
વડતાલધામમાં ૨૦૦ વર્ષ જૂની પરંપરા.૧ લાખ કિલોથી વધુ મરચાં-લીંબુનું પ્રસાદી અથાણું તૈયાર કરવામાં આવ્યું.ભક્તો માટે આ પ્રસાદી અથાણું મંદિર પરિસરમાં આવેલા શ્રી હરિકૃષ્ણ ધાર્મિક સ્ટોર પર વેચાણ માટે ઉપલબ્ધ રહેશે.શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની ગણાતા વડતાલધામમાં છેલ્લા ૨૦૦ વર્ષથી ચાલી આવતી પ્રસાદીના મરચાં-લીંબુના અથાણાંની પરંપરા આજે પણ અકબંધ છે. ચાલુ વર્ષે મંદિરમાં ૧ લાખ કિલોથી પણ વધુ (કુલ ૧,૦૫,૦૦૦ કિલો) અથાણું તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ જંગી માત્રામાં અથાણું બનાવવા માટે ઉત્તર ગુજરાત, ચરોતર અને સૌરાષ્ટ્રમાંથી ૮૦ હજાર કિલો તાજા લીલા મરચાં મંગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ૨૦,૦૦૦ કિલો નિમાડી લીંબુ, ૧૬,૦૦૦ કિલો મીઠું, ૨૦૦૦ કિલો હળદર અને ૬૦૦ લીટર લીંબુના રસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. શિયાળાની ઋતુમાં તૈયાર થતું આ અથાણું લાંબા સમય સુધી બગડતું નથી, જે તેની ખાસ વિશેષતા છે.
મંદિરના ઇતિહાસ અને પરંપરા અંગે માહિતી આપતા ચેરમેન ડૉ. સંતવલ્લભદાસજી સ્વામી તથા મુખ્ય કોઠારી શ્રી દેવપ્રકાશદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, વર્ષો પહેલાં જ્યારે મંદિરમાં ભોજનશાળાની વ્યવસ્થા ન હતી, ત્યારે પૂનમે દર્શનાર્થે આવતા ભક્તો ઘરેથી લાવેલું ભાથું જમવા બેસતા ત્યારે તેમને મંદિર તરફથી આ અથાણું પીરસવામાં આવતું હતું.
૬૦ વર્ષ પહેલાં માત્ર ગુજરાત પૂરતું સીમિત આ અથાણું આજે દેશ-વિદેશમાં પણ ભારે લોકપ્રિય બન્યું છે. હાલમાં જલુંધ, દેવા, પેટલી, વટાદરા અને તારાપુર જેવા ગામોમાંથી ૩૦૦થી વધુ સ્વયંસેવક ભાઈ-બહેનો મરચાં કોચવાની અને અથાણું બનાવવાની સેવામાં જાેડાયા છે.
X
અથાણાં વિભાગની કામગીરી છેલ્લા ૧૬ વર્ષથી પૂ. શ્યામવલ્લભસ્વામીની દેખરેખ હેઠળ ચાલી રહી છે, જેમાં સહાયક કોઠારી ગુણસાગરસ્વામી અને અમૃતસ્વામીનો પણ સહયોગ છે. અથાણું બનાવવાની પદ્ધતિ વિશે વાત કરીએ તો, સૌપ્રથમ લીંબુને ચીરી તેમાં હળદર-મીઠું ભેળવી લાકડાની મોટી કોઠીઓમાં ભરવામાં આવે છે. લીંબુ ગળી ગયા બાદ તેમાં મરચાંનું મિશ્રણ કરવામાં આવે છે.
આ સમગ્ર પ્રક્રિયામાં સ્વચ્છતાનું ખૂબ જ બારીકાઈથી ધ્યાન રાખવામાં આવે છે. હાલમાં ૧૫ મણની ક્ષમતાવાળી ૩૫ લાકડાની કોઠીઓ અને ૫ મણના ૨૫૦ પ્લાસ્ટિકના પીપ અથાણાંથી ભરાઈ ચૂક્યા છે, જેનો ઉપયોગ ૬૦ દિવસ બાદ કરવામાં આવશે.
આ સેવાકાર્યમાં ભક્તોનું યોગદાન પણ અમૂલ્ય રહ્યું છે. વડતાલના અગ્રણી સંત પૂ. ગોવિંદપ્રસાદસ્વામી અને પાર્ષદ ઘનશ્યામભગતની પ્રેરણાથી ભવરીયાના ખેડૂત અગ્રણી મોહનભાઈ પાટીદાર અને તેમના પરિવારે ૧૦૦૦ મણ (૨૦,૦૦૦ કિલો) લીંબુનું દાન કર્યું છે.
તેઓ છેલ્લા બે વર્ષથી આ સેવા આપી રહ્યા છે, જે અન્ય ભક્તો માટે પણ પ્રેરણારૂપ બન્યું છે. ભક્તો માટે આ પ્રસાદી અથાણું મંદિર પરિસરમાં આવેલા શ્રી હરિકૃષ્ણ ધાર્મિક સ્ટોર પર વેચાણ માટે ઉપલબ્ધ રહેશે.




