
વીડિયોમાં ‘તાઇ’ની ઝલક જાેઈ ફેન્સ ભાવુક આશા ભોંસલેનું છેલ્લું ગીત ‘એ મેરી જિંદગી’ રિલીઝ ગીત વર્ષ ૨૦૨૩ના અંતમાં રૅકોર્ડ કરવામાં આવ્યું હતું, જેને રાજીવ સારંગે કમ્પોઝ કર્યું છે અને તેના બોલ પ્રદીપ શર્મા ખુસરોએ લખ્યા
૮ સપ્ટેમ્બરના રોજ સુપ્રસિદ્ધ ગાયિકા આશા ભોસલેની ૯૩મી જન્મજયંતી છે. આ વર્ષે એપ્રિલ મહિનામાં તેમનું અવસાન થયું હતું, પરંતુ તેઓ પોતાની પાછળ સંગીતનો એવો અમૂલ્ય વારસો છોડી ગયા છે જે પેઢીઓ સુધી યાદ રાખવામાં આવશે. તેમની જન્મજયંતીના ખાસ અવસરે રઘુબીર યાદવ, અંશુમન ઝા અને સોની રાઝદાનની આગામી ફિલ્મ ‘ઓમ કા હરિ’ ના મેકર્સે ફેન્સને એક ખાસ સરપ્રાઇઝ આપતાં આશા ભોસલેનું છેલ્લું ફિચર-ફિલ્મ ગીત ‘એ મેરી જિંદગી’ રિલીઝ કર્યું છે.આ ગીત વર્ષ ૨૦૨૩ના અંતમાં રૅકોર્ડ કરવામાં આવ્યું હતું, જેને રાજીવ સારંગે કમ્પોઝ કર્યું છે અને તેના બોલ પ્રદીપ શર્મા ખુસરોએ લખ્યા છે. હરીશ વ્યાસ દ્વારા ર્નિદેશિત પિતા-પુત્રના સંબંધો પર આધારિત ફિલ્મ ‘ઓમ કા હરિ’માં આ ગીતનો સમાવેશ કરવામાં આવ્યો છે. ૮ સપ્ટેમ્બરના રોજ યૂટ્યુબ પર રિલીઝ થયેલા આ મ્યુઝિક વીડિયોમાં માત્ર ગીત જ નહીં, પરંતુ આશા ભોસલે સ્ટુડિયોમાં ગીત રૅકોર્ડ કરી રહ્યા હોય અને મેકર્સ તથા અભિનેતા અંશુમન ઝા સાથે વાતચીત કરી રહ્યા હોય તેવા ‘બિહાઈન્ડ-ધ-સીન્સ’ વિઝ્યુઅલ્સ પણ બતાવવામાં આવ્યા છે. આશા ‘તાઇ’ના અવાજમાં આ ગીત સાંભળીને ફેન્સ અત્યંત ભાવુક થઈ રહ્યા છે.આશા ભોસલેનું અવસાન ૧૨ એપ્રિલ, ૨૦૨૬ના રોજ ૯૨ વર્ષની વયે થયું હતું. કાર્ડિયક અરેસ્ટ બાદ મલ્ટિપલ ઓર્ગન ફેલિયરના કારણે મુંબઈની બ્રીચ કેન્ડી હૉસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમની યાદમાં રિલીઝ થયેલું આ ગીત જે ફિલ્મમાં છે, તે ‘ઓમ કા હરિ’નું ર્નિદેશન હરીશ વ્યાસે કર્યું છે. આ ફિલ્મમાં અંશુમન ઝા અને રઘુબીર યાદવ મુખ્ય ભૂમિકામાં છે, જ્યારે સોની રાઝદાન, સમતા સુદીક્ષા અને આયશા કપૂર પણ મહત્ત્વના રોલમાં જાેવા મળશે. આ ફિલ્મ ૧૮ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે.




