
૯૦ કરોડનું દેવું ચૂકવવા અમિતાભ બચ્ચન રોજ ૧૮ કલાક કામ કરતા હતા : રજનીકાંત ત્રણ વર્ષમાં આર્થિક સંકટમાંથી બહાર આવી જૂનાં ઘર સહિત ત્રણ મકાનો ખરીદ્યાં હોવાનો ઉલ્લેખ કર્યાે મેગાસ્ટાર અમિતાભ બચ્ચને પોતાની કારકિર્દી દરમિયાન અનેક પડકારોનો સામનો કર્યાે છે. દક્ષિણ ભારતીય સુપરસ્ટાર રજનીકાંતે અમિતાભના જીવનના મુશ્કેલ સમયને યાદ કરતાં જણાવ્યું હતું કે આશરે ૯૦ કરોડનું દેવું ચૂકવવા માટે અમિતાભે સ્વાસ્થ્યની સમસ્યાઓ હોવા છતાં સતત ત્રણ વર્ષ સુધી દરરોજ ૧૮ કલાક કામ કર્યું હતું.અમિતાભ બચ્ચને પોતાની કારકિર્દીની ટોચ પર ‘અમિતાભ બચ્ચન કોર્પાેરેશન લિમિટેડ’ નામની કંપની શરૂ કરી હતી. જાેકે, કંપનીને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. રજનીકાંતના જણાવ્યા અનુસાર, આ સંકટ દરમિયાન અમિતાભે મુંબઈના જુહુમાં આવેલું પોતાનું ઘર અને અન્ય મિલકતો પણ વેચવી પડી હતી. ફિલ્મ ‘વેટ્ટૈયન’ના ઓડિયો લોન્ચ કાર્યક્રમમાં રજનીકાંતે અમિતાભના સંઘર્ષને યાદ કરતાં કહ્યું હતું કે, “બોમ્બે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકો તેમને જાેઈને હસતા હતા. શરીરમાં અનેક સમસ્યાઓ હોવા છતાં તેમણે ત્રણ વર્ષ સુધી રોજ ૧૮ કલાક કામ કર્યું અને તમામ દેવું ચૂકવી દીધું. ૬૪ વર્ષની ઉંમરે શરીરમાં અનેક તકલીફો હોવા છતાં તેમણે જૂનું ઘર પાછું ખરીદ્યું અને એ જ ગલીમાં કુલ ત્રણ મકાનો ખરીદ્યાં. આ જ અમિતાભ બચ્ચન છે!”રજનીકાંત અને અમિતાભે અગાઉ ‘અંધા કાનૂન’ (૧૯૮૩), ‘ગિરફ્તાર’ (૧૯૮૫) અને ‘હમ’ (૧૯૯૧) જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. ૩૩ વર્ષ બાદ બંને ૨૦૨૪માં ટી.જે. જ્ઞાનવેલના દિગ્દર્શનમાં બનેલી ‘વેટ્ટૈયન’માં ફરી સાથે જાેવા મળ્યા હતા. રજનીકાંતે અમિતાભને પોતાના માર્ગદર્શક ગણાવ્યા હતા.




