોર્મ ભરવાની મુદત લંબાવી ૨૧ નવેમ્બર કરવામાં આવી હતી. આ દરમિયાન કુલ ૫૦૧૫ નવા વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. બીજા વર્ષમાં અભ્યાસ કરતાં જે વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે, એમાં સૌથી વધુ ગુજરાતી માધ્યમના ૪૭૯૮ વિદ્યાર્થી, હિન્દી માધ્યમના ૯૨ અને અંગ્રેજી માધ્યમના ૧૨૫ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આ સાથે ટેટ-૧ની પરીક્ષા માટે ૧૦૧૫૦૦ વિદ્યાર્થીઓ નોંધાયા છે.




