
રોબોટ જાે ઘરમાં કચરા-પોતાં કરી શકે તો સાઉથની ફિલ્મમાં હીરોઇન કેમ ન બની શકે ? આગામી કન્નડ ફિલ્મ “લંબોદરા ૨.૦”માં નિર્માતાઓએ મુખ્ય ભૂમિકામાં કોઈ માનવીને રોબોટ પસંદ કર્યો રોબોટિક ટેકનોલોજીની હરણફાળના આજકાલના જમાનામાં રોબોટ પાસે ઘણાં કામો કરાવાઇ રહ્યાં છે. ઘરમાં કચરા-પોતાં કરવા માટે સુજ્ઞ ગૃહિણીઓ આજકાલ રોબોટનો ઉપયોગ કરીને રાહતનો નવો શ્વાસ લઇ રહી છે, તો પછી ફિલ્મના અભિનયની કામગીરી પણ રોબોટ કેમ ન કરી શકે? ચીન અને કેટલાં પૂર્વનાં દૂરૃ-સુદૂરનાં દેશોએ પોતાની આર્મીમાં રોબોટ ટ્રુપ રાખવાનું શરૂ કર્યું છે. આપણે ત્યાં દક્ષિણની સિનેમા ઘણી બધી રીતે બોલીવુડ કરતાં આગળ દોડતી રહી છે. કન્નડ સિનેમા ટૂંક સમયમાં એક નવો પ્રયોગ કરવાનો પ્રયાસ કરવા જઈ રહ્યું છે. કન્નડ સિનોમાએ નવો પ્રયોગ કરીને રોબોટને એક ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં પેશ કર્યાે છે. આગામી કન્નડ ફિલ્મ “લંબોદરા ૨.૦” ના નિર્માતાઓ કંઈક નવું કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. મુખ્ય ભૂમિકામાં કોઈ માનવીને લેવામાં આવ્યો નથી. પહેલીવાર તેમાં હ્યુમનોઇડ રોબોટ રજૂ કરાઇ રહ્યો છે. આ પગલું વિજ્ઞાન-કથા શૈલીમાં એક નવા સીમાચિહ્નરૂપ છે. ફિલ્મનું શૂટિંગ ગયા જાન્યુઆરીમાં શરૂ થયું હતું, અને દિગ્દર્શક સિમ્પલ સુનીએ તાજેતરમાં તેનું શૂટિંગ પૂર્ણ કર્યું હતું. પાત્રોનો પરિચય આપતા, દિગ્દર્શક સિમ્પલ સુનીએ તેમના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ફિલ્મના હ્યુમનોઇડ રોબોટની એક ઝલક પણ શેર કરી છે. પોસ્ટના કેપ્શનમાં, સુનીએ લખ્યું, “જિયાને મળો, જે બેંગલુરુના માચાની રોબોટિક્સ દ્વારા વિકસાવવામાં આવેલી હ્યુમનોઇડ રોબોટ છે. ભારતીય સિનેમામાં પહેલીવાર, ‘લંબોદરા ૨.૦’ માં એક વાસ્તવિક હ્યુમનોઇડ રોબોટ સ્ક્રીન પર પાત્ર ભજવે છે. જિયા રોબોટ ભજવતી અભિનેત્રી નથી. તે એક રોબોટ છે. ભારતીય સિનેમાના ભવિષ્યમાં આપનું સ્વાગત છે.”જાે કે નિર્માતાઓએ હજુ સુધી ફિલ્મની રિલીઝ તારીખ જાહેર કરી નથી. બોલિવૂડ અભિનેતા કુણાલ કપૂર પણ આ ફિલ્મ સાથે કન્નડ સિનેમામાં પદાર્પણ કરી રહ્યા છે. “લંબોદરા ૨.૦” માં રોબોટ હોવાના પ્રચારને પગલે જ આ ફિલ્મ જમાવટ કરી જાણે તો નવાઇ નહીં.




