
અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા દર્દી કેન્દ્રિત વ્યવસ્થાપન તરફ વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. દરરોજ હજારોની સંખ્યામાં આવતા દર્દીઓને ઝડપી, સુગમ અને દર્દી-મૈત્રીપૂર્ણ સારવાર મળી રહે તે માટે હોસ્પિટલ તંત્ર દ્વારા કતાર વ્યવસ્થાપન (Queue Management)અને ભીડ નિયંત્રણ માટે સંકલિત અને સુદૃઢ આયોજન અમલમાં મૂકવામાં આવ્યું છે.આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી રાજીવ ટોપનો તેમજ કમિશ્નરશ્રી ડો.સંધ્યા ભુલ્લરના માર્ગદર્શન હેઠળ સિવિલ હોસ્પિટલ દ્વારા આ નવીન વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે.
હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. રાકેશ જોષીએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, “આ તમામ પ્રયાસોનો મુખ્ય હેતુ માત્ર કતાર ઘટાડવાનો નથી, પરંતુ દર્દીને યોગ્ય સેવા યોગ્ય સ્થળે અને શક્ય તેટલા ઓછા સમયમાં મળે તે માટે સમગ્ર ‘પેશન્ટ ફલો’ને સુવ્યવસ્થિત કરવાનો છે. વિવિધ સેવાઓને અલગ-અલગ સ્થળે વિતરિત કરીને એક જ જગ્યાએ ભીડની પરિસ્થિતિ ટાળવામાં આવી છે, જેનાથી દર્દીઓનો રાહ જોવાનો સમય નોંધપાત્ર રીતે ઘટ્યો છે.”
સિસ્ટમમાં કરવામાં આવેલા મુખ્ય સુધારાઓ અને સુવિધાઓ:
OPD કેસ બારીઓમાં વધારો: રોજના ૩૫૦૦થી ૪૦૦૦ દર્દીઓમાંથી અંદાજે ૨૦૦૦ નવા કેસ નીકળતા હોય છે. આ માટે કેસ બારીઓની સંખ્યા ૯ થી વધારીને ૧૨ કરવામાં આવી છે. આ ઉપરાંત, ભીડ ઘટાડવા ઇન્ડોર કેસબારી, બિલિંગ અને રિપોર્ટ કાઉન્ટરને OPD થી અલગ કરાયા છે.
ટોકન આધારિત કતાર અને બેઠક વ્યવસ્થા: ઓર્થોપેડિક, મેડિસિન, સર્જરી, સ્કિન, સ્ત્રીરોગ અને પીડિયાટ્રિક સહિતની તમામ મેજર OPD માં ટોકન સિસ્ટમ શરૂ કરી બેસવાની આરામદાયક વ્યવસ્થા કરાઈ છે. અમલીકરણ માટે નર્સિંગ, સિક્યુરિટી અને કાઉન્સિલર અથવા દર્દી સહાયકની ટીમો તૈનાત છે. આ ટીમો દ્વારા દરેક મેજર ઓપીડીમાં બનાવેલ ટોકન આધારિત કતાર સિસ્ટમ અને દર્દીઓની અવરજવરનું અમલીકરણ થાય તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.
સાંજની ફોલો-અપ OPD: સવારનો ધસારો ઓછો કરવા ફોલો-અપ દર્દીઓને સાંજના સમયે બોલાવવા તબીબોને સૂચના આપવામાં આવી છે.
ડિજિટલ રિપોર્ટ સુવિધા: રિપોર્ટ વિન્ડો અલગ કરવા સાથે હવે આગામી ૨-૩ દિવસમાં દર્દીઓને તેમના વોટ્સએપ (WhatsApp) નંબર પર જ રિપોર્ટ મળી જાય તેવી ડિજિટલ વ્યવસ્થા શરૂ કરાશે.
સરળ બિલિંગ પ્રોસેસ: બિલિંગ કાઉન્ટર ૧ થી વધારી ૨ કરાયા છે. સોફ્ટવેરમાં સુધારા કરી રોગી કલ્યાણ સમિતિ અને સરકારી નાણાં લેવાના ચાર્જ મર્જ કરાતા હવે એક જ રિસિપ્ટથી કામ થશે, જેથી બિલિંગમાં અડધો સમય બચશે. એક જ રીસિપ્ટનું સંપૂર્ણ પેમેન્ટ દર્દીઓ હવે ઑનલાઇન માધ્યમથી પણ કરી શકશે, જેથી દર્દીઓનો સમય બચશે અને પેમેન્ટ માટે વધુ રાહ પણ નહીં જોવી પડે.
સુલભ રેડિયોલોજી સેવાઓ : ઓપીડી વિભાગમાં રેડીયોલોજી રજીસ્ટ્રેશનના બે કાઉન્ટર કરવામાં આવ્યા છે અને રજિસ્ટ્રેશન તથા બિલિંગ વિન્ડો બાજુબાજુમાં ગોઠવવામાં આવતા દર્દીઓને બે વાર લાઈનમાં ઉભા રહેવામાંથી મુક્તિ મળી છે. ઓપીડી દર્દીઓની સોનોગ્રાફી જી-૨ ખાતે તેમજ ઇન્ડોર દર્દીઓ ની સોનોગ્રાફી ટ્રોમા સેન્ટર એમ અલગ કરવાથી દર્દીઓ ને સોનોગ્રાફીમાં પણ ઓછી રાહ જોવી પડે છે. આ ઉપરાંત કલર ડોપ્લર તપાસમાં વધુ સમય લાગતો હોવાથી આવા દર્દીઓ ને અલગથી ઓપીડી સમયના દર્દીઓ પુરા થાય પછી બપોરે ૨ વાગ્યા બાદનો સમય આપતા રેડીયોલોજી વિભાગ ખાતે દર્દીઓ સમય પ્રમાણે વહેંચણી કરતા દર્દીઓ ને લાઇનોમાં ઘણી રાહત થઇ છે.
લેબોરેટરી સેમ્પલ કલેક્શન ઝડપી: જૂની OPDમાં સેમ્પલ કાઉન્ટર ૪ થી વધારી ૬ અને ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં ૨ થી વધારી ૪ કરાયા છે. ડેટા એન્ટ્રી ઓપરેટરો મૂકાતા લેબ ટેકનિશિયનો હવે ઝડપથી સેમ્પલ કલેક્શન કરી શકે છે.
ફેમિલી મેડિસિન OPD (રૂમ નં. ૭૫): તાવ, શરદી, ખાંસી જેવી સામાન્ય તકલીફો માટે અલગ OPD શરૂ કરાઈ છે, જેથી મુખ્ય OPD પરનું ભારણ ઘટે અને ગંભીર દર્દીઓ પર વધુ ધ્યાન આપી શકાય. OPDમાં ૭૫ નંબર ખાતે આ ઓપીડી શરૂ કરવામાં આવી છે.
આગામી સમયમાં હોસ્પિટલમાં વધુ સારા અને યોગ્ય માહિતી દર્શક સાઈનેજીસ(સંકેતો) દ્વારા દર્દીઓને વધુ સરળતાથી અને સુગમ રીતે વિવિધ આરોગ્ય સેવાઓ પ્રાપ્ત થાય એ માટે પણ વિચારણા કરવામાં આવી છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા લેવાયેલા આ શ્રેણીબદ્ધ દર્દી-હિતલક્ષી નિર્ણયોના પરિણામે સમગ્ર હોસ્પિટલ પરિસરમાં આરોગ્ય સેવાઓ વધુ ઝડપી અને સુવ્યવસ્થિત બની છે.
—
~ મિનેશ પટેલ, પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદ




