
એલિઝાબેથ ઓલ્સને તોડ્યું મૌન ‘એવેન્જર્સ : ડૂમ્સડે’માં સ્કાર્લેટ વિચની વાપસી થશે? કેટલાક માને છે કે વાન્ડા જીવિત છે કારણ કે ફિલ્મમાં તેનો મૃતદેહ બતાવવામાં આવ્યો નહોતો માર્વેલ સિનેમેટિક યુનિવર્સની સૌથી લોકપ્રિય અને શક્તિશાળી સુપરહીરોમાંની એક સ્કાર્લેટ વીચ વાન્ડા મેક્સિમોફ ફરી મોટા પડદા પર જાેવા મળશે કે નહીં, તે અંગે ચાહકોમાં લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે. હવે આ અટકળો વચ્ચે અભિનેત્રી એલિઝાબેથ ઓલ્સને પોતે જ પોતાના ભવિષ્યને લઈને સ્પષ્ટતા કરી છે. શિકાગો કોમિક્સ એન્ડ એન્ટરટેઇનમેન્ટ એક્સ્પો દરમિયાન એલિઝાબેથ ઓલ્સને જણાવ્યું કે તેને ‘એવેન્જર્સ: ડૂમ્સડે’ અથવા ‘એવેન્જર્સ:સિક્રેટ વોર્સ’ અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી.તેણે કહ્યું, “મને ખરેખર કંઈ જ ખબર નથી. ‘વિઝન ક્વેસ્ટ’ વિશે જાણું છું કારણ કે છેલ્લા છ મહિનામાં પોલ બેટનીને મળી છું. પરંતુ ‘એવેન્જર્સ: ડૂમ્સડે’ કે ‘સિક્રેટ વોર્સ’ વિશે મને કોઈ માહિતી નથી. માર્વેલ સ્ટુડિયોએ ‘એવેન્જર્સ: ડૂમ્સડે’ની સત્તાવાર કાસ્ટ જાહેર કરી હતી, પરંતુ તેમાં એલિઝાબેથ ઓલ્સનનું નામ નહોતું. જાેકે, ચાહકોનું માનવું છે કે માર્વેલ ઘણીવાર મોટા સરપ્રાઇઝને ગુપ્ત રાખે છે અને અનેક કલાકારો ફિલ્મ રિલીઝ પહેલાં સત્તાવાર જાહેરાત વિના પણ દેખાઈ ચૂક્યા છે. સ્કાર્લેટ વિચ છેલ્લે ‘ડોક્ટર સ્ટ્રેન્જ ઇન ધ મલ્ટિવર્સ’માં જાેવા મળી હતી.ફિલ્મમાં પોતાનાં બાળકોને પાછા મેળવવાની તીવ્ર ઇચ્છામાં વાન્ડા અંધકારમય માર્ગે આગળ વધે છે અને ડાર્કહોલ્ડનો ઉપયોગ કરે છે. ફિલ્મનાં અંતમાં પોતાની ભુલનો અહેસાસ થતાં વાન્ડા સમગ્ર મલ્ટીવર્સમાંથી ડાર્કહોલ્ડનો નાશ કરે છે અને માઉન્ટ વુન્ડાગોરને પોતાના પર ધરાશાયી કરી દે છે. આ દ્રશ્યથી તેના મૃત્યુનો સંકેત મળ્યો હતો, પરંતુ માર્વેલે ક્યારેય તેની સત્તાવાર પુષ્ટિ કરી નથી. આ જ કારણસર વર્ષાેથી ચાહકોમાં વિવિધ થિયરી ચાલી રહી છે. કેટલાક માને છે કે વાન્ડા જીવિત છે કારણ કે ફિલ્મમાં તેનો મૃતદેહ બતાવવામાં આવ્યો નહોતો, જ્યારે અન્યનું માનવું છે કે સ્કાર્લેટ વિચ જેવાં શક્તિશાળી પાત્રની એમસીયુમાં ચોક્કસ વાપસી થશે.




