
અભિનેત્રી શિલ્પા શેટ્ટી માટે હિસ્સેદારી ખરીદી વેલેન્ટાઇન ગિફ્ટ તરીકે રાજસ્થાન રોયલ્સમાં હિસ્સેદારી ખરીદી : રાજ કુન્દ્રા રાજસ્થાન રોયલ્સને પણ ૨૦૧૬ અને ૨૦૧૭ની IPL સીઝનમાંથી સસ્પેન્ડ કરવામાં આવી હતી
ઉદ્યોગપતિ રાજ કુન્દ્રાએ કહ્યું છે કે તેમણે વર્ષ ૨૦૦૯માં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ટીમ રાજસ્થાન રોયલ્સમાં કરેલું લગભગ ૮૨ કરોડનું રોકાણ પત્ની અને અભિનેત્રી શિલ્પા શેટ્ટી માટે વેલેન્ટાઇન ડેની ખાસ ભેટ તરીકે કર્યું હતું. એક યૂટ્યુબ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં રાજ કુન્દ્રાએ જણાવ્યું કે રાજસ્થાન રોયલ્સે પ્રથમ IPL સીઝન જીત્યા બાદ તેમણે ટીમમાં ૧૧.૭ ટકા હિસ્સેદારી ખરીદી હતી. તેમણે કહ્યું, “મેં આ રોકાણ વેલેન્ટાઇન ગિફ્ટ તરીકે કર્યું હતું. મને લાગ્યું કે શિલ્પા પાસે મજબુત બ્રાન્ડ વેલ્યુ છે અને હું તેમાં રોકાણ કરી રહ્યો છું. મેં તે સમયે મારી હિસ્સેદારી ખરીદી હતી, પરંતુ આ મામલો હજુ પણ કોર્ટમાં ચાલી રહ્યો છે.”રાજ કુન્દ્રાના જણાવ્યા અનુસાર, જ્યારે તેમણે રોકાણ કર્યું ત્યારે રાજસ્થાન રોયલ્સની વેલ્યુ આશરે ૭૦૦ કરોડ હતી, જે આજે વધીને લગભગ ૧૬,૦૦૦ કરોડ સુધી પહોંચી ગઇ છે. તે સમયના અહેવાલો મુજબ તેમણે આશરે ૮૧.૯ કરોડનું રોકાણ કરીને ટીમમાં હિસ્સો મેળવ્યો હતો. રાજ કુન્દ્રાએ વર્ષ ૨૦૧૩માં સામે આવેલા IPL બેટિંગ વિવાદનો પણ ઉલ્લેખ કર્યાે. આ આરોપો બાદ સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત જસ્ટિસ લોઢા સમિતિએ વર્ષ ૨૦૧૫માં તેમના પર ક્રિકેટ સંબંધિત તમામ પ્રવૃત્તિઓમાં આજીવન પ્રતિબંધ મૂક્યો હતો. ત્યારબાદ રાજસ્થાન રોયલ્સને પણ ૨૦૧૬ અને ૨૦૧૭ની IPL સીઝનમાંથી સસ્પેન્ડ કરવામાં આવી હતી.આ મામલે પોતાનો મત રજુ કરતા કુન્દ્રાએ કહ્યું, “હું પાંચ-છ વર્ષથી ટીમ સાથે જાેડાયેલો હતો. પછી અમારા પર બેટિંગના આરોપ લાગ્યા. કેટલાક ખેલાડીઓ મેચ ફિક્સિંગ માટે સસ્પેન્ડ થયા અને અમને માલિક તરીકે બેટિંગ માટે પ્રતિબંધિત કરવામાં આવ્યા. અમારી વચ્ચે તો માત્ર મજાકમાં ‘૫૦૦ રૂપિયાની શરત લાગશે?’ જેવી વાતો થતી હતી. અમને ખબર નહોતી કે આવું પણ નિયમોના વિરુદ્ધ ગણાશે. આ કેસ હજુ પણ સુપ્રીમ કોર્ટમાં વિચારાધીન છે.” તેમણે એવો દાવો પણ કર્યાે કે આ સમગ્ર મામલે રાજસ્થાન રોયલ્સના માલિકોમાં માત્ર તેમને જ જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા.રાજ કુન્દ્રાએ જણાવ્યું કે IPL શરૂઆતના વર્ષાેમાં ટીમોને ખાસ નફો થતો નહોતો અને ફ્રેન્ચાઇઝીઓને સતત ફરીથી રોકાણ કરવું પડતું હતું. જાેકે હવે સ્થિતિ સંપૂર્ણ બદલાઈ ગઈ છે. તેમના જણાવ્યા મુજબ, હાલમાં IPL ટીમોની આવકનો અંદાજે ૭૦ ટકા હિસ્સો બ્રોડકાસ્ટિંગ રાઇટ્સમાંથી આવે છે, જ્યારે બાકીની આવક સ્પોન્સરશિપ અને ટિકિટ વેચાણમાંથી મળે છે. તેમણે દાવો કર્યાે કે હાલ IPL ટીમો દર વર્ષે અંદાજે ૨૦૦ કરોડથી ૫૦૦ કરોડ સુધીનો નફો કમાઈ રહી છે.




