
હાઈકોર્ટે કહ્યું- ૨૫ વખત તો તક આપી…રાજપાલ યાદવને મોટો ઝટકો! હજુ પણ જેલમાં જ રહેવું પડશે.બોલિવૂડના સ્ટાર કોમેડિયન રાજપાલ યાદવ હાલમાં ચેક બાઉન્સ કેસને કારણે કાયદાકીય મુશ્કેલીમાં સપડાયા.બોલિવૂડના સ્ટાર કોમેડિયન રાજપાલ યાદવ હાલમાં ચેક બાઉન્સ કેસને કારણે કાયદાકીય મુશ્કેલીમાં સપડાયા છે. આ કેસ ૧૫ વર્ષ જૂનો છે. ૨૦૧૦માં રાજપાલ યાદવે પોતાની ફિલ્મ અતા પતા લાપતા બનાવવા માટે દિલ્હીના એક બિઝનેસમેન (મુરાલી પ્રોજેક્ટ્સ) પાસેથી ૫ કરોડ રૂપિયાની લોન લીધી હતી. આ લોલ ચૂકવવામાં અસમર્થ હોવાના કારણે રાજપાલ યાદવે ૫ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ દિલ્હીની તિહાર જેલમાં અધિકારીઓ સામે આત્મસમર્પણ કરવું પડ્યું હતું. આજે તેમની જામીન અરજી પર સુનાવણી ચાલી રહી છે. જ્યાં લોન ન ચૂકવવાના કારણે હાઈકોર્ટે રાજપાલ યાદવને ફિટકાર લગાવી છે. કોર્ટે રાજપાલ યાદવને જામીન આપવાનો ઈનકાર કર્યો છે તથા આ કેસમાં હવે સોમવારે સુનાવણી થશે. ત્યાં સુધી રાજપાલ યાદવે જેલમાં જ રહેવું પડશે.
દિલ્હી હાઈકોર્ટે રાજપાલ યાદવને પૂછ્યું કે, તમે પોતાની સજા રદ કરવાની માગ શા માટે કરી રહ્યા છો? જ્યારે તમે ખુદ એ વાત સ્વીકાર કરી ચૂક્યા છો કે, તમે પૈસા ઉધાર લીધા હતા. તમે ગુનો કબૂલ કર્યો હતો અને ચૂકવણી કરવાનું વચન આપ્યું હતું. હવે જ્યારે તમને સજા ફટકારવામાં આવી છે, તો તમે સજા રોકવાની વાત કરી રહ્યા છો.
રાજપાલ યાદવના વકીલે કહ્યું કે, અમે એ જ તારીખે કહ્યું હતું કે, અમે મામલો સેટલ કરવા માગીએ છીએ. રાજપાલે કોર્ટમાં કહેલા પોતાના શબ્દોનું માન રાખવા માટે આત્મસમર્પણ કર્યું છે. ફિલ્મમાં જે ૫ કરોડની રકમ ઈન્વેસ્ટ કરી હતી, તે ચૂકવવા માગીએ છીએ. ૩ કરોડથી વધુની રકમ ચૂકવી દેવામાં આવી છે.
હાઈકોર્ટે કહ્યું કે, મને એ નથી સમજાતું કે આ ચર્ચા શા માટે થઈ રહી છે? તમે અરજી દાખલ કરી હતી. જજે કહ્યું હતું કે, તેઓ હસ્તક્ષેપ નહીં કરશે. તમે કહ્યું હતું કે, તમે પૈસા ચૂકવશો. પછી વર્ષો સુધી તમે પૈસા ન ચૂકવ્યા. આદેશની અવગણનાના કારણે તમારે આત્મસમર્પણ કરવું પડ્યું. તમે છેલ્લો ઓર્ડર જાેઈ લો. તમે કહ્યું હતું કે, એક ખરેખર ટ્રાન્જેક્શન થયુ હતું. જ્યાં ફિલ્મના પ્રોડક્શન માટે નાણાં પૂરા પાડવામાં આવ્યા હતા. કોર્ટે નોટિસ કર્યું કે તમે સેટલમેન્ટની શક્યતાઓ શોધી રહ્યા છો. મને આ મામલે હસ્તક્ષેપ કરવાનું કોઈ કારણ નજર નથી આવી રહ્યું. તમે મીડિએશન સેન્ટર ગયા અને ત્યાં ચૂકવણી કરવાનું વચન આપ્યું. તમને ૨૫-૩૦ તકો આપવામાં આવી હતી. હવે શું તમે આ કેસને રી-ઓપન કરવા માગો છો? તમે ચૂકવણી કરવામાં વિલંબ કેમ કર્યો, તેની જાણકારી આપવી પડશે. હું તમારી સાથે સહાનુભૂતિ વ્યક્ત કરી શકું છું, પરંતુ કાયદો કાયદો છે.
રાજપાલ યાદવના વકીલે કહ્યું કે, અરજદારે ૨.૧૦ કરોડ જમા કરવાના છે. અમને ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને પબ્લિક તરફથી મદદ મળી રહી છે. હાઈકોર્ટ કહ્યું કે, આનો કોઈ પણ બાબત સાથે શું સંબંધ છે? તમે ૨૫ વાર કહ્યું છે કે આ લોન છે. જાે તેઓ આ રકમ ચૂકવવા તૈયાર છે, તો અમે આગળ સુનાવણી ચાલુ રાખીશું.
રાજપાલ યાદનના વકીલે કહ્યું કે, અમે કોર્ટમાં સિક્યોરિટી અમાઉન્ટ જમા કરાવવા તૈયાર છીએ. પરંતુ રાજપાલના પરિવારમાં લગ્ન છે, તેથી અમને જામીનની જરૂર છે.




