
ઘુમાના ચિદાનંદ બંગલોઝમાંથી તસ્કરોએ ૧૬.૯૨ લાખની મતા ચોરીપોલીસે સીસીટીવી ફૂટેજ તપાસ કરતા કુલ પાંચ લોકોએ ગત તા.૧૭મી એ રાત્રે ૩ વાગ્યે મકાનમાં ઘૂસીને ચોરી કર્યાનું સામે આવ્યું છે.
બોપલ ઘુમામાં આવેલા ચિદાનંદ બંગલોઝમાં તસ્કરોએ હાથફેરો કરીને ૧૬.૯૨ લાખની ચોરીને અંજામ આપ્યો છે. આ બંગલોમાં રહેતા ફેક્ટરી માલિક ઘર બંધ કરીને તેમના પરિવારજનો સાથે વડોદરા અને મુંબઇ ખાતે ગયા હતા. તે સમયે રાત્રે ત્રણ વાગ્યે પાંચ જેટલા તસ્કરોએ ઘરમાં ઘૂસીને સોના-ચાંદી તથા હીરાના દાગીના અને રોકડા પાંચ લાખ સહિત ૧૬.૯૨ લાખની ચોરી કરી છે. આ મામલે પોલીસને જાણ કરાતા બોપલ પોલીસે ગુનો નોંધી સીસીટીવી આધારે તપાસ હાથ ધરી છે. બોપલ ઘુમામાં આવેલા ચિદાનંદ બંગ્લોઝમાં રહેતા નિશીતભાઇ દવે પીરાણા એસપી રિંગ રોડ પર પ્રિન્ટિંગ ઇન્ક બનાવવાની ફેક્ટરી ધરાવે છે. નિશીતભાઇ ગત તા.૧૫મીએ ઘર બંધ કરીને પત્ની અને દીકરાને લઇને ફેક્ટરીએ ગયા હતા. જ્યાંથી સીધા જ તે વડોદરા ખાતે રહેતા તેમના ભાઇના ઘરે ગયા હતા. જ્યાં રાત રોકાયા બાદ બીજા દિવસે મુંબઇ ખાતે મામાની દીકરીની સગાઇના પ્રસંગમાં ગયા હતા. નિશીતભાઇ અને તેમનો પરિવાર મુંબઇ ખાતે બે દિવસ રોકાઇને ગત તા.૧૮મીએ રાત્રે ઘરે આવ્યો હતો. નિશીતભાઇએ ઘરે આવીને દરવાજાે ખોલ્યો તો તમામ સરસામાન વેર વિખેર હાલતમાં હતો. ચોરીની શંકા દાખવીને તેમણે બેડરૂમમાં તપાસ કરી તો ત્યાં પણ સામાન વેર વિખેર હાલતમાં હતો. જેથી ઉપરના માળે જઇને તપાસ કરી તો ગેલેરીનું સ્લાઇડર ખુલ્લું હતું અને સામાન વેર વિખેર હતો. ચોરીની શંકાએ તેમણે તપાસ કરી અને બોપલ પોલીસને જાણ કરી હતી. બોપલ પોલીસે તપાસ કરતા તસ્કરો સોનાનો હાર, ડોકીયુ, લગડી, બુટ્ટી, મોતી તથા ચાંદીના દાગીના અને રોકડા પાંચ લાખ મળીને કુલ ૧૬.૯૨ લાખની મતા ચોરી ગયા હોવાનું સામે આવ્યું હતું.પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કર્યા બાદ તપાસ કરતા કુલ પાંચ લોકોએ ગત તા.૧૭મીએ રાત્રે ૩ વાગ્યે મકાનમાં ઘૂસીને ચોરીને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. તસ્કરોની ગેંગ મકાનના બીજા માળની બાલ્કનીમાંથી પ્રવેશી હતી. તસ્કરોની મોડસ ઓપરેન્ડી જાેતા રાજ્ય બહારની ગેંગ હોવાની શક્યતા સેવાઇ રહી છે.




