
(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા ધ્વારા) સુરત
સુરતના સારોલી ખાતે આવેલી શ્યામ સંગીની માર્કેટ માં તારીખ આઠમીની મોડી રાત્રે ૧૨:૫૦ કલાકે ચોથા અને પાંચમા માળે લાગેલી આગ સવાર સુધી પણ કાબૂમાં નહીં આવી હોવાનું જાણવા મળેલ છે. જ્યાં ૨૫ થી વધુ ફાયર ની ગાડીઓ અને ૧૫૦ જેટલા ફાયર ફાયટરો ખડે પગે આગ ઓલવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જેમાં કોઈ જાન- હાની નહીં હોવાનું જાણવા મળેલ છે. સાથે સાથે ઘણી બધી દુકાનો આગની ઝપટ માં આવી ને નુકશાન ગ્રસ્ત બની છે.
સુરત ની ટેક્સટાઇલ્સ માર્કેટ માં દિવાળીના તહેવારોની શરૂઆત થવાના સમયે જ દર વર્ષે લાગતી આગની વાત હવે આમ વાત એટલેકે સાધારણ બની ગઈ છે. ફક્ત શિવશક્તિ કે શ્યામ સંગીની જેવી માર્કેટો માં પાછલા ૨ થી ૩ વર્ષો માં ૨ થી ૩ વાર નાની-મોટી આગની ઘટનાઓ બની ચૂકી છે. કોઈ વખત બેઝમેન્ટ માં, તો કોઈ વખત ઉપર ના ફ્લોર પર આવી આગની ઘટનાઓ બનતી જ રહી છે છતાં એ બાબતે કોઈ જાગૃતતા દાખવવામાં નથી આવતી. અહીં સવાલ એ છે કે દિવાળી નજીકના સમયે જ કેમ આગ લાગે છે? પહેલું કારણ સામી દિવાળી એ માલનો કરાતો સ્ટોક જેમાં મોટા ભાગે સિન્થેટીક કાપડ હોય છે અને એ પેટ્રોલ જેવું હોવાથી જલ્દીથી આગ પકડી લેતું હોય છે. આખું માર્કેટ પોલીસ્ટર કાપડનું હબ છે. અને આ બાબતે ફાયર ઓફિસરે ખુદ કહ્યું છે કે સિન્થેટિક
સામગ્રી આગ માં પેટ્રોલ ની માફક કામ કરતી હોય છે.
બીજુ કારણ દિવાળી નો સમય નજીક હોવાથી ઓવર લોડ માલનો સ્ટોક કરવો એટલે કે દરેક દુકાનદાર ૩ થી ૪ ગણો વધારે માલ ભરી દેતા હોય છે. ઉપરાંત પાર્સલ પ્લાસ્ટીક બેગોને કારણે ચાલવાના પેસેજો પણ બંધ થઈ જતાં હોવાથી બચાવ કરનારાઓને આગની જગ્યાએ પહોંચતા પરસેવો વળી જતો હોય છે.
ત્રીજુ કારણ શોર્ટ સર્કિટ અને ગેરકાયદેસર બાંધકામ જે તદ્દન પાસ થયેલા પ્લાન થી અનેક ઘણું વધારે અને પ્લાન વિરુધ્ધનું હોવાથી પણ આગ ઓલવવામાં તકલીફ પડતી હોય છે. ઉપરાંત એક જ લાઈન માં દસ-દસ A-C., લાઈટ, ઉપરાંત માર્કેટના ઉપર ના ભાગમાં પતરાના શેડ મારી દેવાતા હોય છે. સાથે સાથે વેન્ટીલેશન નથી હોતું એટલે શોર્ટ સર્કિટની એક નાની ચિનગારી પણ આગનું મોટું સ્વરૂપ ધારણ કરીને લાખોનું નુકશાન કરતી હોય છે. અને છેલ્લું મુખ્ય કારણ કરોડપતિ બિલ્ડરો દ્વારા ઉભી કરાતી આવી તોતિંગ અને ગીચ માર્કેટ માં પાયાની સુવિધા કહેવાય એ ફાયર સેફ્ટી ની સુવિધા ઝીરો હોય છે. જેના માટે બેદરકાર બિલ્ડરો ની સાથે સુરત મ.ન.પા અને ફાયર ના અધિકારીઓ પણ એટલા જ જવાબદાર છે જેટલા પ્લાન પાસ કરીને ચેકીંગ હાથ નહી ધરતા અધિકારીઓ
છે.
અહીં સવાલ એ ઉભો થાય છે કે આગ લાગવાની આ ઘટના માં જે વેપારીઓને નુકશાન થયું છે એની નુકશાની ભરપાઈ કરશે કોણ? કે પછી આગ લાગવા પાછળ નું કારણ ગાંધી-વૈધ નું સહિયારું છે?




