
કોંગ્રેસના ઇન્દ્રવિજયસિંહે લગાવ્યા આરોપ, ગુજરાત યુનિવર્સિટીમાં ૫૦૦ કરોડનું જમીન કૌભાંડ
આગામી દિવસોમાં ગુજરાત યુનિવર્સિટીને બચાવવા શિક્ષણ સાથે જાેડાયેલા સભ્યો આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે
અમદાવાદ : રોજેરોજ અલગ અલગ કૌભાંડોને લઈને સતત વિવાદોમાં રહેતી રાજ્યની સૌથી મોટી યુનિવર્સિટી એવી ગુજરાત યુનિવર્સિટી ફરી ચર્ચામાં આવી છે. ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ઇન્દ્રવિજયસિંહ ગોહિલે ગુજરાત યુનિવર્સિટીમાં ૫૦૦ કરોડના જમીન કૌભાંડનો આક્ષેપ લગાવ્યો છે. આગામી દિવસોમાં ગુજરાત યુનિવર્સિટીને બચાવવા શિક્ષણ સાથે જાેડાયેલા સભ્યો આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.
હજુ બેથી ત્રણ દિવસ પહેલા જ ગુજરાત યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય શ્વેતલ સુતરિયા ૬૫ લાખની લાંચ લેતા ઝડપાયા છે એ મુદ્દો હજુ ચર્ચામાં છે ત્યાં ભ્રષ્ટાચારની તપાસ કરતા અનેક ભ્રષ્ટાચાર સામે આવ્યા છે. યુનિવર્સિટીના ઇતિહાસમાં સૌથી મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવ્યું છે. ગુજરાત યુનિવર્સિટીમાં સરકાર દ્વારા નીમવામાં આવેલા સિન્ડિકેટ સભ્ય ભ્રષ્ટાચાર આચરી રહ્યા હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે. કોંગ્રેસના આક્ષેપ છે કે ગુજરાત યુનિવર્સિટીની ૫૦૦ કરોડની જમીન આશિષ અમીને લઈને તે જગ્યા પર ક્લબ શરૂ કરવાનું આયોજન કર્યું છે, જેમાં લોકોને ૧૫ લાખ રૂપિયા સુધીની મેમ્બરશીપ આપવાનું પણ આયોજન છે.
આ મામલે હવે કોંગ્રેસ દ્વારા આગામી દિવસોમાં વિદ્યાર્થી હિત રક્ષક સમિતિ બનાવી શિક્ષણ સાથે જાેડાયેલા સભ્યોને સાથે રાખી આંદોલન કરવામાં આવશે. ગુજરાત કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ અને પૂર્વ સિન્ડિકેટ સભ્ય ઇન્દ્રવિજયસિંહ ગોહિલ જણાવે છે કે ભ્રષ્ટાચારની તપાસ દરમિયાન યુનિવર્સિટીની હજારો એકર જમીનની ગેરકાયદે ફાળવણીનો એક કિસ્સો સામે આવ્યો છે. આ જમીન દાતાઓએ યુનિવર્સિટીને શૈક્ષણિક હેતુ માટે આપી હતી. સરકાર દ્વારા નિયુક્ત સિન્ડિકેટ સભ્ય આશિષ અમીન જે દ્રોણાચાર્ય એકેડેમી નામની રાઈફલ ક્લબ ચલાવે છે
તેમણે કથિત રીતે યુનિવર્સિટીની ૧૦ હજારથી ૧૨ હજાર ચોરસ ફૂટથી વધુ જગ્યા પોતાની ક્લબ માટે મંજૂર કરાવી. અમદાવાદના મધ્યમાં આવેલી આ જમીનની બજાર કિંમત રૂપિયા ૫૦૦ કરોડથી વધુની છે.
દ્રોણાચાર્ય એકેડેમી રાઈફલ ક્લબના ફી માળખા પર પણ કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા છે. આ ક્લબ સભ્યપદ માટે રૂપિયા ૫૦૦૦ ની નોન-રીફંડેબલ ફી વસૂલે છે. આ ઉપરાંત, આજીવન મેમ્બરશીપ માટે રૂપિયા ૫ લાખથી રૂપિયા ૧૫ લાખ સુધીની ફી લેવામાં આવે છે. કોંગ્રેસના આક્ષેપો મુજબ, ક્લબ માટેની ટેન્ડર પ્રક્રિયામાં પણ ગેરરીતિઓ આચરવામાં આવી હતી.
ટેન્ડરના નિયમો સિન્ડિકેટ સભ્યો દ્વારા જ ઘડવામાં આવ્યા હતા. એક મુખ્ય ફેરફાર મુજબ, યુનિવર્સિટીના ખર્ચે ક્લબ માટે વિશ્વ કક્ષાની સુવિધાઓ અને સાધનો સ્થાપિત કરવા પડશે. તેમજ ક્લબના તમામ ખર્ચાઓ, જેમ કે સુરક્ષા, વીજળી, પાણી અને ટુર્નામેન્ટના ખર્ચાઓ પણ યુનિવર્સિટીએ ઉઠાવવા પડશે. આ સ્પષ્ટપણે લાગે છે કે યુનિવર્સિટી ખાનગી ક્લબને આર્થિક રીતે ફાયદો કરાવી રહી છે. ઇન્દ્રવિજયસિંહ ગોહિલે જણાવ્યું કે હાલમાં યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર વિદેશ પ્રવાસે છે તેઓ પરત ફરશે ત્યારે તેઓ સમક્ષ આ મુદ્દો ઉઠાવવામાં આવશે અને જરૂર પડી આંદોલન કરવામાં આવશે.
