
એક વર્ષમાં ૪.૬૭ લાખ ફરિયાદ કરી.રાજકોટવાસીઓ પાલિકાની કામગીરીથી ભારે નારાજ.સૌથી વધુ ડ્રેનેજની ફરિયાદથી લોકો ત્રાહિમામ છ.રાજકોટ મહાનગરપાલિકામાં વર્ષ ૨૦૨૫માં ફરિયાદોનો ધોધ વહ્યો છે. એક વર્ષમાં ૪.૬૭ લાખ એટલે કે દૈનિક ૧૨૮૦ જેટલી ફરિયાદો મળી હતી. સૌથી વધુ ડ્રેનેજની ફરિયાદ થી લોકો ત્રાહિમામ છે. ફરિયાદનો ઝડપથી ઉકેલ લાવવા રાજકોટ મહાનગરપાલિકા કાર્યશીલ હોવા છતાં દરરોજ હજારોની સંખ્યામાં ફરિયાદો ઉઠી રહી છે. રાજકોટ મહાનગરપાલિકામાં વર્ષ ૨૦૨૫ દરમિયાન કુલ ૪૬૭,૫૮૨ ફરિયાદો નોંધાઈ હતી. જેમાંથી ૪૬૨,૪૬૫ ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે અને ૫,૧૧૭ ફરિયાદો હાલ ઓપન સ્ટેટસમાં છે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સૌથી વધુ ફરિયાદો ડ્રેનેજ ચોકઅપ અથવા ઓવરફ્લો વિભાગની કુલ ૨૬૫,૧૧૪ નોંધાઈ છે. જે કુલ ફરિયાદોના ૫૬.૭૦ ટકા જેટલી થવા જાય છે. ઉપરાંત રોશની વિભાગમાં ૪૯,૨૩૪ ફરિયાદો, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં ૩૯,૪૫૦ અને વોટર વર્ક્સ વિભાગમાં ૩૪,૪૮૪ ફરિયાદો નોંધાઈ છે. બાંધકામ વિભાગમાં વર્ષ દરમિયાન ૧૮,૪૪૨ ફરિયાદો પ્રાપ્ત થઈ હતી. જેમાંથી ૧૬,૭૨૩ ફરિયાદો ઉકેલવામાં આવી છે.
અન્ય મુખ્ય વિભાગોની વાત કરીએ તો, ડ્રેનેજ મેન્ટેનન્સમાં ૨૧,૯૧૦, કન્ઝર્વન્સી (મૃત પ્રાણી) માટે ૧૦,૦૪૪ અને દબાણ હટાવ શાખામાં ૭,૧૭૦ ફરિયાદો નોંધાઈ હતી. શહેરી પરિવહન સેવા જેવી કે સિટી બસ માટે ૪,૯૧૫ અને બગીચા વિભાગ માટે ૪,૯૨૩ ફરિયાદો મળી હતી. આરોગ્ય અને મલેરિયા વિભાગમાં અનુક્રમે ૭૫ અને ૨,૯૫૮ ફરિયાદોનો સમાવેશ થાય છે. ફાયર વિભાગમાં ૧૩૯ ફરિયાદો નોંધાઈ હતી જે તમામ હાલ ઓપન સ્ટેટસમાં દર્શાવવામાં આવી છે. વિરોધ પક્ષના નેતા વસરામ સાગઠિયાએ જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકામાંછેલ્લા એક વર્ષમાં ચાર લાખ કરતા વધુ ફરિયાદો નોંધાય છે જે સ્પષ્ટ બતાવે છે કે રાજકોટ મહાનગરપાલિકા નું તંત્ર લોકોને સુવિધા આપવામાં નિષ્ફળ ગયું છે. દરરોજ ૧૦૦૦ ફરિયાદ નોંધાય છે. જેમાં ડ્રેનેજ બગીચા ફાયર બસ સહિતની ફરિયાદો નોંધાય છે. જેનો નિકાલ તાત્કાલિક અસરથી થવો જાેઈએ તે થતો નથી
મુખ્ય ફરિયાદોની વિગતો
ક્રમ વિભાગ ફરિયાદ સોલ્વ પેન્ડિંગ
૧ ડ્રેનેજ ચોકઅપ ૨,૬૫,૧૧૪ ૨,૬૪,૬૦૯ ૫૦૫
૨ રોશની વિભાગ ૪૯,૨૩૪ ૪૯,૧૦૫ ૧૨૯
૩ સોલીડ વેસ્ટ ૩૯,૪૫૦ ૩૯,૨૭૬ ૧૭૪
૪ વોટરવર્ક્સ ૩૪,૪૮૪ ૩૩,૩૦૬ ૧,૧૭૮
૫ ડ્રેનેજ મેન્ટેનન્સ ૨૧,૯૧૦ ૨૧,૬૦૭ ૩૦૩
૬ મૃત પ્રાણી ફરિયાદ ૧૦,૦૪૪ ૧૦,૦૧૦ ૩૪
૭ બાંધકામ વિભાગ ૧૮,૪૪૨ ૧૬,૭૨૩ ૧,૭૧૯
૮ સિટિબસ ૪,૯૧૫ ૪,૯૦૬ ૦૯
૯ દબાણ હટાવ ૭,૧૭૦ ૭,૦૮૨ ૮૮
૧૦ ટાઉન પ્લાનિંગ ૨,૧૫૬ ૧,૮૭૧ ૨૮૫
૧૧ ફાયર વિભાગ ૧૩૯ ૦૦ ૧૩૯
રાજકોટ શહેરમાં સૌથી વધુ ફરિયાદ ડ્રેનેજ ચોકઅપ થવાની ૨.૬૫ લાખ છે. જ્યારે બીજા ક્રમે રોશની વિભાગની ૪૯ હજાર જેટલી અને ત્રીજા ક્રમે સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની કચરાના નિકાલને લગતી કુલ ૩૯ હજાર અને વોટર વર્ક્સ વિભાગની પાણી વિતરણને લગતી ૩૪ હજાર જેટલી ફરિયાદો નોંધાઈ છે.
આ ફરિયાદો અંગે રાજકોટના મેયર નયનાબેન પેઢડિયાએ જણાવ્યું હતું કે, મહાનગરપાલિકાના ૧૮ વોર્ડમાં ૧૭ માં ભાજપના નગરસેવકો છે. એક વોર્ડમાં જ કોંગ્રેસના નગરસેવક ચૂંટાયેલા છે. વિકાસ ની કામગીરી ચાલે છે એટલે જ નાગરિકોને અપેક્ષાઓ હોઈ છે જેથી જે પ્રશ્નો આવે છે ચાહે ડ્રેનેજ હોઈ કે સફાઈ બધાનું યોગ્ય નિરાકરણ આવે છે.
મનપાનાં અધિકારીઓ દ્વારા ડ્રેનેજ ચોકઅપ થાય નહીં તેના માટે કાયમી વ્યવસ્થા કરવામાં આવે તો ૫૦% કરતા વધુ ફરિયાદો ઓછી થાય તેમ છે. ત્યારે મનપા તંત્ર દ્વારા આ દિશામાં ક્યારે અને કેવા પગલાં લેવાશે તે જાેવું રહ્યું..




