
લગ્ન તૂટ્યા બાદ શરૂ થયો ત્રાસ મંદાના કરીમીએ ભારત છોડ્યા બાદ પણ સાયબર બુલિંગ અંગે કર્યાે મોટો ખુલાસો અમુક વર્ષ પહેલા મંદાના કરીમીએ આ સ્ટોકરની ભાળ મેળવવા માટે એક પ્રોફેશનલ જાસૂસની મદદ લીધી હતી બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી અને રિયાલિટી શો ‘બિગ બોસ’ ની એક્સ કન્ટેસ્ટન્ટ મંદાના કરીમી આજકાલ પોતાના અંગત જીવનને લઈને અત્યંત વ્યથિત છે. હાલ માં જ સોશિયલ મીડિયા દ્વારા તેણે ખુલાસો કર્યાે છે કે તે છેલ્લા ૬ વર્ષાેથી સતત સાયબર બુલિંગ, ઓનલાઇન ઉત્પીડન અને સ્ટોકિંગનો શિકાર બની રહી છે. મંદાનાના મતે ભારત છોડીને દુબઈ ગયા બાદ પણ આ માનસિક ત્રાસ અટક્યો નથી. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર અનેક વીડિયો અને સ્ક્રીન શોટ શેર કરી આરોપીઓ દ્વારા થતી છેડછાડ જાહેર કરી છે અને કહ્યું છે કે કઈ રીતે એક અજ્ઞાત શખ્સ તેમની કારકિર્દી અને અંગત જીવન બરબાદ કરવાના પ્રયાસોમાં લાગેલો છે. મંદાના કરીમીએ કહ્યું હતું કે આ સમગ્ર મામલો વર્ષ ૨૦૧૮માં તેના પૂર્વ પતિ ગૌરવ ગુપ્તા સાથે અલગ થયા બાદ શરૂ થયો હતો. ત્યારથી કોઈ અજાણી વ્યક્તિ તેની પાછળ પડી ગઈ છે. આ વ્યક્તિ તેના વ્યવસાયિક જીવન સાથે જાેડાયેલા લોકો અને અંગત મિત્રો સાથે સંપર્ક સાધે છે. આરોપી તેમને મંદાના વિરુદ્ધ ભડકાવવા માટે ખોટી વાતો જણાવે છે જેથી તેમની કારકિર્દી ઠપ થઈ જાય, એટલું જ નહીં તે અજાણ્યા એકાઉન્ટથી અનેકવાર પૈસાની માંગ પણ કરવામાં આવી છે. તેણે અત્યંત ભાવુક થઈ કહ્યું કે તેને સમજાતું નથી કે કોઈ તેનાથી આટલી નફરત કેમ કરે છે અને તેને બેઘર, બેરોજગાર જાેવા કેમ આટલો તલપાપડછે. અભિનેત્રીએ આ ચોંકાવનારા મામલામાં એક મોટો ઘટસ્ફોટ કરતા કહ્યું કે અમુક વર્ષ પહેલા તેણે આ સ્ટોકરની ભાળ મેળવવા માટે એક પ્રોફેશનલ જાસૂસની મદદ લીધી હતી. તપાસમાં જે વાત સામે આવી તેણે બધાને ચોંકાવી દીધા હતા. તપાસ કરનારે જણાવ્યું હતું કે કોઈ અજાણી વ્યક્તિએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ અને ગતિવિધિઓ પર ચોવીસ કલાક નજર રાખવા માટે એક ‘પ્રોફેશનલ હેકર’ ને પૈસા આપ્યા છે. આ હેકર મીનાક્ષી નામના એક ફેક ઈમેઇલ આઈડી દ્વારા મંદાનાના સંપર્કમાં આવનારા દરેક પ્રખ્યાત વ્યક્તિને ભ્રામક અને વિવાદિત સંદેશો મોકલતો હતો.




