
[નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા] સુરત.
ગાંધીના ગુજરાત માં ગાંધીના નામે ચાલતું દારૂબંધી નામનું આ નાટક હવે નામ પુરતું જ રહી ગયું છે. કારણ એ છે કે આ દારૂબંધી ના નામે માત્ર પોલીસ જ નહિ પરંતુ રાજકીય કાર્યકરો, નેતાઓ અને અન્ય કોઈ ગંભીર ઘટના બન્યા ના સમયે બહાર આવીને દેડકાની માફક ડ્રાઉ ડ્રાઉ કરી ચુપ થઈ જનારાઓનો પણ વહેવારો સચવાઈ જતા એ રામ એના એ જેવી પરિસ્થિતિ પેદા થઈ જાય છે, અને દારૂ બનાવનારો બનાવે છે , સપ્લાય કરનારો સપ્લાય કરે છે અને ખરીદનારો ખરીદીને વેચાણ કરે છે , અને પીનારા પાછા પીતા થઈ જાય છે અને મરનારા મરે છે. આમ દારૂના અડ્ડાવાળાઓ સુધી પહોચવા કરતાં ગેરકાયદેસર રીતે ચાલતી આ સપ્લાય ચેઈન સામે કાયદેસર રીતે પોલીસે સખત હાથે કાર્યવાહી કરી દારૂના દૈત્યને નાથવો જરૂરી છે.
દેશી દારૂ તૈયાર કરવા માટે જરૂરી કાચો માલ ક્યાંથી આવે છે? ગોળ, મહુડો કે અન્ય સામગ્રી ભઠ્ઠીઓ સુધી કોણ પહોંચાડે છે? શું આ સપ્લાયની સાંકળ પોલીસની નજરથી ખરેખર અજાણી છે કે પછી આ કડી સુધી પહોંચવામાં તપાસ તંત્ર નિષ્ફળ રહ્યું છે? દારૂ વેચનાર ઝડપાય છે. સપ્લાયર કેમ બચી જાય છે? દારૂની બોટલો પકડવાથી દારૂનું દૂષણ અટકતું નથી, દારૂ બનાવવાની વ્યવસ્થા સુધી પહોંચતી આખી સાંકળ તોડવી પડે છે. દારૂના નશામાં ડૂબેલો વ્યક્તિ પોતાનું આરોગ્ય અને કમાણી બંને ગુમાવે છે, પરંતુ તેની કિંમત પરિવાર ચૂકવે છે. બાળકોના શિક્ષણ પર અસર પડે છે, ઘરનું અર્થતંત્ર ખોરવાય છે અને અનેક વખત ઘરેલું કલહ ને કારણે પરિવારે મોભી પણ ગુમાવવો પડે છે.
દારૂને માત્ર પોલીસ કેસ તરીકે જોવાનો સમય નથી. આ સામાજિક સમસ્યા છે. એટલે સમાજે આગળ આવી સામાજિક લડાઈ લડવાની છે. કોઈ વ્યક્તિને જાતિ, પ્રદેશ કે પરપ્રાંતીય હોવાના આધારે નિશાન બનાવવા નહીં પરંતુ આ ગેરકાયદેસર કૃત્ય કરનાર સામે કાયદો ચોક્કસ બોલવો જોઈએ. અને આજ સાચી સામાજિક જાગૃતિ છે. આ દેશના યુવાને મારૂ શહેર મારું રાજ્ય મારો દેશ એ સદભાવના ના સંકલ્પ સાથે યુવાનો નશામુક્ત ગામ કે શહેર માટે લોકજાગૃતિ ઉભી કરે. પોલીસ, ગ્રામ પંચાયત, ગ્રામસભા અને શહેરના જાગૃત નાગરિકો વચ્ચે સંકલન કરી ને જ્યાં જ્યાં દારૂ નું ઉત્પાદન થતું હોય પછી એ આપણા રાજ્ય માં હોય કે અન્ય રાજ્યો માં થતું હોય ત્યાંની પોલીસ સામે સમન્વય કરી ને સખત કાર્યવાહી કરાય તો જ આ દારૂના દૂષણ ઉપર અંકુશ આવે અને દારૂ ના ઉત્પાદકો માં ફફડાટ ફેલાશે.
આ જવાબદારી માત્ર ને માત્ર સરકાર કે પોલીસની નથી. દરેક યુવાને જાગૃત થવું પડશે. દરેક પરિવાર ને જાગૃત કરવા પડશે. અને જો એક જ વિસ્તારમાં વારંવાર દેશી, વિદેશી દારૂ પકડાતો હોય તો એની ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ થવી જોઈએ અને એ વિસ્તારના પોલીસ તંત્ર ને કડક સુચનાઓ આપીને એ દૂષણ બંધ કરાવવું જોઈએ. પરંતુ સવાલ એ છે કે આની શરૂઆત કરશે કોણ?




