
વન અને પર્યાવરણ મંત્રીની સ્પષ્ટતા ગીરમાં ભેદી વાયરસ બાદ બીમાર ૧૭ સિંહમાંથી ૧૨ને મુક્ત કરાયા બીમાર પડેલા ૧૭ સિંહોને તાત્કાલિક ધોરણે ક્વોરેન્ટાઇન કરી સઘન સારવાર આપ્યા બાદ હાલ સિંહ સંપૂર્ણ સ્વસ્થ
ગીર અને તેની આસપાસના વિસ્તારોમાં તાજેતરમાં અંદાજિત આઠ સિંહબાળના મૃત્યુને પગલે વન્યજીવ પ્રેમીઓમાં ચિંતા જાેવા મળી રહી હતી.
આ મામલે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. બીમાર પડેલા ૧૭ સિંહોને તાત્કાલિક ધોરણે ક્વોરેન્ટાઇન કરી સઘન સારવાર આપ્યા બાદ હાલ આ ૧૭માંથી ૧૨ સિંહ સંપૂર્ણ સ્વસ્થ થઈ જતાં તેમને વનમાં મુક્ત કરી દેવામાં આવ્યા છે. જ્યારે બાકીના ૫ સિંહ હાલ ઓબ્ઝર્વેશન અને સારવાર હેઠળ છે. તેમની તબિયત પણ સુધારા પર છે અને આગામી સમયમાં તેઓને પણ વન વિસ્તારમાં મુક્ત કરવામાં આવશે.
આ અંગે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, “સિંહોના મૃત્યુ પાછળ કોઈ ગંભીર વાઇરસ જવાબદાર નથી અને હાલ સિંહોમાં વાઇરસને લઈને કોઈ જ પ્રકારની ચિંતાનું કારણ નથી. વન વિભાગ દ્વારા ૬૦૦ જેટલા સિંહોનું ડી-ટીકિંગ અને ડી-વોર્મિંગ પણ કરવામાં આવ્યું છે.”
આ સાથે તેમણે જણાવ્યું છે કે, “વન વિભાગના પ્રયાસોથી બીમાર ૧૭ સિંહને ક્વોરેન્ટાઇન કરીને સારવાર કરવામાં આવી હતી. બાકીના ૬૦૦ જેટલા સિંહને ડિટિકિંગ અને ડિ વોર્મિંગ કરવામાં આવ્યું છે. આખો વિસ્તાર જંતુમુક્ત કરાયો હતો. આ ૧૭ સિંહ સખત બીમાર હતા. તેમાંથી ૧૨ સિંહને સાજા થયા બાદ વનમાં છૂટા કરવામાં આવ્યા છે. બાકીના પાંચ સિંહો ઓબ્ઝર્વેશનમાં છે અને તંદુરસ્ત છે. તેમને પણ મુક્ત કરવામાં આવશે. એક ગર્ભવતી સિંહણનું મૃત્યુ થયું છે તેનું મોત અન્ય કોમ્પ્લિકેશનને કારણે થયાની સંભાવના છે. તેમાં કોઈપણ પ્રકારના વાયરસ મળી આવ્યા નથી.”



