
મુખ્યમંત્રી ફડણવીસે રાનીને એવોર્ડ એનાયત કર્યાે રાની મુખરજી ‘રાજ કપૂર સ્પેશિયલ કોન્ટ્રિબ્યુશન એવોર્ડ’થી સન્માનિત સિનેમા માત્ર વ્યવસાય નથી, પરંતુ એક ઊંડી લાગણી છે અને મહારાષ્ટ્ર એ લાગણીનું ઘર છે : રાની મુખરજી મુંબઈમાં યોજાયેલા ૬૨મા મહારાષ્ટ્ર સ્ટેટ ફિલ્મ એવોર્ડ્સ સમારોહમાં અભિનેત્રી રાની મુખર્જીને ‘રાજ કપૂર સ્પેશિયલ કોન્ટ્રિબ્યુશન એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવી હતી. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાનીને આ એવોર્ડ એનાયત કર્યાે હતો. આ પ્રસંગે સાંસ્કૃતિક બાબતોના મંત્રી આશિષ શેલાર સહિત ફિલ્મ જગતની અનેક હસ્તીઓ હાજર રહી હતી.ભારતીય સિનેમામાં રાની મુખર્જીના લાંબા સમયના યોગદાન અને મુંબઈ તથા મહારાષ્ટ્ર સાથેના તેનાં ગાઢ સંબંધને ધ્યાનમાં રાખીને આ સન્માન આપવામાં આવ્યું છે. મુંબઈમાં જન્મેલી અને ઉછરેલી રાનીએ દાયકાઓની કારકિર્દીમાં વિવિધ પ્રકારની ભૂમિકાઓ ભજવી છે. ‘કુછ કુછ હોતા હૈ’, ‘હમ તુમ’, ‘બન્ટી ઔર બબલી’, ‘બ્લૅક’, ‘તલાશ’, ‘હિચકી’ અને ‘મિસિસ ચેટર્જી વર્સેસ નોર્વે’ જેવી ફિલ્મો તેની કારકિર્દીનાં મહત્વના પડાવ રહ્યા છે.એવોર્ડ સ્વીકારતી વખતે રાનીએ મહારાષ્ટ્ર સાથેના પોતાના સંબંધને યાદ કર્યાે. તેણે કહ્યું કે મહારાષ્ટ્ર તેનાં માટે માત્ર એક રાજ્ય નથી. તે તેની જન્મભૂમિ, કર્મભૂમિ અને જીવનનો અભિન્ન હિસ્સો છે.મુંબઈએ તેને ઓળખ, દર્શકો અને કારકિર્દી આપ્યા હોવાનું જણાવતાં રાનીએ કહ્યું કે આ શહેર તેનું ઘર અને સુરક્ષિત સ્થળ રહ્યું છે. તેથી આ એવોર્ડ તેનાં માટે વિશેષ સ્થાન ધરાવે છે.રાનીએ પોતાની ભૂમિકાઓ અંગે પણ વાત કરી. તેનાં મતે તેણે હંમેશાં એવી યુવતીઓ અને મહિલાઓને પડદા પર રજૂ કરવાનો પ્રયાસ કર્યાે છે, જેઓ પોતાનાં જીવનનાં ર્નિણયો પોતે લે છે. તેની પસંદગીની ભૂમિકાઓમાં હિંમત, ખામીઓ અને સંઘર્ષ સાથે આગળ વધતી મહિલાઓ જાેવા મળી છે.રાનીએ અંતમાં કહ્યું કે તેનાં માટે સિનેમા માત્ર વ્યવસાય નથી, પરંતુ એક ઊંડી લાગણી છે અને મહારાષ્ટ્ર એ લાગણીનું ઘર છે.




